NRIનો ભારત પર ભરોસો વધ્યો: હેલ્થ ઈન્શ્યોરન્સની ખરીદીમાં 126% નો રેકોર્ડબ્રેક ઉછાળો
Health Insurance India: વિદેશમાં મોંઘી સારવારથી કંટાળેલા NRI હવે ભારતમાં હેલ્થ ઈન્શ્યોરન્સ લઈ રહ્યા છે. પોલિસી ખરીદીમાં 126% નો તોતિંગ વધારો નોંધાયો છે. જાણો શા માટે વિદેશી ભારતીયો ભારતની મેડિકલ સુવિધાઓ પસંદ કરી રહ્યા છે.
Health Insurance India: વિદેશમાં મોંઘી સારવારથી કંટાળેલા NRI હવે ભારતમાં હેલ્થ ઈન્શ્યોરન્સ લઈ રહ્યા છે.
Health Insurance India: વિદેશની ધરતી પર કમાણી સારી છે, પણ જ્યારે વાત સ્વાસ્થ્ય અને સારવારની આવે છે ત્યારે ત્યાંનો ખર્ચો સાંભળીને ઘણા લોકોના પરસેવા છૂટી જાય છે. આ જ કારણ છે કે વિદેશમાં વસતા ભારતીયો (NRI) હવે સ્વાસ્થ્ય વીમા અને સારવાર માટે ઝડપથી ભારત તરફ વળી રહ્યા છે.
તાજેતરમાં આવેલા ડિજિટલ ઈન્શ્યોરન્સ પ્લેટફોર્મ ‘પોલિસીબઝાર'ના એક રિપોર્ટ મુજબ, NRI દ્વારા ખરીદવામાં આવતી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં વાર્ષિક ધોરણે 126%નો જબરદસ્ત વધારો નોંધાયો છે. ઓછું પ્રીમિયમ, સરળ ડિજિટલ પ્રોસેસ અને AI ટેકનોલોજી દ્વારા થતી તપાસને કારણે આ ટ્રેન્ડમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
હવે NRI માત્ર ઈમરજન્સી માટે જ નહીં, પણ એક સંપૂર્ણ હેલ્થ સોલ્યુશન તરીકે ભારતીય વીમા કંપનીઓ પર ભરોસો મૂકી રહ્યા છે. ખાસ કરીને ભારતમાં રહેતા તેમના માતા-પિતા અને પરિવાર માટે તેઓ હવે વ્યાપક કવરેજ પસંદ કરી રહ્યા છે.
ટેકનોલોજીએ બદલી નાખ્યું ચિત્ર
પોલિસીબઝારના હેલ્થ ઈન્શ્યોરન્સ હેડ સિદ્ધાર્થ સિંઘલના જણાવ્યા મુજબ, હવે ભૌગોલિક સીમાઓ કોઈ અવરોધ નથી રહી. AI આધારિત મેડિકલ ચેકઅપ અને સંપૂર્ણ ડિજિટલ ઓનબોર્ડિંગને કારણે વિદેશમાં બેઠા-બેઠા પોલિસી લેવી સરળ બની છે. આંકડાઓ પર નજર કરીએ તો:
* ફેમિલી ફ્લોટર પોલિસી લેનારાઓની સંખ્યામાં 70% નો વધારો થયો છે.
* માતા-પિતા માટે અલગ કવરેજ લેનારાઓની સંખ્યા 60% વધી છે.
આ દર્શાવે છે કે NRI હવે ભારતીય હેલ્થ ઈન્શ્યોરન્સને લાંબા ગાળાની સુરક્ષા તરીકે જોઈ રહ્યા છે.
કયા દેશોમાંથી સૌથી વધુ માંગ?
રિપોર્ટના આંકડા ખૂબ જ રસપ્રદ છે, જે દર્શાવે છે કે દુનિયાના ખૂણે-ખૂણેથી ભારતીયો હવે સ્વદેશની મેડિકલ સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે.
અખાતી દેશો (Gulf Countries): કુલ ગ્રાહકોમાં લગભગ 50% હિસ્સો UAE, સાઉદી અરેબિયા અને કુવૈત જેવા દેશોનો છે. કારણ કે ત્યાં હેલ્થ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ 2000 થી 3000 ડોલર જેટલું મોંઘું છે, જ્યારે ભારતમાં તે જ સુવિધા માત્ર 120 થી 300 ડોલરમાં મળી જાય છે. વળી, ભારત નજીક હોવાથી આવવા-જવાનો સમય પણ ઓછો લાગે છે.
યુરોપ (Europe): અહીંથી 25% જેટલી માંગ આવી રહી છે. યુરોપમાં ઈમરજન્સી ન હોય તેવી સર્જરી માટે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે. મહિનાઓ સુધી રાહ જોવાને બદલે લોકો ભારત આવીને હિપ રિપ્લેસમેન્ટ કે મોતિયાનું ઓપરેશન કરાવવાનું વધુ પસંદ કરે છે.
અમેરિકા અને કેનેડા: આ દેશોનો હિસ્સો 17% છે. અહીં સારવારનો ખર્ચ આસમાને છે. ઘણીવાર તો એવું બને છે કે ફ્લાઈટની ટિકિટ અને ભારતમાં સર્જરીનો કુલ ખર્ચ ગણીએ તો પણ તે અમેરિકા કરતા સસ્તું પડે છે.
અન્ય દેશો: એશિયા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાથી 8% માંગ છે. અહીંના લોકો ઘૂંટણ પ્રત્યારોપણ અને હૃદયની સર્જરી માટે ભારત પર પસંદગી ઉતારે છે. ભારતમાં 1 કરોડ રૂપિયા સુધીનું કવર આપતી પોલિસીનું વાર્ષિક પ્રીમિયમ, આ દેશોના એક મહિનાના પ્રીમિયમ કરતા પણ ઓછું હોય છે.
પૂરા પરિવાર અને માતા-પિતાની સુરક્ષા પ્રાથમિકતા
પહેલા લોકો વ્યક્તિગત પોલિસી લેતા હતા, પરંતુ હવે ફેમિલી ફ્લોટર પોલિસીનો હિસ્સો 20% થી વધીને 70% થઈ ગયો છે. સરેરાશ વીમાની રકમ પણ 25 લાખ રૂપિયાથી વધુ જોવા મળી છે. જીએસટીમાં મળેલી રાહત બાદ હવે એક જ પ્લાનમાં આખા પરિવારને આવરી લેવાનું વલણ વધ્યું છે.
માતા-પિતા માટે લેવાતી પોલિસીમાં પણ 32% થી વધીને 60% નો ઉછાળો આવ્યો છે. ઘણી પોલિસીમાં ‘કન્સીયર્જ સર્વિસ' (Concierge Service) મળે છે, જેનાથી વિદેશમાં બેઠા-બેઠા પણ ભારતમાં માતા-પિતાની સારવારનું મેનેજમેન્ટ સરળતાથી થઈ શકે છે.
મોંઘવારી સામે રક્ષણ અને OPD કવરનો ક્રેઝ
ભારતમાં મેડિકલ મોંઘવારી વાર્ષિક 14% ના દરે વધી રહી છે. આ જોતા હવે લોકો મોટી રકમનો વીમો પસંદ કરી રહ્યા છે. હાઈ સમ ઇન્શ્યોર્ડ (વધુ વીમા રકમ) પસંદ કરનારા લોકોમાં 70% નો વધારો થયો છે, જેથી રોબોટિક સર્જરી અને આધુનિક સારવારનો ખર્ચ પણ કવર થઈ શકે.
આ ઉપરાંત, OPD કવર લેનારાઓનું પ્રમાણ 7% થી વધીને 20% થયું છે. જેમાં ડોક્ટર કન્સલ્ટેશન, MRI, બ્લડ ટેસ્ટ અને દવાઓનો ખર્ચ સામેલ હોય છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ ધરાવતા માતા-પિતા માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
ભારત બની રહ્યું છે ગ્લોબલ હેલ્થ હબ
આંકડા સ્પષ્ટ કરે છે કે અમેરિકા કે યુરોપની સરખામણીમાં ભારતમાં વીમાનું પ્રીમિયમ 40% સુધી ઓછું છે અને સારવારનો ખર્ચ 70%થી 90% જેટલો સસ્તો છે. સાથે જ પ્રાઈવેટ હોસ્પિટલોમાં નિષ્ણાત ડોક્ટરોની તાત્કાલિક સેવા ઉપલબ્ધ છે.
આ બદલાતો ટ્રેન્ડ સાબિત કરે છે કે ભારત માત્ર પોતાના નાગરિકો માટે જ નહીં, પરંતુ વિદેશમાં વસતા ભારતીય સમુદાય માટે પણ વિશ્વસ્તરીય અને પોસાય તેવી સ્વાસ્થ્ય સેવાઓનું કેન્દ્ર બની રહ્યું છે.