UGCના નવા નિયમોથી ભડકો: સવર્ણો રસ્તા પર ઉતર્યા, ખુદ BJP નેતાઓએ પણ સરકાર સામે બાંયો ચડાવી!
UGC Guidelines Protest: UGCના નવા નિયમો સામે સવર્ણોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હીથી યુપી સુધી વિરોધ ફાટી નીકળ્યો છે. નવાઈની વાત એ છે કે ખુદ ભાજપના નેતાઓ પણ આ નિયમો સામે સવાલ ઉઠાવી રહ્યા છે. જાણો શું છે વિવાદ અને કેમ થઈ રહ્યો છે વિરોધ.
UGC Guidelines Protest: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમોને લઈને દેશભરમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
UGC Guidelines Protest: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમોને લઈને દેશભરમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. અત્યાર સુધી માત્ર સોશિયલ મીડિયા પર દેખાતો સવર્ણોનો આક્રોશ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે. દિલ્હી સ્થિત UGCના હેડક્વાર્ટર બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ આગ હવે ઉત્તર પ્રદેશ સુધી પહોંચી છે અને ત્યાં પણ ઠેર-ઠેર દેખાવો શરૂ થઈ ગયા છે.
શા માટે થઈ રહ્યો છે વિરોધ?
સરકારે યુનિવર્સિટીઓમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે નવા નિયમો બનાવ્યા છે. UGCએ આદેશ આપ્યો છે કે SC, ST અને OBC વિદ્યાર્થીઓ માટે કોલેજોમાં 24/7 હેલ્પલાઈન અને ઈક્વિટી સેન્ટર બનાવવામાં આવે. જોકે, સવર્ણ સમાજના વિદ્યાર્થીઓ અને આગેવાનોનું કહેવું છે કે આ નિયમો એકતરફી છે અને તેમાં સ્પષ્ટતાનો અભાવ છે, જેના કારણે ભવિષ્યમાં તેનો દુરુપયોગ થઈ શકે છે.
આંદોલનકારીઓની મુખ્ય દલીલો અને ચિંતાઓ:
વિરોધ કરી રહેલા લોકોએ મુખ્યત્વે નીચે મુજબના મુદ્દાઓ ઉઠાવ્યા છે, જે તેમના મતે ચિંતાજનક છે:
એકતરફી વ્યાખ્યા:નવા નિયમ પ્રમાણે, જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યામાં માત્ર SC, ST અને OBC વર્ગ સાથે થતા ભેદભાવને જ ગણતરીમાં લેવાશે. જો જનરલ કેટેગરીના વિદ્યાર્થી સાથે અન્યાય થાય તો તેને કોઈ કાયદાકીય રક્ષણ મળશે નહીં.
ખોટી ફરિયાદ સામે કોઈ દંડ નહીં:જો કોઈ વ્યક્તિ જાણીજોઈને ખોટી ફરિયાદ કરે, તો તેની સામે દંડ કે સજાની કોઈ જોગવાઈ નથી. આનાથી ડર છે કે અંગત અદાવત રાખવા માટે નિર્દોષ પ્રોફેસરો કે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી શકે છે.
કમિટીમાં પ્રતિનિધિત્વનો અભાવ:કોલેજોમાં જે 'સમાનતા સમિતિ' (Equality Committee) બનશે, તેમાં SC, ST, OBC અને મહિલા સભ્યો રાખવા ફરજિયાત છે, પરંતુ જનરલ કેટેગરીના પ્રતિનિધિત્વ માટે કોઈ જોગવાઈ રાખવામાં આવી નથી.
ભાજપમાં જ અસમંજસ: નેતાઓએ ઉઠાવ્યા સવાલ
આ મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. સત્તાધારી પક્ષ ભાજપના જ કેટલાક નેતાઓ આ નિયમોની ટીકા કરી રહ્યા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. સંજય સિંહે સ્પષ્ટ કહ્યું કે, "જે સમિતિઓમાં સંતુલિત પ્રતિનિધિત્વ ન હોય, તે ન્યાય કેવી રીતે કરી શકે? માત્ર અમુક વર્ગની કમિટીથી સમસ્યા હલ ન થાય. દરેક નાગરિકના સન્માનની રક્ષા થવી જોઈએ અને તેમાં તમામ વર્ગની ભાગીદારી હોવી જરૂરી છે."
ભાજપના દિગ્ગજ નેતા બૃજ ભૂષણ શરણ સિંહના પુત્ર અને ધારાસભ્ય પ્રતિક ભૂષણે પણ આકરો સૂર કાઢ્યો છે. તેમણે કહ્યું કે, "આ બેવડા વલણની સમીક્ષા થવી જોઈએ. ભારતીય સમાજના એક ચોક્કસ વર્ગને ઐતિહાસિક ગુનેગાર ચિતરીને તેની સામે બદલો લેવાની ભાવનાથી નિશાન બનાવવામાં આવી રહ્યો છે."
ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું નિવેદન
બીજી તરફ, ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે પણ આ મામલે સરકારને ઘેરી છે. તેમણે કહ્યું હતું કે, આવા કાયદાઓથી ભારતમાં જાતિગત તણાવ વધશે. સરકાર ઈચ્છે છે કે દેશ જાતિવાદ અને ધર્મવાદમાં અટવાયેલો રહે અને સમાજમાં અંદરોઅંદર વૈમનસ્ય વધે. આવા નિર્ણયો દેશના હિતમાં નથી.
હાલ તો આ મુદ્દે સરકાર કે UGC તરફથી કોઈ સંશોધનની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જે રીતે વિરોધ ઉગ્ર બની રહ્યો છે અને પોતાના જ નેતાઓ અવાજ ઉઠાવી રહ્યા છે, તે જોતા આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાઈ શકે છે.