Union Budget 2026: આગામી બજેટમાં સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો દાવ ખેલી શકે છે. 13 થી 15 લાખ કરોડના સંભવિત રોકાણ, નવી 500 વંદે ભારત ટ્રેનો અને તમારા ખિસ્સા પર થનારી અસર વિશેનો સંપૂર્ણ માસ્ટરપ્લાન જાણો.
Union Budget 2026: આગામી બજેટમાં સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો દાવ ખેલી શકે છે.
Union Budget 2026: કોઈપણ દેશની પ્રગતિનો આધાર તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે પાયાના માળખા પર રહેલો હોય છે. તેને અર્થવ્યવસ્થાની ‘કરોડરજ્જુ’ માનવામાં આવે છે. મોદી સરકારે વર્ષ 2047 સુધીમાં ભારતને ‘વિકસિત ભારત’ બનાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે. આ સપનાને પૂરું કરવામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની ભૂમિકા સૌથી મહત્વની સાબિત થવાની છે. તેથી જ આગામી બજેટ 2026થી આ સેક્ટરને ઘણી મોટી આશાઓ છે.
બજેટમાં રોકાણનો વ્યાપ વધવાની શક્યતા
સરકારે ગયા બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે 11.11 લાખ કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી કર્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે, વિકસિત ભારતના લક્ષ્યને પહોંચી વળવા માટે આ વખતે આ રકમમાં મોટો વધારો થઈ શકે છે. એવી પ્રબળ શક્યતા છે કે આ બજેટમાં આ રકમ વધારીને 13થી 15 લાખ કરોડ રૂપિયા કરવામાં આવે.
જ્યારે સરકાર રસ્તાઓ, પુલો અને રેલવે જેવા પ્રોજેક્ટ્સ પર વધુ પૈસા ખર્ચે છે, ત્યારે સીધો ફાયદો સિમેન્ટ, સ્ટીલ અને અન્ય કન્સ્ટ્રક્શન મટીરીયલ ઉદ્યોગોને થાય છે. આના કારણે લેબરની માંગ વધશે અને દેશમાં રોજગારના નવા અવસરો પેદા થશે.
રેલવેનું થશે આધુનિકીકરણ
આ બજેટમાં સામાન્ય મુસાફરો માટે રેલવે સેક્ટર પર ખાસ ધ્યાન આપવામાં આવે તેવી વકી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ઈચ્છે છે કે સરકાર 400 થી 500 નવી ‘વંદે ભારત’ અને ‘અમૃત ભારત’ ટ્રેનો માટે વિશેષ ફંડ જાહેર કરે. આ ઉપરાંત, જૂના રેલવે સ્ટેશનોને એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ કરવાના કામમાં તેજી લાવવામાં આવશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિસ્તરણ અને દિલ્હી-વારાણસી જેવા નવા રૂટ માટે પણ બજેટમાં મોટી જાહેરાતો થઈ શકે છે.
‘પીએમ ગતિ શક્તિ’ અને સસ્તું ટ્રાન્સપોર્ટ
ભારતમાં હાલ સામાનની હેરફેરનો ખર્ચ (Logistics Cost) દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ઘણો વધારે છે. ઈન્ડસ્ટ્રીની માંગ છે કે મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક બનાવવા માટે સરકારે તિજોરી ખોલવી જોઈએ. સરકારનો લક્ષ્યાંક છે કે સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો ખર્ચ GDPના 14% છે, જેને ઘટાડીને 8% પર લાવવામાં આવે. આના માટે બજેટમાં વિશેષ જોગવાઈ થઈ શકે છે.
ગ્રીન એનર્જી અને ભવિષ્યની તૈયારી
પર્યાવરણને ધ્યાનમાં રાખીને ‘ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ પર પણ જોર આપવામાં આવશે. દેશભરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશનોનું નેટવર્ક ઊભું કરવા અને સોલાર એનર્જીને પ્રોત્સાહન આપવા માટે મોટી સબસિડીની માંગ છે. આ વખતે બજેટમાં હાઈડ્રોજન ફ્યુઅલ અને રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ્સ માટે ‘સસ્તી લોન’ મળવાની પણ પૂરી શક્યતા છે.
શહેરોનો વિકાસ અને સ્માર્ટ સિટી
મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે. આ સમસ્યાના ઉકેલ માટે મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ અને ‘સ્માર્ટ સિટી’ મિશનના આગલા તબક્કા માટે સરકાર ભારે રોકાણ કરી શકે છે, જેથી શહેરી જીવન વધુ સરળ બને.
સામાન્ય માણસને શું ફાયદો થશે?
સૌથી મોટો સવાલ એ છે કે આ બધાથી તમારા અને મારા જેવા સામાન્ય માણસને શું મળશે? જો બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે, તો નવી સડકો અને ઝડપી ટ્રેનોથી તમારી મુસાફરીનો સમય બચશે. કન્સ્ટ્રક્શન સેક્ટરમાં તેજી આવવાથી લાખો નવી નોકરીઓ ઊભી થશે. જ્યારે સામાનનું ટ્રાન્સપોર્ટેશન સસ્તું થશે, ત્યારે ફળ-શાકભાજી અને જીવનજરૂરિયાતની અન્ય વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે.