Union Budget 2026: ચામડાના બ્રીફકેસથી બહી-ખાતા અને હવે 'ટેબ'થી બજેટ... જાણો કેવી રીતે અને ક્યારે બદલાઈ આ પરંપરા?
Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બ્રિટિશ જમાનાના બ્રીફકેસથી શરૂ થયેલી સફર હવે ડિજિટલ ટેબ્લેટ સુધી પહોંચી છે. જાણો બજેટ 2026 ની તારીખ અને આ પરંપરા બદલાયાની રસપ્રદ કહાની.
Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બ્રિટિશ જમાનાના બ્રીફકેસથી શરૂ થયેલી સફર હવે ડિજિટલ ટેબ્લેટ સુધી પહોંચી છે.
Union Budget 2026: ભારતની સંસદમાં ફરી એકવાર બજેટની હલચલ શરૂ થવા જઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત દેશનું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચશે. ભારત જ નહીં, પરંતુ દુનિયામાં તેઓ પહેલા મહિલા નાણામંત્રી છે જે આ સિદ્ધિ મેળવી રહ્યા છે. જોકે, છેલ્લા થોડા વર્ષોમાં બજેટમાં આંકડાઓ ઉપરાંત તેને રજૂ કરવાની રીતમાં પણ મોટો બદલાવ આવ્યો છે.
આ વખતે પણ બજેટ સંપૂર્ણપણે 'ડિજિટલ' હશે. એટલે કે નાણામંત્રી કોઈ ચોપડા કે ફાઈલમાંથી નહીં, પરંતુ હાથમાં 'ટેબ' (Tablet) રાખીને સંસદમાં બજેટ વાંચશે. ચાલો જાણીએ બજેટ 2026 ની વિગતો અને બ્રીફકેસથી લઈને ટેબ સુધીની સફરનો ઈતિહાસ.
બજેટ સત્ર 2026: ક્યારે અને કેવી રીતે?
દેશની સંસદમાં બજેટ સત્ર 2026 ની શરૂઆત 28 જાન્યુઆરીથી થઈ રહી છે. આ સત્ર બે ભાગમાં વહેંચાયેલું હશે:
* પહેલો તબક્કો: 28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી.
* બીજો તબક્કો: 9 માર્ચથી 2 એપ્રિલ 2026 સુધી.
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ કરશે.
ચામડાના બ્રીફકેસનો યુગ (બ્રિટિશ પરંપરા)
ભારતમાં બજેટ રજૂ કરવાની રીત બ્રિટિશ સમયથી ચાલી આવે છે. જૂના જમાનામાં બજેટના દસ્તાવેજો એક ચામડાના બ્રીફકેસમાં લાવવામાં આવતા હતા. આ પરંપરા 1860માં બ્રિટનના 'ચાન્સેલર ઓફ એક્સચેકર' વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટને શરૂ કરી હતી. ભારત આઝાદ થયું ત્યારે 15 ઓગસ્ટ 1947 પછી દેશના પહેલા નાણામંત્રી આર.કે. શણમુખમ શેટ્ટીએ 26 નવેમ્બર 1947ના રોજ આઝાદ ભારતનું પહેલું વચગાળાનું બજેટ પણ બ્રીફકેસમાં જ રજૂ કર્યું હતું. વર્ષો સુધી બ્રીફકેસના રંગ બદલાતા રહ્યા (ક્યારેક લાલ, કાળો કે ભૂરો), પણ પરંપરા એ જ રહી. મોદી સરકારમાં 2018 સુધી અરુણ જેટલીએ પણ બ્રીફકેસનો જ ઉપયોગ કર્યો હતો.
બહી-ખાતા: ભારતીય સંસ્કૃતિનું પ્રતીક (2019)
વર્ષ 2019માં જ્યારે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન બન્યા, ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે અંગ્રેજોની ગુલામીની પ્રતીક સમાન 'બ્રીફકેસ' પ્રથાને બંધ કરી દીધી. તેના સ્થાને તેમણે ભારતીય પરંપરા મુજબ લાલ રંગના કપડાંમાં વીંટાળેલા 'બહી-ખાતા'નો ઉપયોગ શરૂ કર્યો. તત્કાલીન મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે તેને પશ્ચિમી ગુલામીમાંથી મુક્તિ અને ભારતીય સંસ્કૃતિનું પ્રતીક ગણાવ્યું હતું. 2020 સુધી આ રીતે જ બજેટ રજૂ થયું.
ડિજિટલ ઈન્ડિયા: ટેબ્લેટથી પેપરલેસ બજેટ (2021)
કોરોના મહામારીએ દુનિયાને બદલી નાખી અને તેની અસર ભારતના બજેટ પર પણ પડી. વર્ષ 2021માં એક ઐતિહાસિક બદલાવ આવ્યો. સરકારે પર્યાવરણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બજેટને 'પેપરલેસ' બનાવ્યું. નાણામંત્રીએ લાલ કવરવાળા 'ટેબ્લેટ' (Tab) દ્વારા બજેટ વાંચવાની શરૂઆત કરી. આ પગલું 'ડિજિટલ ઈન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ની દિશામાં એક મોટું કદમ હતું. ત્યારથી લઈને અત્યાર સુધી હવે ટેબ દ્વારા જ બજેટ રજૂ કરવામાં આવે છે.
બજેટ એપ: માહિતી હવે આંગળીના ટેરવે
2021માં પેપરલેસ બજેટની સાથે સરકારે સામાન્ય લોકો માટે એક 'બજેટ એપ' (Union Budget App) પણ લોન્ચ કરી હતી. આ એપનો ફાયદો એ છે કે નાણામંત્રી સંસદમાં જેવું બજેટ રજૂ કરે, તેની થોડી જ વારમાં આખા બજેટની વિગતો ઓનલાઈન ઉપલબ્ધ થઈ જાય છે. હવે સાંસદોથી લઈને સામાન્ય નાગરિક સુધી કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઈલમાં બજેટની સંપૂર્ણ માહિતી સરળતાથી જોઈ શકે છે. આમ, સમયની સાથે ભારતનું બજેટ પણ હાઈટેક થઈ ગયું છે. હવે જોવાનું એ રહેશે કે 2026 ના બજેટમાં સામાન્ય જનતા માટે શું ખાસ જાહેરાતો થાય છે.