Pan Masala Tax Hike: પાન મસાલા ખાવા થશે મોંઘા! સરકારે ઠોક્યો 88% ટેક્સ, સેસ દ્વારા થશે 14,000 કરોડની કમાણી
Pan Masala Tax Hike: શું તમે પાન મસાલાના શોખીન છો? તો આ સમાચાર તમારા માટે છે. સરકારે પાન મસાલા પર કુલ 88% ટેક્સ વસૂલવાની તૈયારી કરી લીધી છે. ફેબ્રુઆરી 2026 થી લાગુ થનારા આ નવા સેસ અને સરકારની કમાણી વિશે અહીં વિગતવાર વાંચો.
Pan Masala Tax Hike: શું તમે પાન મસાલાના શોખીન છો? તો આ સમાચાર તમારા માટે છે. સરકારે પાન મસાલા પર કુલ 88% ટેક્સ વસૂલવાની તૈયારી કરી લીધી છે.
Pan Masala Tax Hike: જો તમે પાન મસાલા ખાવાના શોખીન હોવ, તો હવે તમારે તમારા ખિસ્સા પર વધારે ભાર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. કેન્દ્ર સરકારે પાન મસાલા પર ટેક્સનું માળખું કડક બનાવ્યું છે. હવે પાન મસાલા પર કુલ મળીને 88% જેટલો જંગી ટેક્સ વસૂલવામાં આવશે. સરકારને આશા છે કે નાણાકીય વર્ષ 2026-27 માં માત્ર સેસ દ્વારા જ 14,000 કરોડ રૂપિયાની માતબર કમાણી થશે.
ફેબ્રુઆરી 2026 થી નવો સેસ લાગુ
સરકારે પાન મસાલા પર 1 ફેબ્રુઆરી, 2026 થી 'હેલ્થ અને નેશનલ સિક્યોરિટી સેસ' (Health and National Security Cess) લાગુ કર્યો છે. આ સેસ હાલના 40% GST કરતા અલગ રહેશે. એટલે કે, 40% GST અને આ નવો સેસ મળીને પાન મસાલા પર કુલ ટેક્સનો ભાર 88% સુધી પહોંચી જશે.
મહત્વની વાત એ છે કે, આ સેસની ગણતરી પાન મસાલા બનાવતી કંપનીઓની ઉત્પાદન ક્ષમતાના આધારે કરવામાં આવશે. બજેટના દસ્તાવેજો મુજબ, સરકારને ચાલુ નાણાકીય વર્ષના બાકી રહેલા બે મહિના (ફેબ્રુઆરી અને માર્ચ) માં જ આ સેસમાંથી 2,330 કરોડ રૂપિયા મળવાની આશા છે. જ્યારે આવતા વર્ષે એટલે કે 2026-27 માં આ આંકડો 14,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.
આ પૈસાનો ઉપયોગ ક્યાં થશે?
સ્વાભાવિક છે કે તમને પ્રશ્ન થાય કે સરકાર આટલા બધા પૈસાનું શું કરશે? તો તમને જણાવી દઈએ કે, આ સેસમાંથી મળનારી રકમનો ઉપયોગ દેશના લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે કરવામાં આવશે. આ રકમ રાજ્યો સાથે વહેંચવામાં આવશે, જેનો ઉપયોગ હેલ્થ અવેરનેસ (સ્વાસ્થ્ય જાગૃતિ) અને સ્વાસ્થ્યને લગતી અન્ય યોજનાઓ માટે થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ડિસેમ્બર 2025 માં સંસદમાં સ્પષ્ટ કર્યું હતું કે, આ હેલ્થ સેસનો મુખ્ય હેતુ દેશ માટે બે મહત્વના ક્ષેત્રો - 'સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા' માટે ફંડ ભેગું કરવાનો છે. સંસદે પણ પાન મસાલા પર સેસ અને તમાકુ પર એક્સાઈઝ ડ્યુટી લગાવવા માટે મંજૂરી આપી દીધી હતી.
GST કાઉન્સિલનો મોટો નિર્ણય
આ ફેરફાર પાછળ GST કાઉન્સિલનો મોટો નિર્ણય જવાબદાર છે. સપ્ટેમ્બર 2025 માં મળેલી બેઠકમાં કેન્દ્ર અને રાજ્યોના નાણામંત્રીઓએ નક્કી કર્યું હતું કે, જ્યારે કોરોના સમયનું નુકસાન ભરપાઈ કરવા માટે લેવાયેલી લોન ચૂકવાઈ જશે અને 'કમ્પેન્સેશન સેસ' (Compensation Cess) પૂરો થશે, ત્યારે આવા ઉત્પાદનો પર નવી રીતે ટેક્સ લગાવાશે.
સરકાર 31 જાન્યુઆરી, 2026 સુધીમાં 2.69 લાખ કરોડ રૂપિયાની જૂની લોન ચૂકવી દેશે. ત્યારબાદ જૂનો સેસ બંધ થઈ જશે અને તેની જગ્યાએ આ નવો સેસ અને એક્સાઈઝ ડ્યુટીનું માળખું અમલમાં આવશે. ટૂંકમાં, પાન મસાલા બનાવતી કંપનીઓ અને ગ્રાહકો બંને પર ટેક્સનો બોજ વધવાનો છે.