PM Modi on Pakistan: શું પાકિસ્તાન સાથે ફરી થશે યુદ્ધ? PM મોદીએ સંરક્ષણ બજેટ અને ‘ઓપરેશન સિંદૂર' પર આપ્યો જવાબ
PM મોદીએ 2026ના સંરક્ષણ બજેટમાં 15%નો જંગી વધારો કર્યો છે. શું પાકિસ્તાન સાથે યુદ્ધનું જોખમ છે? ‘ઓપરેશન સિંદૂર' અને સેનાની તૈયારી અંગે PMએ શું કહ્યું? જાણો વિગતે.
PM મોદીએ 2026ના સંરક્ષણ બજેટમાં 15%નો જંગી વધારો કર્યો છે. શું પાકિસ્તાન સાથે યુદ્ધનું જોખમ છે?
Defence Budget 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશની સુરક્ષા અને ભવિષ્યની રણનીતિને લઈને અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને જોતા પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત તેની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં કરે. દેશના સુરક્ષા દળોને અત્યાધુનિક અને વધારે મજબૂત બનાવવા એ સરકારની પહેલી પ્રાથમિકતા છે. આ માટે સરકારે બજેટમાં પણ મોટો વધારો કર્યો છે.
સંરક્ષણ બજેટમાં ઐતિહાસિક 15% નો વધારો
દેશની સેનાને વધુ પાવરફુલ બનાવવા માટે આ વખતે બજેટમાં છૂટથી નાણાં ફાળવવામાં આવ્યા છે. સરકારે સંરક્ષણ બજેટમાં સીધો 15% નો વધારો કરી દીધો છે. અગાઉ સંરક્ષણ બજેટ 6.81 લાખ કરોડ રૂપિયા હતું. જે વધારીને હવે 7.85 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. આ વધારાનો સીધો ફાયદો સેનાના આધુનિકીકરણમાં થશે. નવા અને ઘાતક હથિયારો ખરીદવા માટે તેમજ ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવશે, જેથી સરહદ પર દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકાય.
શું પાકિસ્તાન સાથે યુદ્ધનું જોખમ છે?
ઘણા સમયથી પાકિસ્તાન સાથેના તણાવ અને યુદ્ધની અટકળો ચાલી રહી છે. આ અંગે વાત કરતા અને ખાસ કરીને 'ઓપરેશન સિંદૂર' નો ઉલ્લેખ કરતા વડાપ્રધાને દેશવાસીઓને ભરોસો અપાવ્યો છે. તેમણે કહ્યું કે, "ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા જવાનોએ જે બહાદુરી બતાવી છે, તેના પર આખા દેશને ગર્વ છે."
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે આ સફળતા માત્ર એક ઓપરેશન પૂરતી સીમિત નથી. છેલ્લા 10 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રે જે પાયાના સુધારા થયા છે, આ તેનું પરિણામ છે. ભારતે પોતાની ટેકનોલોજી અને વ્યૂહાત્મક તૈયારીઓ એટલી મજબૂત કરી લીધી છે કે હવે ભારત કોઈપણ પડકાર કે દુશ્મનનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
બજેટ 2026: માત્ર આંકડા નહીં, વિકાસનું વિઝન
બજેટ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકારનું બજેટ માત્ર ચોપડામાં લખેલા આંકડા નથી, પણ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે તેનું વિઝન છે. તેમણે ફરી એકવાર "યહી સમય હૈ, સહી સમય હૈ" ના નારાને યાદ કર્યો અને કહ્યું કે આજે દેશમાં એક અલગ જ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ભારત અત્યારે દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયું છે.
યુવાનો અને આર્થિક સ્થિરતા
વડાપ્રધાને દેશના યુવાનોની શક્તિ પર ખાસ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભલે દુનિયામાં મુશ્કેલ સમય ચાલી રહ્યો હોય, પણ ભારત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. આપણી પાસે વિશાળ યુવા શક્તિ છે જે સ્પેસ ટેકનોલોજી, રમતગમત અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં ભારતનું નામ રોશન કરી રહી છે.
સરકારે મોંઘવારી (ફુગાવો) કાબુમાં રાખી છે અને આર્થિક સ્થિરતા જાળવી રાખી છે, જેથી યુવાનોને તેમની પ્રતિભા બતાવવા માટે ખુલ્લું આકાશ મળી રહે. સરકાર યુવાનોના સપના પૂરા કરવા માટે કટિબદ્ધ છે.