PM મોદીને મળ્યો ઉઝબેકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ, આ 36મું આંતરરાષ્ટ્રીય સન્માન 1.4 અબજ ભારતીયોને કર્યું સમર્પિત | Moneycontrol Gujarati
Get App

PM મોદીને મળ્યો ઉઝબેકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ, આ 36મું આંતરરાષ્ટ્રીય સન્માન 1.4 અબજ ભારતીયોને કર્યું સમર્પિત

PM Modi In Uzbekistan: PM મોદીને ઉઝબેકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ 'ઓર્ડર ઓફ ઓલી દરાજાલી દોસ્તલિક' એનાયત કરાયો. આ તેમનો 36મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે. જાણો બંને દેશો વચ્ચેના મહત્વના કરારો અને યુરેનિયમ ડીલ વિશે.

અપડેટેડ 06:45:16 PM Aug 30, 2026 પર
Story continues below Advertisement
PM Modi In Uzbekistan: ઉઝબેકિસ્તાનમાં PM મોદીનું ભવ્ય સન્માન

PM Modi In Uzbekistan: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઉઝબેકિસ્તાનના બે દિવસીય પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન ભારત માટે એક ખૂબ જ ગર્વની ક્ષણ આવી છે. પીએમ મોદીને ઉઝબેકિસ્તાન દેશના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત એવોર્ડ 'ઓર્ડર ઓફ ઓલી દરાજાલી દોસ્તલિક'થી સન્માનિત કરવામાં આવ્યા છે. રવિવારે 30 ઓગસ્ટે રાજધાની તાશકંદમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્જિયોયેવે PM મોદીને આ સન્માન એનાયત કર્યું હતું. આ સાથે જ પીએમ મોદીના નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે, કારણ કે આ તેમને મળેલું 36મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.

'આ 1.4 અબજ ભારતીયોનું સન્માન છે'

આ ઐતિહાસિક સન્માન સ્વીકાર્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, "ઉઝબેકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ મેળવવો તે મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ મારું કોઈ વ્યક્તિગત સન્માન નથી, પરંતુ 1.4 અબજ ભારતીયોનું સન્માન છે."


વધુમાં તેમણે બંને દેશોના સાંસ્કૃતિક જોડાણની વાત કરતા કહ્યું કે, "ભારતમાં ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે જ્યાં દિવસમાં 100 વાર 'દોસ્ત' શબ્દ ન બોલાતો હોય. 'દોસ્તલિક' શબ્દનો અર્થ મિત્રતા થાય છે અને તે બંને દેશો વચ્ચેના સંબંધોની ભાવનાને સુંદર રીતે રજૂ કરે છે." પીએમ મોદીએ આ એવોર્ડ બંને દેશો વચ્ચેના સદીઓ જૂના મજબૂત સંબંધોને સમર્પિત કર્યો હતો.

ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે મોટી ડીલ

આ સન્માન સમારોહ પહેલા પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શૌકત મિર્જિયોયેવ વચ્ચે અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં બંને દેશોએ પોતાના સંબંધોને 'વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી'ના સ્તર સુધી લઈ જવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

આ બેઠકના મુખ્ય મુદ્દાઓ અને કરારો નીચે મુજબ છે:

યુરેનિયમ સપ્લાય: ભારતમાં નાગરિક હેતુઓ માટે પરમાણુ ઊર્જાના ઉત્પાદન માટે ઉઝબેકિસ્તાન લાંબા ગાળા સુધી ભારતને યુરેનિયમ પૂરો પાડશે.

વેપારમાં 5 ગણો વધારો: વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં બંને દેશો વચ્ચે 1 અબજ ડોલરથી વધુનો વેપાર થાય છે. જેને વર્ષ 2030 સુધીમાં વધારીને 5 અબજ ડોલર સુધી પહોંચાડવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે.

ડિજિટલ અને ડિફેન્સ ક્ષેત્રે સહયોગ: બંને દેશો વેપાર, ક્લીન એનર્જી, સંરક્ષણ, સુરક્ષા, કૃષિ અને શિક્ષણની સાથે સાથે ભારતની શાન ગણાતા UPI અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ સાથે મળીને કામ કરશે.

બૌદ્ધ સ્થળોનો જીર્ણોદ્ધાર: ઉઝબેકિસ્તાનમાં આવેલા પ્રાચીન બૌદ્ધ સ્થળો (ફયાઝ તેપા અને કારા તેપા) ના સંરક્ષણ અને નવીનીકરણ માટે ખાસ સંમતિ સાધવામાં આવી છે.

હવે SCO સમિટ માટે કિર્ગિઝસ્તાન જશે પીએમ મોદી

ઉઝબેકિસ્તાનનો આ અત્યંત સફળ પ્રવાસ પૂરો કર્યા બાદ પીએમ મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા 26મા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેવા માટે તાશકંદથી કિર્ગિઝસ્તાન જવા રવાના થશે. પીએમ મોદીની આ મુલાકાતથી મધ્ય એશિયામાં ભારતનો પ્રભાવ, વેપાર અને વ્યૂહાત્મક તાકાતમાં મોટો વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે.

આ પણ વાંચો- HDFC બેન્કના નવા CEO કોણ બનશે? કૈઝાદ ભરૂચાનું નામ સૌથી આગળ, જાણો બેન્કનો આગળનો પ્લાન

MoneyControl News

MoneyControl News

First Published: Aug 30, 2026 6:41 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.