PM મોદીનું રોમમાં ભવ્ય સ્વાગત, રોમ પહોંચીને કોલોસિયમની ભવ્ય પૃષ્ઠભૂમિમાં લીધી ખાસ તસવીર, જાણો શું છે આ પ્રાચીન સ્થળનું રહસ્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના ઇટલી પ્રવાસ દરમિયાન ઇટાલિયન PM જ્યોર્જિયા મેલોની સાથે કોલોસિયમની ભવ્ય પૃષ્ઠભૂમિમાં લેવાયેલી સેલ્ફી વાયરલ થઈ છે. આ ઐતિહાસિક સ્થળ અને બંને દેશોના મજબૂત થતા સંબંધો વિશે જાણો.
PM મેલોનીએ આ સેલ્ફીને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખાસ સંદેશ સાથે પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું, "રોમમાં તમારું સ્વાગત છે, મારા મિત્ર!"
PM Modis grand welcome in Rome: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોર્વેનો પોતાનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરીને તાજેતરમાં રોમ પહોંચ્યા હતા. ઇટલી પહોંચ્યા બાદ ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. PM મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટલી પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન, PM મોદી અને ઇટાલિયન PM મેલોની વચ્ચેની એક ખાસ સેલ્ફી સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે, જેમાં બેકગ્રાઉન્ડમાં રોમનું પ્રખ્યાત કોલોસિયમ ઝળહળી રહ્યું છે.
મેલોનીની પોસ્ટ અને વાયરલ સેલ્ફી
PM મેલોનીએ આ સેલ્ફીને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખાસ સંદેશ સાથે પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું, "રોમમાં તમારું સ્વાગત છે, મારા મિત્ર!" આ પોસ્ટ દ્વારા બંને નેતાઓ વચ્ચેની મજબૂત મિત્રતા સ્પષ્ટ દેખાઈ આવે છે. મેલોનીએ ઇટલી અને ભારતના રાષ્ટ્રીય ધ્વજવાળા બે ઇમોજી પણ આ પોસ્ટમાં ઉમેર્યા હતા. આ સેલ્ફીને અત્યાર સુધીમાં 2.2 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે, 1,23,000 થી વધુ લાઈક્સ અને 4,000 થી વધુ કોમેન્ટ્સ મળી છે. બંને વિશ્વ નેતાઓની આ મિત્રતાની ભારે પ્રશંસા થઈ રહી છે.
PM મોદીનું રોમમાં ઉષ્માભર્યું સ્વાગત
રોમ પહોંચતા જ ત્યાં હાજર ભારતીય સમુદાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જોરદાર સ્વાગત કર્યું. લોકો તેમના આગમનની ખુશીમાં પહેલાથી જ રાહ જોઈ રહ્યા હતા અને PM મોદીના આવતા જ તેમણે "મોદી-મોદી" અને "ભારત માતા કી જય" ના નારા લગાવવાનું શરૂ કર્યું. PM મોદીએ પણ લોકોનો આભાર વ્યક્ત કર્યો અને ખુશીથી તેમની સાથે હાથ મિલાવ્યા. આ દરમિયાન કેટલાક બાળકો PM મોદીનું હાથથી બનાવેલું ચિત્ર લઈને આવ્યા હતા, જેના પર વડાપ્રધાને હસ્તાક્ષર કરીને તેમની પ્રતિભાને બિરદાવી હતી.
ભારત-ઇટલી સંબંધોને મજબૂત કરવા પર ભાર
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તેઓ ભારત અને ઇટલીના સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે રોમના સત્તાવાર પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન PM મોદી ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ ઉપરાંત, તેઓ ઇટલીના રાષ્ટ્રપતિ સર્જિયો મેટરેલા સાથે પણ મુલાકાત કરશે.
આ સપ્તાહે બુધવારે વડાપ્રધાન મોદીની મુલાકાત જ્યોર્જિયા મેલોની સાથે ઐતિહાસિક વિલા ડોરિયા પેમ્ફિલીમાં થશે. એવી અપેક્ષા છે કે બંને નેતાઓ ભારત-ઇટલી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે એક સંયુક્ત ઘોષણા પત્ર પણ બહાર પાડશે. વિદેશ મંત્રાલય (MEA) અનુસાર, આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે બંને દેશોના સંબંધોમાં સતત તેજી જોવા મળી રહી છે. ભારત અને ઇટલી મળીને 2025-2029 માટે સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના પર કામ કરી રહ્યા છે.
ભારત-ઇટલી વચ્ચે વધતો વેપાર
MEA એ જણાવ્યું કે વર્ષ 2025 સુધીમાં ભારત અને ઇટલી વચ્ચેનો વેપાર 16.77 અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. આ સાથે, એપ્રિલ 2000 થી સપ્ટેમ્બર 2025 વચ્ચે ઇટલી તરફથી ભારતમાં કુલ 3.66 અબજ ડોલરનું રોકાણ આવ્યું છે. વિદેશ મંત્રાલયે એમ પણ જણાવ્યું કે આ પ્રવાસ યુરોપ સાથે ભારતના સંબંધોને વધુ મજબૂત કરશે. અગાઉ, PM મોદી જૂન 2024માં G7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઇટલી ગયા હતા.
શું છે રોમનું પ્રખ્યાત કોલોસિયમ?
PM મોદી અને જ્યોર્જિયા મેલોનીની વાયરલ તસવીરના બેકગ્રાઉન્ડમાં દેખાતું કોલોસિયમ (જેને મૂળ રૂપે ફ્લેવિયન એમ્ફીથિયેટર તરીકે પણ ઓળખાય છે) ઇટલીની રાજધાની રોમના મધ્યમાં સ્થિત પથ્થરથી બનેલી એક વિશાળ અંડાકાર ઇમારત છે. તસવીરમાં તે રોશનીથી ઝળહળી રહ્યું છે.
કોલોસિયમનો ઇતિહાસ અને મહત્વ
આ કોલોસિયમ પ્રાચીન રોમનું સૌથી પ્રખ્યાત એમ્ફીથિયેટર (વિશાળ રમતનું મેદાન) છે. તેનું નિર્માણ રોમન સમ્રાટ વેસ્પાસિયન દ્વારા લગભગ 70-72 ઇસવીસન વચ્ચે શરૂ કરવામાં આવ્યું હતું અને તેમના પુત્ર ટાઇટસે 80 ઇસવીસનમાં તેને પૂર્ણ કરાવ્યું હતું. બાદમાં સમ્રાટ ડોમિસિયને તેમાં કેટલાક વધુ ભાગો ઉમેર્યા હતા.
#WATCH | Prime Minister Narendra Modi, along with Prime Minister of Italy, Giorgia Meloni, visited the iconic Colosseum in Rome, Italy. (Source: ANI/DD News) pic.twitter.com/DklTlGmHSR
કોલોસિયમને તે સ્થાન પર બનાવવામાં આવ્યું હતું જ્યાં પહેલા સમ્રાટ નીરોનો વિશાળ મહેલ હતો. વેસ્પાસિયને તેને જનતાના મનોરંજન સ્થળમાં બદલીને પોતાની લોકપ્રિયતા વધારવાનો પ્રયાસ કર્યો. આ એક વિશાળ સ્ટેડિયમ હતું જેમાં લગભગ 50,000 દર્શકો બેસી શકતા હતા. અહીં ગ્લેડિયેટર્સની લડાઈઓ, પ્રાણીઓનો શિકાર, યુદ્ધોની નકલ અને જાહેર કાર્યક્રમોનું આયોજન થતું હતું. તેની બનાવટ પથ્થર, કોંક્રિટ અને કમાનોની ઉચ્ચ ટેકનોલોજીથી કરવામાં આવી હતી, જે તે સમયની એન્જિનિયરિંગ કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે.
આજે, કોલોસિયમને રોમન સભ્યતાનું પ્રતીક માનવામાં આવે છે. તે પ્રાચીન રોમન સામ્રાજ્યની શક્તિ, સંસ્કૃતિ અને સ્થાપત્યનું સૌથી મોટું પ્રતીક છે. તેને યુનેસ્કો વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે અને દુનિયાના 'નવા સાત અજાયબીઓ' માં પણ ગણવામાં આવે છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ તેને જોવા રોમ આવે છે અને તે ઇટલીના સૌથી પ્રખ્યાત ઐતિહાસિક સ્થળોમાંનું એક છે.
PM મોદીનો આ ઇટલી પ્રવાસ ભારત અને ઇટલી વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવશે તેવી આશા છે.