ગુજરાતમાં પ્રદૂષણનો કહેર: માત્ર બે વર્ષમાં શ્વાસના દર્દીઓમાં 40%નો વધારો, દર કલાકે નોંધાય છે 15 ઈમરજન્સી કેસ
Air Pollution in Gujarat: ગુજરાતમાં વધતા જતા હવાના પ્રદૂષણને કારણે શ્વાસના દર્દીઓમાં ચિંતાજનક 40%નો વધારો થયો છે. ઈમરજન્સી સેવા 108ના ડેટા મુજબ 2025માં દર કલાકે 15 શ્વાસના દર્દીઓ નોંધાયા છે. વાંચો અમદાવાદ અને અન્ય શહેરોની ભયજનક સ્થિતિનો સંપૂર્ણ રિપોર્ટ.
Air Pollution in Gujarat: ગુજરાતમાં વધતા જતા હવાના પ્રદૂષણને કારણે શ્વાસના દર્દીઓમાં ચિંતાજનક 40%નો વધારો થયો છે.
Air Pollution in Gujarat: શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતાની સાથે જ રાજ્યમાં પ્રદૂષણની સમસ્યાએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને મહાનગરોમાં હવાની ગુણવત્તા (Air Quality) બગડતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર જોવા મળી રહી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 200ને પાર નોંધાઈ રહ્યો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે.
આ પ્રદૂષણને કારણે રાજ્યમાં શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. ઈમરજન્સી સેવા 108ના આંકડાઓ એક ડરામણું ચિત્ર રજૂ કરી રહ્યા છે, જેમાં છેલ્લા બે વર્ષમાં શ્વાસના દર્દીઓમાં સીધો 40%નો વધારો જોવા મળ્યો છે.
ઈમરજન્સી સેવા 108ના ડેટા મુજબ 2025માં દર કલાકે 15 શ્વાસના દર્દીઓ નોંધાયા
દર કલાકે 15 લોકો શ્વાસની તકલીફનો શિકાર
પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2025માં શ્વાસની સમસ્યાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. આખા ગુજરાતમાંથી શ્વાસની તકલીફ માટે 108 ઈમરજન્સી સેવાને રોજના સરેરાશ 361 કોલ્સ મળ્યા છે. જો આંકડાને ઝીણવટથી જોઈએ તો, રાજ્યમાં દર કલાકે અંદાજે 15 નવા દર્દીઓ શ્વાસ રૂંધાવો કે ગૂંગળામણ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
વર્ષ 2023માં શ્વાસની સમસ્યા માટે 91,000 જેટલા કોલ્સ નોંધાયા હતા, જેની સામે 2025માં આ આંકડો વધીને 1.29 લાખને પાર પહોંચી ગયો છે. આમ, 2023ની સરખામણીએ 2025માં શ્વાસના દર્દીઓમાં 40 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે.
અમદાવાદમાં સ્થિતિ સૌથી ગંભીર
પ્રદૂષણની આડઅસર સૌથી વધુ અમદાવાદમાં જોવા મળી છે. વર્ષ 2025માં શ્વાસની સમસ્યાના સૌથી વધુ ઈમરજન્સી કોલ્સ અમદાવાદમાં નોંધાયા છે. શહેરમાં કુલ 31,162 દર્દીઓએ શ્વાસની તકલીફ માટે સારવાર લીધી હતી. અમદાવાદ બાદ ડાયમંડ સિટી સુરત બીજા ક્રમે અને વડોદરા ત્રીજા ક્રમે આવે છે, જ્યાં પ્રદૂષણના કારણે લોકોના ફેફસાં પર અસર થઈ રહી છે.
ગંભીર બીમારીઓનો ખતરો અને નિષ્ણાતોની સલાહ
આરોગ્ય નિષ્ણાતોના મતે, બદલાયેલી જીવનશૈલી અને દૂષિત હવાને કારણે શ્વસનતંત્રને લગતા ગંભીર રોગો વધી રહ્યા છે. જેમાં 'ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ' (COPD) સૌથી વધુ ગંભીર છે. ભારતમાં સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર પછી આ બીમારી થવાની શક્યતા વધી જાય છે.
જે લોકો 15 વર્ષ સુધી સતત ધૂમ્રપાન કરે છે અથવા લાંબા સમય સુધી બાયોમાસ ઈંધણ (જેમ કે ચૂલાનો ધુમાડો)ના સંપર્કમાં રહે છે, તેમને આ બીમારી થવાનું જોખમ સૌથી વધુ હોય છે. ડોક્ટરો સલાહ આપે છે કે જ્યાં સુધી પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય, ત્યાં સુધી ઘરની બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે.