ટેક્સીની જેમ બુક થાય છે ‘પ્રાઇવેટ જેટ‘! અમદાવાદમાં ચાર્ટર પ્લેનની માંગમાં ઉછાળો, મહિને 200 ફ્લાઈટની અવરજવર | Moneycontrol Gujarati
Get App

ટેક્સીની જેમ બુક થાય છે ‘પ્રાઇવેટ જેટ‘! અમદાવાદમાં ચાર્ટર પ્લેનની માંગમાં ઉછાળો, મહિને 200 ફ્લાઈટની અવરજવર

Charter plane booking Ahmedabad: અમદાવાદના SVP એરપોર્ટ પર ચાર્ટર પ્લેનની માંગમાં રેકોર્ડ વધારો નોંધાયો છે. હવે સામાન્ય પરિવારો પણ ટેક્સીની જેમ પ્રાઇવેટ જેટ બુક કરી રહ્યા છે. જાણો ભાડું અને અન્ય લેટેસ્ટ માહિતી.

અપડેટેડ 10:21:08 AM Sep 21, 2026 પર
Story continues below Advertisement
પ્રાઇવેટ એવિએશન સેક્ટરમાં છેલ્લા 5 વર્ષમાં માંગ બમણી થઈ ગઈ છે. હાલમાં અમદાવાદ એરપોર્ટ પર દર મહિને આશરે 200 જેટલા ચાર્ટર પ્લેનની અવરજવર થાય છે.

Charter plane booking Ahmedabad: ફિલ્મોમાં દેખાતી લક્ઝરી મુસાફરી હવે અમદાવાદના લોકો માટે એકદમ સામાન્ય બની ગઈ છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ, અમદાવાદના SVP ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરની માંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. હવે માત્ર મોટા ઉદ્યોગપતિઓ જ નહીં, પરંતુ મધ્યમ અને ઉચ્ચ વર્ગના પરિવારો અને વડીલો પણ ટેક્સીની જેમ પોતાના પ્રવાસ માટે પ્રાઇવેટ જેટ બુક કરાવી રહ્યા છે.

છેલ્લા 5 વર્ષમાં માંગ બમણી થઈ, એરપોર્ટ પર વેઇટિંગ!

પ્રાઇવેટ એવિએશન સેક્ટરમાં છેલ્લા 5 વર્ષમાં માંગ બમણી થઈ ગઈ છે. હાલમાં અમદાવાદ એરપોર્ટ પર દર મહિને આશરે 200 જેટલા ચાર્ટર પ્લેનની અવરજવર થાય છે. ખાસ કરીને IPL મેચ, મોટા કોન્સર્ટ, કુંભમેળા કે અન્ય ધાર્મિક પ્રસંગો વખતે તો ટ્રેનની જેમ પ્રાઇવેટ જેટ માટે પણ વેઇટિંગ જોવા મળે છે. હાલમાં એરપોર્ટ પર ખાનગી મુસાફરી માટે અંદાજે 20 જેટલા એરક્રાફ્ટ અને 12 જેટલા પાર્કિંગ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ છે.

પ્રાઇવેટ જેટ અને હેલિકોપ્ટરનું ભાડું કેટલું હોય છે?

સામાન્ય લોકોને હંમેશા એ જાણવાની ઉત્સુકતા હોય છે કે આ લક્ઝરી મુસાફરીનો ખર્ચ કેટલો આવે છે. જાણો લેટેસ્ટ ચાર્જની વિગતો:


ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જ: અમદાવાદ એરપોર્ટ પર કોઈ પણ પ્રાઇવેટ પ્લેન લેન્ડ થાય ત્યારે 50,000થી લઈને 3 લાખ રૂપિયા સુધીનો ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જ વસૂલવામાં આવે છે.

પ્લેનનું ભાડું: ધાર્મિક યાત્રા જેમ કે સોમનાથ કે દ્વારકા જવા માટે આખું એરક્રાફ્ટ બુક કરાવવાનું ભાડું અંદાજે 2.5 લાખથી લઈને 25 લાખ રૂપિયા સુધીનું હોય છે. જે એરક્રાફ્ટની કેપેસિટી અને પ્રકાર પર આધાર રાખે છે.

હેલિકોપ્ટરનું ભાડું: જો તમે હેલિકોપ્ટર બુક કરો છો, તો તેનું એક કલાકનું ભાડું 1 લાખથી 5 લાખ રૂપિયાની વચ્ચે રહે છે.

અમદાવાદમાં 60થી 70 પ્રાઇવેટ પાયલટ સક્રિય

એરક્રાફ્ટની મુવમેન્ટ વધતા અમદાવાદમાં પાયલટ્સની માંગ પણ વધી છે. શહેરમાં ખાનગી એરક્રાફ્ટ ચલાવતી અને ભાડે આપતી 4 થી 5 મુખ્ય એવિએશન કંપનીઓ છે, જેની સાથે 60 થી 70 જેટલા અનુભવી પાયલટ જોડાયેલા છે. સુરક્ષાના કારણોસર, દરેક ખાનગી ઉડાન વખતે પ્લેનમાં 2 થી 3 પાયલટ ફરજિયાત હાજર હોય છે.

આ એરક્રાફ્ટની રહે છે સૌથી વધુ ડિમાન્ડ

અમદાવાદ એરપોર્ટ પર બિઝનેસ ટ્રીપ કે ફેમિલી ટ્રીપ માટે અમુક ખાસ પ્રકારના એરક્રાફ્ટની અવરજવર સૌથી વધુ રહે છે. જેમાં નીચે મુજબના પ્લેનનો સમાવેશ થાય છે:

* ગલ્ફસ્ટ્રીમ

* એમ્બ્રેર

* પિલાટસ

* હોકર

* બીચક્રાફ્ટ કિંગ એર સી 90

* સેસ્ના સાઈટેશન

* બોમ્બાર્ડિઅર લિયરજેટ

* દસો ફાલ્કન

* બોઇંગ બિઝનેસ જેટ

અમદાવાદમાં કોની પાસે છે પોતાના પ્રાઇવેટ જેટ?

ગુજરાતના કોર્પોરેટ જગતમાં પ્રાઇવેટ જેટ રાખવાનો ક્રેઝ નવો નથી. અમદાવાદની ઘણી મોટી કંપનીઓ પોતાના પર્સનલ પ્લેન ધરાવે છે, જ્યારે અમુક એવિએશન કંપનીઓ તેને ભાડે આપે છે.

કોર્પોરેટ કંપનીઓ: અદાણી ગ્રુપ, ઝાયડસ ગ્રુપ, એચ એન સફલ અને નિરમા ગ્રુપ પાસે પોતાના અંગત હેલિકોપ્ટર કે પ્લેન છે.

એવિએશન કંપનીઓ: સામાન્ય જનતા કે અન્ય લોકોને ભાડેથી પ્લેન પૂરા પાડવામાં વેન્ચુરા, ડ્યુન્સ એર અને જેસ્ટ એવિએશન જેવી કંપનીઓ મોખરે છે.

સમયની બચત, પ્રાઇવસી અને લક્ઝરીના સમન્વયને કારણે અમદાવાદમાં ચાર્ટર પ્લેનનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. જે રીતે માંગ વધી રહી છે, તે જોતા ભવિષ્યમાં પ્રાઇવેટ એવિએશન માર્કેટ હજુ વધુ વિસ્તૃત અને સામાન્ય લોકોની પહોંચમાં આવે તેવી પૂરી શક્યતાઓ છે.

આ પણ વાંચો - Bangladesh economic crisis: પડોશી દેશમાં ફ્યુઅલ પ્રાઇસમાં ભડકો, પેટ્રોલ-ડીઝલ અને કેરોસીનના ભાવ પહોંચ્યા આસમાને

MoneyControl News

MoneyControl News

First Published: Sep 21, 2026 10:21 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.