તુર્કીની સંસદમાં ‘દંગલ': મંત્રીની નિમણૂક પર સાંસદો વચ્ચે છુટ્ટાહાથે મારામારી, લાતો-મુક્કાનો વીડિયો વાયરલ
Turkey Parliament Brawl: તુર્કીની સંસદમાં નવા ન્યાય મંત્રી અકિન ગુરલેકની નિમણૂકને લઈને ભારે હોબાળો થયો છે. સત્તાધારી અને વિપક્ષી સાંસદો વચ્ચે છુટ્ટાહાથે મારામારી થઈ હતી. જાણો આખરે કેમ સંસદ બની યુદ્ધનું મેદાન અને કોણ છે અકિન ગુરલેક?
Turkey Parliament Brawl: તુર્કીની સંસદમાં નવા ન્યાય મંત્રી અકિન ગુરલેકની નિમણૂકને લઈને ભારે હોબાળો થયો છે.
Turkey Parliament Brawl: તુર્કી (Turkey) ની સંસદ લોકશાહીનું મંદિર રહેવાને બદલે કુસ્તીનો અખાડો બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બુધવાર, 11 ફેબ્રુઆરીના રોજ સંસદમાં એવો હોબાળો મચ્યો કે વાત મારામારી પર આવી ગઈ. સત્તાધારી પક્ષ અને વિપક્ષના સાંસદોએ તમામ મર્યાદાઓ નેવે મૂકીને એકબીજા પર લાતો અને મુક્કાઓનો વરસાદ કરી દીધો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સૂટ-બૂટ પહેરેલા નેતાઓ એકબીજાને ધક્કા મારતા અને મારપીટ કરતા સ્પષ્ટ દેખાય છે.
આખરે સંસદમાં કેમ ભડકી આગ?
આ સમગ્ર મામલાનું મૂળ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન દ્વારા કરવામાં આવેલી નવી નિમણૂકો છે. રાષ્ટ્રપતિ એર્દોગને ઈસ્તંબુલના ચીફ પ્રોસિક્યુટર (મુખ્ય સરકારી વકીલ) અકિન ગુરલેકને દેશના નવા ન્યાય મંત્રી (Justice Minister) તરીકે જાહેર કર્યા હતા. બુધવારે જ્યારે અકિન ગુરલેક સંસદમાં શપથ લેવા માટે આવ્યા, ત્યારે વિપક્ષનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.
વિપક્ષી સાંસદોએ ગુરલેકને શપથ લેતા અટકાવવાનો પ્રયાસ કર્યો. જોતજોતામાં બોલાચાલી એટલી વધી ગઈ કે ડઝનબંધ સાંસદોનું ટોળું આમને-સામને આવી ગયું અને સંસદમાં છુટ્ટાહાથે મારામારી શરૂ થઈ ગઈ.
A brawl erupted at the Turkish Parliament after lawmakers from the ruling party and the opposition clashed over the appointment of Istanbul Chief Prosecutor Akin Gurlek to the Justice Ministry. Legislators were seen pushing each other, with some hurling punches. Gurlek was later… pic.twitter.com/oGwGYZH1dg
અકિન ગુરલેકનું નામ વિપક્ષ માટે લાલ કપડા સમાન છે. જ્યારે તેઓ ઈસ્તંબુલના ચીફ પ્રોસિક્યુટર હતા, ત્યારે તેમણે મુખ્ય વિપક્ષી પાર્ટી 'રિપબ્લિકન પીપલ્સ પાર્ટી' ના ઘણા નેતાઓ સામે હાઈ-પ્રોફાઈલ કેસ ચલાવ્યા હતા. વિપક્ષનું માનવું છે કે ગુરલેક દ્વારા ચલાવવામાં આવેલા કેસ કાયદાકીય નહીં પણ "રાજકીય બદલા" ની ભાવનાથી પ્રેરિત હતા. હવે એ જ વ્યક્તિને દેશના ન્યાય મંત્રી બનાવવામાં આવતા વિપક્ષ ભડક્યો છે.
આ ઉપરાંત, રાષ્ટ્રપતિ એર્દોગને પૂર્વી પ્રાંત એર્ઝુરમના ગવર્નર મુસ્તફા સિફ્ટસીને આંતરિક મંત્રી (Home Minister) તરીકે નિયુક્ત કર્યા છે.
વિપક્ષી નેતાઓ પર તવાઈ અને ધરપકડ
તુર્કીમાં હાલ રાજકીય માહોલ ગરમાયેલો છે. વિપક્ષના કબજાવાળી નગરપાલિકાઓના સેંકડો અધિકારીઓની ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ લિસ્ટમાં ઈસ્તંબુલના મેયર એકરેમ ઇમામોગ્લુનું નામ પણ છે, જેમને એર્દોગનના સૌથી મોટા રાજકીય હરીફ માનવામાં આવે છે. તેમની પણ ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. જોકે, સરકાર સતત એવો દાવો કરતી રહી છે કે ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે.
સરકારે શું કારણ આપ્યું?
અચાનક મંત્રાલયમાં ફેરબદલ કેમ કરવામાં આવ્યો તે અંગે સરકારે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી. સરકારી ગેઝેટમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે, જૂના મંત્રીઓએ પોતાની ફરજમાંથી મુક્ત થવાની વિનંતી કરી હતી.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે તુર્કીમાં બંધારણીય સુધારાઓની ચર્ચા ચાલી રહી છે અને સરકાર 'કુર્દિસ્થાન વર્કર્સ પાર્ટી' (PKK) સાથે વર્ષો જૂના સંઘર્ષને પૂરો કરવા શાંતિના પ્રયાસો કરી રહી છે. પરંતુ સંસદની આ મારામારીએ દેશની રાજકીય અસ્થિરતાને ફરી એકવાર દુનિયા સામે લાવી દીધી છે.