પાકિસ્તાનમાં SCO મીટિંગ શરૂ: ‘ઓપરેશન સિંદૂર’ બાદ પહેલીવાર ભારતીય અધિકારીઓ પહોંચ્યા ઈસ્લામાબાદ
SCO Meeting in Pakistan: પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં SCO નેશનલ કોઓર્ડિનેટર્સની બેઠક શરૂ થઈ છે. 'ઓપરેશન સિંદૂર' બાદ ભારતીય અધિકારી આલોક ડિમરી પાકિસ્તાન પહોંચ્યા છે. જાણો સંપૂર્ણ અહેવાલ.
આ મીટિંગ 28 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને તે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. પાકિસ્તાન વર્ષ 2026-27 માટે SCOના રાષ્ટ્રાધ્યક્ષોની પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે.
SCO Meeting in Pakistan: પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની નેશનલ કોઓર્ડિનેટર્સ કાઉન્સિલની ત્રણ દિવસીય બેઠક શરૂ થઈ ગઈ છે. બે દેશો વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના તણાવ વચ્ચે ભારતે પણ આ બેઠકમાં ભાગ લીધો છે. 'ઓપરેશન સિંદૂર'ના લગભગ દોઢ વર્ષ પછી ભારતે પોતાના એક સિનિયર અધિકારીને પાકિસ્તાન મોકલ્યા છે, જેને કૂટનીતિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
બેઠકની મહત્વની વાતો અને એજન્ડા
આ મીટિંગ 28 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને તે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. પાકિસ્તાન વર્ષ 2026-27 માટે SCOના રાષ્ટ્રાધ્યક્ષોની પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ બેઠકનો મુખ્ય હેતુ ઓગસ્ટ 2027માં ઈસ્લામાબાદમાં યોજાનાર SCO રાષ્ટ્રાધ્યક્ષોના શિખર સંમેલનની તૈયારીઓ અને કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવાનો છે. વિદેશ કાર્યાલય મુજબ, આ બેઠકમાં સંગઠનના એજન્ડામાં સામેલ અન્ય મુદ્દાઓ અને આગામી કાર્યક્રમોના તાલમેલ પર પણ ઊંડી ચર્ચા થશે.
ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે?
આ મહત્વપૂર્ણ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળની કમાન ભારતના નેશનલ કોઓર્ડિનેટર આલોક ડિમરી સંભાળી રહ્યા છે. જ્યારે, પાકિસ્તાન તરફથી તેમના નેશનલ કોઓર્ડિનેટર મોહમ્મદ ફૈઝલ આ ચર્ચા સત્રની અધ્યક્ષતા કરી રહ્યા છે.
તણાવ વચ્ચે ભારતનો પાકિસ્તાન પ્રવાસ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હાલ ઘણા તણાવપૂર્ણ છે. ગયા વર્ષે બંને દેશો વચ્ચે થયેલી સંક્ષિપ્ત સૈન્ય ઝડપ બાદ આ પ્રકારની આ પહેલી યાત્રા છે. આ અગાઉ, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ઓક્ટોબર 2024માં SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટની બેઠક માટે ઈસ્લામાબાદ ગયા હતા.
શું પીએમ મોદીને આમંત્રણ મળશે?
મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં યોજાનાર આગામી SCO સમિટ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ વિધિવત રીતે આમંત્રણ આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
SCOના સભ્ય દેશો:
SCO એક મોટું આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જેમાં નીચે મુજબના દેશોનો સમાવેશ થાય છે:
* રશિયા
* ભારત
* ચીન
* પાકિસ્તાન
* ઈરાન
* કઝાકિસ્તાન
* કિર્ગિસ્તાન
* તાજિકિસ્તાન
* ઉઝબેકિસ્તાન
* બેલારુસ
આ બેઠક SCO દેશો વચ્ચે સહયોગ અને સુરક્ષા વધારવા માટે અત્યંત જરૂરી છે. પાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ મીટિંગમાં ભારતની સક્રિય ભાગીદારી એ વાતનો સંકેત આપે છે કે દ્વિપક્ષીય મતભેદો હોવા છતાં, ભારત SCO જેવા વૈશ્વિક મંચ અને તેના એજન્ડાને કેટલું વધુ મહત્વ આપે છે.