Gujarat Health Report: શું ગુજરાત ખરેખર 'સ્વસ્થ' છે? કેન્દ્ર સરકારના આંકડાએ ગુજરાતની પોલ ખોલી નાખી છે.
Gujarat Health Report: ગુજરાત સરકાર અવારનવાર રાજ્યના આરોગ્ય ક્ષેત્રે થયેલા વિકાસની મોટી-મોટી વાતો કરે છે. દેશ-વિદેશના લોકો ગુજરાતમાં સારવાર લેવા આવે છે તેવા 'મેડિકલ ટુરિઝમ'ના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ, સિક્કાની બીજી બાજુ એટલે કે જમીની હકીકત કંઈક અલગ જ છે. હાલમાં જ સામે આવેલા આંકડાઓ સાબિત કરે છે કે રાજ્યમાં બીમારીઓ પર કાબૂ મેળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ગુજરાત હવે જાણે 'બીમાર ગુજરાત' બની રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
કેન્દ્ર સરકારે ખોલી ગુજરાતના સ્વાસ્થ્યની પોલ
રાજ્ય સરકાર ભલે ઉત્તમ કામગીરીના બણગા ફૂંકતી હોય, પરંતુ ખુદ કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા ચિંતાજનક છે. રિપોર્ટ મુજબ, ગુજરાતમાં બીમારીનું પ્રમાણ ઘટવાને બદલે સતત વધી રહ્યું છે. સરેરાશ દર વર્ષે 12 લાખથી વધુ ગુજરાતીઓ બીમારીના કારણે હોસ્પિટલના ખાટલે પહોંચી રહ્યા છે.
3 વર્ષમાં દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો
છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં કેવો સતત વધારો થઈ રહ્યો છે:
* વર્ષ 2022-23: 9.15 લાખ દર્દીઓ દાખલ થયા.
* વર્ષ 2023-24: આ સંખ્યા વધીને 12.80 લાખ પર પહોંચી.
* વર્ષ 2024-25: રેકોર્ડબ્રેક 14.51 લાખ દર્દીઓએ સારવાર લીધી.
આમ, માત્ર છેલ્લા 3 વર્ષના કુલ સરવાળાની વાત કરીએ તો 36.46 લાખ જેટલા નાગરિકોને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી.
આયુષ્માન કાર્ડ પાછળ અબજોનો ખર્ચ
એક તરફ બીમારી વધી રહી છે, તો બીજી તરફ સારવારનો ખર્ચ પણ વધી રહ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગને આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ સુધીની મફત સારવાર મળે છે, જે એક સારી બાબત છે. પરંતુ આ સારવાર પાછળ સરકારની તિજોરી પર મોટો બોજ આવી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની સારવાર પાછળ કુલ 10,132 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. આ આંકડો બતાવે છે કે લોકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે અને સરકારી ખર્ચ વધી રહ્યો છે.
કયા રોગોએ ભરડો લીધો?
ગુજરાતમાં 'સ્વસ્થ ગુજરાત'ના નારા લગાવવામાં આવે છે, પણ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજ્યમાં નીચે મુજબના રોગોનું જોખમ સૌથી વધુ જોવા મળી રહ્યું છે:
* કેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો.
* ચેપી રોગોનું પ્રમાણ પણ ચિંતાજનક છે.
કોલેરા, ટાઈફોઈડ, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં ગુજરાત ટોપ પર છે.
આંકડાઓ સ્પષ્ટ કરે છે કે રાજ્ય સરકાર ભલે બજેટમાં આરોગ્ય પાછળ કરોડો રૂપિયા ફાળવે, પરંતુ બીમારી અટકાવવામાં જોઈએ તેવી સફળતા મળી નથી. મેડિકલ ટુરિઝમને વેગ આપવાની વાતો વચ્ચે પોતાના જ રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે તે એક કડવી વાસ્તવિકતા છે. હવે જોવું રહ્યું કે સરકાર આ આંકડાઓને ગંભીરતાથી લઈ રોગચાળા પર કાબૂ મેળવવા કડક પગલાં ભરે છે કે કેમ.