NEET UG 2026 Paper Leak: પરીક્ષાના 3 દિવસ પહેલા જ લીક થઈ ગયું હતું પેપર, CBIની ચાર્જશીટમાં થયા ચોંકાવનારા ખુલાસા
NEET UG 2026 પેપર લીક કેસમાં CBI ની ચાર્જશીટમાં મોટા ખુલાસા થયા છે. પરીક્ષાના 3 દિવસ પહેલા જ WhatsApp પર પેપર ફરતું થયું હતું. જાણો કોચિંગ સેન્ટર અને એક્સપર્ટ્સનું મોટું કૌભાંડ.
આ આખા કૌભાંડમાં મનીષા વાઘમારે નામની મહિલા વચેટિયા તરીકે કામ કરતી હતી. તેણે વાલીઓ પાસેથી 4 લાખ રૂપિયા સુધીની રકમ વસૂલી હતી અને વિદ્યાર્થીઓને ઓફલાઈન ક્લાસમાં બેસાડ્યા હતા. તેણે WhatsApp પર ફિઝિક્સના સવાલો પણ મોકલ્યા હતા .
NEET UG 2026 Paper Leak: મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026 પેપર લીક કેસમાં સીબીઆઈની ચાર્જશીટમાંથી અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનનો દાવો છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના એક્સપર્ટ્સ, કોચિંગ સેન્ટરના સંચાલકો અને વચેટિયાઓએ ભેગા મળીને લાખો રૂપિયાનો ખેલ પાડ્યો હતો. આ લોકોએ પરીક્ષાના 3 દિવસ પહેલા જ પેપર લીક કરી દીધું હતું અને તેને WhatsApp, Telegram તેમજ ઓફલાઈન ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યું હતું.
કેમિસ્ટ્રી એક્સપર્ટના ઘરે ચાલ્યા 'સ્પેશિયલ ક્લાસ'
CBI ના જણાવ્યા અનુસાર, NTA ના કેમિસ્ટ્રી વિષયના એક્સપર્ટ પી. વી. કુલકર્ણીએ ગોપનીયતાના શપથ લીધા હોવા છતાં નિયમો નેવે મૂકી દીધા હતા. તેમણે પુણેમાં 25 થી 27 એપ્રિલ વચ્ચે "સ્પેશિયલ ક્લાસ" ચલાવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને એ જ સવાલો અને જવાબો લખાવ્યા જે પછીથી NEET ની પરીક્ષામાં પૂછાયા હતા. મહારાષ્ટ્રના લાતુરમાં પણ આવા ક્લાસ ચાલ્યા હતા. તપાસમાં 'માય ગેટ'એપના રેકોર્ડ, મોબાઈલ લોકેશન અને કોલ ડિટેલ પરથી સાબિત થયું છે કે વિદ્યાર્થીઓ કુલકર્ણીના ઘરે ગયા હતા. આ ઉપરાંત, કુલકર્ણીના મોબાઈલમાંથી કેમિસ્ટ્રીના સવાલોના ફોટા અને વાલીઓ સાથેની વાતચીતના ડિજિટલ પુરાવા પણ મળ્યા છે. એક વાલી તો એટલા ખુશ હતા કે તેમણે કુલકર્ણીને મોંઘી ઘડિયાળ ગિફ્ટમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
માત્ર 25 હજાર રૂપિયામાં વેચાયું ફિઝિક્સનું પેપર
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કુલકર્ણીએ ફિઝિક્સનું પેપર મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ફિઝિક્સ વિષયના એક્સપર્ટ મનીષા હવાલદાર પર આરોપ છે કે તેમણે માત્ર 25 હજાર રૂપિયા લઈને ફિઝિક્સના સવાલો લીક કર્યા હતા. પરીક્ષાના 8 દિવસ પહેલા તેમના મોબાઈલમાં હાથથી લખેલા સવાલો હતા, જે તેમણે તેજસ શાહ નામના આરોપીને લખાવ્યા હતા.
નેટવર્ક કેવી રીતે કામ કરતું હતું?
આ આખા કૌભાંડમાં મનીષા વાઘમારે નામની મહિલા વચેટિયા તરીકે કામ કરતી હતી. તેણે વાલીઓ પાસેથી 4 લાખ રૂપિયા સુધીની રકમ વસૂલી હતી અને વિદ્યાર્થીઓને ઓફલાઈન ક્લાસમાં બેસાડ્યા હતા. તેણે WhatsApp પર ફિઝિક્સના સવાલો પણ મોકલ્યા હતા અને એવી શરત મૂકી હતી કે જો પરીક્ષામાં આ જ સવાલો આવશે તો ઉપરથી બીજા 50 હજાર રૂપિયા આપવા પડશે. બીજી તરફ, મનીષા ગુરુનાથ મંદારે પર આરોપ છે કે તેણે પોતાના ઘરે બાયોલોજીના ક્લાસ લીધા હતા અને નવી NCERT બુકમાંથી અમુક ફકરાઓ ટીક કરાવ્યા હતા.
રાજસ્થાનમાં 40-50 વિદ્યાર્થીઓને વહેંચાઈ PDF અને કોડ વર્ડ્સનો ઉપયોગ
CBI ના મતે રાજસ્થાનના સીકરમાં ચાલતા એક કોચિંગ નેટવર્ક દ્વારા 2 મે ની રાત્રે 40 થી 50 વિદ્યાર્થીઓને PDF ફાઈલ વહેંચવામાં આવી હતી. કોચિંગ સંચાલકે તેને "સૌથી સંભવિત પ્રશ્નપત્ર" કહીને આપ્યું હતું. આ લોકો એટલા સ્માર્ટ હતા કે તેમણે WhatsApp પર "NEET 2026" અને "FIFA World Cup 2026" નામના ગ્રુપ બનાવ્યા હતા. ઓળખ છુપાવવા માટે NTA ના માસ્ટર સેટ માટે "Kailash" અને "Shivalik" જેવા કોડ વર્ડ્સ રખાયા હતા, જ્યારે એક નંબર "AP Broker" તરીકે સેવ કરાયો હતો.
ઓક્ટોબર 2025 થી જ શરૂ થઈ ગયું હતું કાવતરું
આ કૌભાંડ કોઈ એક દિવસનું નહોતું. ઓક્ટોબર 2025 થી જ આરોપીઓએ વિદ્યાર્થીઓ અને વાલીઓનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું હતું અને હપ્તામાં લાખો રૂપિયા લીધા હતા. આ કેસમાં CBI એ 360 સાક્ષીઓ, 422 દસ્તાવેજો અને 43 પુરાવાઓ સાથે ચાર્જશીટ દાખલ કરી છે.
NTAની સુરક્ષામાં મોટી ખામી
CBI એ NTA ની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલતા કહ્યું છે કે પેપર સેટ કરતી વખતે એક જ એક્સપર્ટને ચારેય માસ્ટર સેટ જોવા મળતા હતા. ત્યાં કોઈ ચેકિંગ નહોતું થતું કે ન તો કોઈ કંટ્રોલ રૂમ હતો. દિલ્હી યુનિવર્સિટીના એક્સપર્ટ્સના રિપોર્ટ મુજબ, લીક થયેલા બાયોલોજીના સવાલો સાચા પેપર સાથે 90 ટકા અને કેમિસ્ટ્રીના સવાલો લગભગ 100 ટકા મેચ થતા હતા.
કેવી રીતે ફૂટ્યો ભાંડો?
3 મે 2026ના રોજ પરીક્ષા પૂરી થયા બાદ સીકરના એક કેમિસ્ટ્રી ટીચરે લીક થયેલી PDF અને અસલી પેપરને સરખાવ્યા. જ્યારે બંને મેચ થઈ ગયા, ત્યારે તેમણે તાત્કાલિક NTAના ડાયરેક્ટર જનરલને ઈમેલ કર્યો, જેના પછી આ મોટી તપાસનો દોર શરૂ થયો. હાલમાં આ મામલે દિલ્હીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, જ્યાં હવે આગળની કાનૂની કાર્યવાહી નક્કી થશે.