Analog paneer ban in Gujarat : ગુજરાતમાંથી ભેળસેળિયાઓ માટે એક ખૂબ જ મોટા અને કડક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે સમગ્ર ગુજરાતમાં એનાલોગ પનીરના ઉત્પાદન અને તેના વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. સ્વાસ્થ્ય વિભાગના આ નિર્ણયને ખૂબ જ આવકારદાયક માનવામાં આવી રહ્યો છે.
શું હોય છે આ એનાલોગ પનીર?
જો તમે બજારમાંથી પનીર લાવો છો તો સાવધાન થઈ જજો, કારણ કે દેખાવ અને સ્વાદમાં આ એનાલોગ પનીર બિલકુલ અસલી પનીર જેવું જ લાગે છે, પરંતુ હકીકતમાં તે શુદ્ધ દૂધમાંથી બનેલું હોતું નથી.
અસલી પનીર કેવી રીતે બને છે? અસલી પનીર બનાવવા માટે શુદ્ધ દૂધમાં લીંબુ, સરકો (વિનેગર) કે દહીં નાખીને તેને ફાડવામાં આવે છે. નકલી (એનાલોગ) પનીર કેવી રીતે બને છે? એનાલોગ પનીર બનાવવા માટે દૂધના ફેટ કે પ્રોટીનની જગ્યાએ પામ ઓઈલ કે નાળિયેર તેલ જેવા સસ્તા વનસ્પતિ તેલનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તેમાં સ્ટાર્ચ, થોડો મિલ્ક પાવડર, સોયા પ્રોટીન, ઇમલ્સિફાયર, સ્ટેબિલાઇઝર અને ફ્લેવરિંગ એજન્ટ જેવા કેમિકલ ઉમેરીને પ્રોસેસ કરવામાં આવે છે. આ બધું મિક્સ કરીને તેને મશીન દ્વારા પનીર જેવો આકાર આપી દેવાય છે.
ખાવાપીવાની ચીજોમાં ભેળસેળનો આ કોઈ પહેલો કિસ્સો નથી. આજે જ અમદાવાદમાં પોલીસે નકલી ઘી બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડીને 30 હજાર લીટર નકલી ઘી જપ્ત કર્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીંથી 50 લીટર 'ચાઈનીઝ કેમિકલ' પણ મળી આવ્યું છે. આ ખતરનાક કેમિકલના માત્ર થોડાં ટીપાં સસ્તા પામોલીન તેલને સુગંધીદાર દેશી ઘીમાં ફેરવી દેતા હતા. ઘી દરેક ઘરમાં રોજિંદા ખોરાકનો હિસ્સો છે, ત્યારે આવું નકલી ઘી લોકોના જીવ માટે મોટો ખતરો પેદા કરી રહ્યું છે.
સુરતમાં પણ પકડાયું હતું નકલી પનીર
અગાઉ ગુજરાતના સુરત શહેરમાં પણ નકલી પનીરનું એક મોટું કૌભાંડ ઝડપાયું હતું. તે સમયે એક જાણીતી ડેરીના બે યુનિટમાંથી અંદાજે 900 કિલો જેટલું નકલી પનીર જપ્ત કરવામાં આવ્યું હતું.