Israel Arab secret meeting: મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ખતરા વચ્ચે જર્મનીમાં અમેરિકા, ઈઝરાયલ અને 8 અરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક યોજાઈ. ઈરાન અને હૂથીના હુમલાઓ અંગે મોટી રણનીતિ ઘડાઈ.
અમેરિકા અને ઈઝરાયલ ઉપરાંત સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE), બહેરીન, કુવૈત, કતાર, જોર્ડન અને ઈજીપ્તના ટોચના સૈન્ય કમાન્ડરોએ આ મિટિંગમાં ભાગ લીધો હતો.
Israel Arab secret meeting: મધ્ય પૂર્વમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ઈરાન સાથેનો સતત વધતો તણાવ અને હૂથી બળવાખોરોના ખતરનાક હુમલાઓ વચ્ચે મહાયુદ્ધ ફાટી નીકળે તેવો ડર સતાવી રહ્યો છે. આ ગંભીર ખતરાને પહોંચી વળવા માટે જર્મનીમાં એક અત્યંત ગુપ્ત અને ઐતિહાસિક બેઠક યોજાઈ ગઈ છે. જેમાં અમેરિકા, ઈઝરાયલ અને 8 અરબ દેશોના ટોચના સૈન્ય અધિકારીઓ ભેગા થયા હતા.
આ સીક્રેટ મીટિંગનું આયોજન અમેરિકાના સેન્ટકૉમ કમાન્ડર એડમિરલ બ્રાડ કૂપરે કર્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ મધ્ય પૂર્વમાં તમામ દેશો વચ્ચે સુરક્ષા સહયોગ વધારવાનો અને વર્તમાન કટોકટીનો મક્કમતાથી સામનો કરવાનો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ બેઠકમાં કેટલાક એવા અરબ દેશોના સૈન્ય પ્રમુખો પણ હાજર હતા, જેમના ઈઝરાયલ સાથે કોઈ સત્તાવાર કે રાજદ્વારી સંબંધો જ નથી.
આ ગુપ્ત બેઠકની મુખ્ય બાબતો:
આ 8 દેશો થયા સામેલ: અમેરિકા અને ઈઝરાયલ ઉપરાંત સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE), બહેરીન, કુવૈત, કતાર, જોર્ડન અને ઈજીપ્તના ટોચના સૈન્ય કમાન્ડરોએ આ મિટિંગમાં ભાગ લીધો હતો.
અમેરિકાની સ્પષ્ટ ચેતવણી: અમેરિકાએ આ બેઠકમાં સ્પષ્ટ કરી દીધું છે કે ઈરાન ભલે ગમે તેટલા હુમલાઓ કરે, પરંતુ અમેરિકન સેના મધ્ય પૂર્વમાંથી પાછી હટવાની કોઈ જ યોજના ધરાવતી નથી.
ઈઝરાયલ અને અરબ દેશો વચ્ચે વધતો સૈન્ય તાલમેલ
વર્ષ 2020માં થયેલા 'અબ્રાહમ કરાર' પછી ઈઝરાયલ અને અરબ દેશો વચ્ચે સૈન્ય લેવલે જબરદસ્ત સહયોગ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ્યારે ઈરાન સાથે સંઘર્ષ ચરમસીમા પર હતો, ત્યારે ઈઝરાયલે UAE ને પોતાની અત્યાધુનિક 'આયર્ન ડૉમ' સિસ્ટમ આપી હતી. એટલું જ નહીં, આ સિસ્ટમ ઓપરેટ કરવા માટે ઈઝરાયલે પોતાના નિષ્ણાત કર્મચારીઓ મોકલ્યા અને રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ તેમજ સર્વેલન્સ જેવી મહત્ત્વની મદદ પણ પૂરી પાડી હતી.
હાલના સમયમાં હૂથી બળવાખોરોના હુમલાઓ ખૂબ વધી ગયા છે. આ કપરી પરિસ્થિતિમાં અમેરિકી સેન્ટકૉમના માધ્યમથી ઈઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચે પણ પડદા પાછળ ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. ઈઝરાયલ સાઉદી અરેબિયાના સૈન્ય ઓપરેશનમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે તેની રણનીતિ બની રહી છે. આ તમામ હિલચાલ સ્પષ્ટ સંકેત આપે છે કે ઈરાન અને તેના સમર્થિત જૂથો સામે હવે મધ્ય પૂર્વના દેશો અને ઈઝરાયલ એકજૂટ થઈને રક્ષણાત્મક દીવાલ ઊભી કરી રહ્યા છે.