આતંકવાદ સામે મોદી સરકારની લાલ આંખ: પાકિસ્તાન સમર્થિત 'શાહજાદ ભટ્ટી નેટવર્ક' UAPA હેઠળ આતંકી સંગઠન ઘોષિત
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 'શાહજાદ ભટ્ટી નેટવર્ક'ને UAPA હેઠળ આતંકી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠન હથિયારોની દાણચોરી અને યુવાનોને ઉશ્કેરવાનું કામ કરતું હતું.
આ સંગઠન પર પ્રતિબંધ મૂકતા પહેલા, ભારતીય સુરક્ષા એજન્સીઓએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026 માં આ નેટવર્કની કમર તોડી નાખી હતી.
Shahzad Bhatti Network: આતંકવાદ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'ઝીરો ટોલરન્સ' નીતિ પર આગળ વધતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ સુરક્ષાના મામલે એક બહુ મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે કડક કાર્યવાહી કરતા શાહજાદ ભટ્ટી નેટવર્કને ગેરકાનૂની ગતિવિધિઓ અધિનિયમ એટલે કે UAPA હેઠળ 'આતંકવાદી સંગઠન' જાહેર કરી દીધું છે. ગૃહમંત્રી કાર્યાલય દ્વારા બુધવારે સત્તાવાર પોસ્ટ કરીને આ માહિતી આપવામાં આવી હતી.
શું છે આ 'શાહજાદ ભટ્ટી નેટવર્ક' ?
ભારતીય સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ પાકિસ્તાનથી ઓપરેટ થતું અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI દ્વારા સમર્થિત એક ખતરનાક આતંકી નેટવર્ક છે. આ સિન્ડિકેટનું નામ તેના મુખ્ય હેન્ડલર 'શહજાદ ભટ્ટી' પરથી પડ્યું છે, જે પાકિસ્તાનમાં બેસીને ભારતમાં આતંકી ગતિવિધિઓ ચલાવે છે. આ સંગઠન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ભારતના યુવાનો અને નાના-મોટા ગુનાઓ કરતા ગુનેગારોનો સંપર્ક કરે છે અને તેમને પૈસાની લાલચ આપીને આતંકવાદના રવાડે ચડાવે છે.
સરકારે શા માટે મૂક્યો પ્રતિબંધ?
આ સંગઠનને આતંકવાદી જાહેર કરવા પાછળના મુખ્ય કારણો પર નજર કરીએ તો,,,આ નેટવર્ક સરહદ પારથી હથિયારો, IED, વિસ્ફોટકો અને નશીલા પદાર્થોની દાણચોરીમાં સીધી રીતે સંકળાયેલું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને ભટકાવીને તેમની પાસે ટાર્ગેટેડ કિલિંગ, હથિયારોની સપ્લાય અને રેકી કરાવવામાં આવતી હતી. ભારતના લોકતાંત્રિક માળખા અને સામાજિક/કોમી એકતાને તોડવા માટે આ સિન્ડિકેટ દ્વારા ઈન્ટરનેટ પર નફરત ફેલાવતું ડિજિટલ કન્ટેન્ટ મૂકવામાં આવતું હતું.
ઓગસ્ટ 2026માં થઈ હતી સૌથી મોટી કાર્યવાહી
આ સંગઠન પર પ્રતિબંધ મૂકતા પહેલા, ભારતીય સુરક્ષા એજન્સીઓએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026 માં આ નેટવર્કની કમર તોડી નાખી હતી. સ્વતંત્રતા દિવસની બરાબર પહેલાં, 12 ઓગસ્ટ 2026 ના રોજ દેશના 14 રાજ્યોમાં એકસાથે મેગા ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
આ કાર્યવાહીમાં 253 લોકોની અટકાયત કરવામાં આવી હતી, 80 થી વધુ FIR નોંધવામાં આવી હતી અને 200 થી વધારે ધરપકડ કરાઈ હતી. દરોડા દરમિયાન એજન્સીઓને IED, પિસ્તોલ, જીવતા કારતૂસ અને 'પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરી' ના માર્કાવાળા ગ્રેનેડ મળી આવ્યા હતા. જાસૂસી કરવા માટે લગાવેલા કેટલાક CCTV કેમેરા પણ જપ્ત કરાયા હતા.