મોદી સરકારે નોકરિયાત વર્ગને મોટી ભેટ આપી છે. કેબિનેટે EPF ની ફરજિયાત સેલરી લિમિટ 15,000 થી વધારીને 25,000 કરી છે. જાણો આ નવા નિયમથી તમારા પગાર અને પેન્શન પર શું અસર થશે.
EPFO હેઠળ ફરજિયાત PF અને પેન્શન કવરેજ માટે બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થાની મર્યાદા જે અત્યાર સુધી 15,000 હતી, તેને વધારીને સીધી 25,000 કરવામાં આવી છે.
EPF Wage Ceiling Hike: નોકરિયાત વર્ગ માટે કેન્દ્ર સરકાર તરફથી એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. મોદી કેબિનેટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ હેઠળ આવતા ફરજિયાત કવરેજ માટે માસિક પગારની મર્યાદા 15,000 થી વધારીને 25,000 કરવાની ઐતિહાસિક મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની પ્રેસ બ્રીફિંગમાં આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે સરકારના આ પગલાંથી દેશના સંગઠિત ક્ષેત્રના આશરે 51 લાખ કર્મચારીઓને સીધો સામાજિક સુરક્ષાનો લાભ મળશે. આ યોજના પાછળ સરકાર પોતાના ખજાનામાંથી 11,339 કરોડનો ખર્ચ ઉઠાવશે. નોંધનીય છે કે, 12 વર્ષના લાંબા ઇન્તજાર પછી PF ના નિયમોમાં આ મોટો સુધારો કરવામાં આવ્યો છે.
કેબિનેટના નિર્ણયની 3 મુખ્ય વાતો
EPFO હેઠળ ફરજિયાત PF અને પેન્શન કવરેજ માટે બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થાની મર્યાદા જે અત્યાર સુધી 15,000 હતી, તેને વધારીને સીધી 25,000 કરવામાં આવી છે. જે કર્મચારીઓનો પગાર 15,000 થી વધુ હોવાને કારણે અત્યાર સુધી PF ના ફરજિયાત દાયરાની બહાર હતા, તેમાંથી લગભગ 51 લાખ નવા કર્મચારીઓ હવે સીધા જ આ કવરેજમાં જોડાઈ જશે. કેન્દ્ર સરકાર કર્મચારીઓના પેન્શન ફંડમાં પોતાનો હિસ્સો વધારશે, જેના કારણે સરકાર પર કુલ 11,339 કરોડનો આર્થિક બોજો આવશે.
વેજ સીલિંગ શું છે?
સરળ ભાષામાં સમજીએ તો, વેજ સીલિંગ એટલે સરકારી નિયમ મુજબ નક્કી કરાયેલી પગારની મહત્તમ મર્યાદા. PF ના કિસ્સામાં આ એ લિમિટ છે, જે નક્કી કરે છે કે કંપનીએ કયા પગાર સુધીના કર્મચારીઓનું PF કાપવું કાયદાકીય રીતે ફરજિયાત છે. અત્યાર સુધી આ મર્યાદા 15,000 હતી, જે હવે 25,000 થઈ ગઈ છે. એટલે કે, હવે જે કર્મચારીની બેઝિક સેલરી 25,000 સુધી છે, તેઓ ફરજિયાતપણે PF અને પેન્શનના દાયરામાં આવશે અને તેમની સત્તાવાર કપાત આ નવી મર્યાદા મુજબ થશે.
તમારા પગાર અને બચત પર શું અસર થશે?
સરકારના આ નિર્ણયની નોકરિયાત લોકોના ખિસ્સા અને ભવિષ્યના રિટાયરમેન્ટ ફંડ બંને પર મિશ્ર અસર જોવા મળશે.
જે કર્મચારીઓનો બેઝિક પગાર 15,000 થી 25,000 ની વચ્ચે છે, તેમની PF કપાત હવે વધી જશે. આથી દર મહિને ખાતામાં જમા થતો પગાર થોડો ઓછો થઈ શકે છે.PF ખાતામાં કર્મચારી અને કંપની બંનેનો ફાળો વધવાથી લાંબા ગાળે તમારું રિટાયરમેન્ટ ફંડ ઘણું મોટું બનશે. આ ઉપરાંત, પેન્શનની ગણતરી માટે લિમિટ વધવાથી માસિક પેન્શનમાં 67% સુધીનો જંગી વધારો જોવા મળી શકે છે. પગારની મર્યાદા વધવાથી કંપનીઓના બજેટ પર પણ અસર પડશે. અત્યાર સુધી કંપનીઓ માત્ર 15,000 સુધીની બેઝિક સેલરી પર જ પોતાનો 12% PF ફાળો આપવા બંધાયેલી હતી. નવા નિયમ પછી, કંપનીઓએ 25,000 સુધીના પગારવાળા કર્મચારીઓ માટે પોતાના ખિસ્સામાંથી વધુ ફાળો આપવો પડશે.