Somnath Temple: આસ્થાની જીત! સોમનાથ પર ગઝનવીના આક્રમણને 1000 વર્ષ પૂરાં, 17 વાર લૂંટાયેલું મંદિર આજે ભવ્યતાનું પ્રતિક | Moneycontrol Gujarati
Get App

Somnath Temple: આસ્થાની જીત! સોમનાથ પર ગઝનવીના આક્રમણને 1000 વર્ષ પૂરાં, 17 વાર લૂંટાયેલું મંદિર આજે ભવ્યતાનું પ્રતિક

Somnath Temple History: સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીના આક્રમણને 1000 વર્ષ પૂરા થયા છે. 17 વાર લૂંટાયેલું અને તૂટેલું આ મંદિર આજે પણ આસ્થાના પ્રતિક સમાન અડીખમ ઊભું છે. વાંચો સોમનાથના સંઘર્ષ અને પુનઃનિર્માણની રોચક ગાથા.

અપડેટેડ 10:41:43 AM Jan 09, 2026 પર
Story continues below Advertisement
Somnath Temple History: સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીના આક્રમણને 1000 વર્ષ પૂરા થયા છે.

Somnath Temple History: ભારતના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું સોમનાથ મહાદેવનું મંદિર માત્ર ભક્તિનું કેન્દ્ર નથી, પરંતુ ભારતીય અસ્મિતા અને અદમ્ય સાહસનું જીવંત ઉદાહરણ છે. સોમનાથના ઈતિહાસમાં આજના દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે આશરે 1000 વર્ષ પહેલાં અફઘાનિસ્તાનથી આવેલા આક્રમણખોર મહેમૂદ ગઝનવીએ આ મંદિર પર સૌથી ભયાનક હુમલો કર્યો હતો.

જોકે, સોમનાથનો ઈતિહાસ સાબિત કરે છે કે ઈમારતો તોડી શકાય છે, પણ શ્રદ્ધા નહીં. ગઝનવી અને ઔરંગઝેબ જેવા શાસકોએ મળીને કુલ 17 વાર આ મંદિરને તોડ્યું અને લૂંટ્યું, છતાં આજે આક્રમણખોરો ઈતિહાસના કાળી અંધારામાં ખોવાઈ ગયા છે, જ્યારે સોમનાથ મહાદેવનું મંદિર પહેલા કરતાં પણ વધુ ભવ્યતા સાથે અડીખમ ઊભું છે.

ગઝનવીનો ક્રૂર હુમલો અને અંત

ઈતિહાસકારોના જણાવ્યા મુજબ, લૂંટારુ મહેમૂદ ગઝનવી અફઘાનિસ્તાનથી લગભગ 1500 કિમીનું અંતર કાપીને જેસલમેર, પાટણ (અણહિલવાડ) અને ઉના પાસેના દેલવાડાના રસ્તે સોમનાથ પહોંચ્યો હતો. તેણે માત્ર મંદિરનો ધ્વંસ જ નહોતો કર્યો, પરંતુ હજારો નિર્દોષ લોકોની કતલેઆમ પણ કરી હતી. તે સમયે તે અંદાજે 2 કરોડ દિનાર જેટલી અઢળક સંપત્તિ લૂંટીને પરત ફર્યો હતો.

પરંતુ કુદરતનો ન્યાય જુઓ, આટલી મોટી લૂંટ ચલાવનાર ગઝનવી શાંતિથી જીવી શક્યો નહીં. લૂંટના માત્ર 5 વર્ષ બાદ એટલે કે ઈ.સ. 1030માં તે એક ગંભીર બીમારીમાં સપડાયો અને અત્યંત પીડાદાયક રીતે મૃત્યુ પામ્યો. આજે એ લૂંટારુઓનું નામનિશાન મટી ગયું છે, જ્યારે ભોળિયાનાથના નાદથી સોમનાથ ગુંજી રહ્યું છે.


2 Somnath Temple Victory 1

અટલજીની નજરે સોમનાથ અને સામાજિક એકતા

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સોમનાથના ઈતિહાસમાંથી મોટો બોધપાઠ લેવાની વાત કરતા હતા. કિશોરાવસ્થામાં જ્યારે તેમણે સોમનાથ લૂંટાયાની વાત સાંભળી હતી ત્યારે તેમને ખૂબ દુઃખ થયું હતું. તેમનું માનવું હતું કે તે સમયે આપણો સમાજ વહેંચાયેલો હતો. યુદ્ધ અને રક્ષાનું કામ માત્ર રાજાઓનું ગણાતું, તેથી જ્યારે હુમલો થયો ત્યારે સામાન્ય પ્રજા લડવાને બદલે માત્ર પરિણામની રાહ જોતી રહી.

જ્યારે અટલજી વિદેશમંત્રી તરીકે અફઘાનિસ્તાનના ગઝની ગામ ગયા, ત્યારે તેમણે જોયું કે ગઝનવીનું ત્યાં કોઈ માન-સન્માન નહોતું. તે એક સામાન્ય લૂંટારુ હતો જેણે ટોળકી બનાવીને ભારત જેવી 'સોનાની ચિડિયા'ને લૂંટી હતી. અટલજી કહેતા કે આ ઘટના શીખવે છે કે રાષ્ટ્રની રક્ષા માટે આખા સમાજે એક થઈને ઊભા રહેવું પડે છે.

ખંડેરમાંથી સર્જન: સરદાર પટેલનો સંકલ્પ

સોમનાથ મંદિરને તોડવાના અનેક પ્રયાસો થયા, પણ તેને ફરી બેઠું કરનારા ભક્તોની કમી ક્યારેય રહી નથી. ઈ.સ. 1169માં રાજા કુમારપાળ, 1308માં મહિપાલ-1 અને 1783માં માતા અહલ્યાબાઈ હોલકરે મંદિરના જીર્ણોદ્ધારમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

પરંતુ આધુનિક સોમનાથ મંદિરના નિર્માણનો શ્રેય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. આઝાદી મળ્યાના માત્ર 3 મહિનામાં જ, 13 નવેમ્બર 1947ના રોજ સરદાર પટેલે સોમનાથની મુલાકાત લીધી અને દરિયાકિનારે ઊભા રહીને સંકલ્પ કર્યો કે "આ મંદિર ફરીથી તેની ભવ્યતા પ્રાપ્ત કરશે."

લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ

આજે જે ભવ્ય શિખર આપણે જોઈએ છીએ, તે સરકારના પૈસે નહીં પણ લોકોના દાનથી બન્યું છે. જામનગરના રાજવી દિગ્વિજયસિંહ જાડેજાએ તે સમયે 1.51 લાખ રૂપિયા આપ્યા હતા અને નાનજી કાલીદાસ મહેતા જેવા શ્રેષ્ઠીઓએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો. અંતે, 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના હસ્તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી.

સોમનાથ ટ્રસ્ટ અને સુરક્ષા

હાલમાં સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે દેશના વડાપ્રધાન પોતે સેવા આપી રહ્યા છે. મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીં કાયમી ધોરણે 'ઝેડ પ્લસ' સુરક્ષા કવચ તૈનાત કરવામાં આવ્યું છે. આજે મંદિર પર થયેલા આક્રમણને 1000 વર્ષ અને પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે મંદિર પરિસરમાં ભવ્ય ઉજવણી શરૂ થઈ છે, જે વિશ્વને સંદેશ આપે છે કે સત્ય અને આસ્થાનો હંમેશા વિજય થાય છે.

આ પણ વાંચો- 'પહેલા ગોળી મારીશું, પછી વાત...' ગ્રીનલેન્ડ મુદ્દે નાનકડા ડેનમાર્કે શક્તિશાળી અમેરિકાને આપી ખુલ્લી ચેતવણી

MoneyControl News

MoneyControl News

First Published: Jan 09, 2026 10:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.