Supreme Court Stay: UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક, હવે 19 માર્ચે થશે સુનાવણી, જાણો શું છે વિવાદ | Moneycontrol Gujarati
Get App

Supreme Court Stay: UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક, હવે 19 માર્ચે થશે સુનાવણી, જાણો શું છે વિવાદ

UGC Regulations 2026: સુપ્રીમ કોર્ટે UGCના 23 જાન્યુઆરી 2026ના નવા નિયમો પર રોક લગાવી દીધી છે. જાણો કોર્ટમાં શું દલીલો થઈ અને કેમ સવર્ણ સમાજે આ નિયમોનો વિરોધ કર્યો હતો.

અપડેટેડ 01:21:14 PM Jan 29, 2026 પર
Story continues below Advertisement
UGC Regulations 2026: સુપ્રીમ કોર્ટે UGCના 23 જાન્યુઆરી 2026ના નવા નિયમો પર રોક લગાવી દીધી છે.

UGC Regulations 2026: સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વનો નિર્ણય લેતા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર રોક લગાવી દીધી છે. કોર્ટે આ મામલે સુનાવણી કરતા આગામી તારીખ 19 માર્ચ નક્કી કરી છે. આ નિર્ણયથી UGCના નવા નિયમોનો વિરોધ કરી રહેલા લોકોને મોટી રાહત મળી છે. ચાલો જાણીએ કે કોર્ટમાં શું થયું અને આખરે આ વિવાદ શું છે.

કેમ થયો છે વિરોધ?

UGC એક્ટને લઈને સવર્ણ સમાજમાં ઘણી નારાજગી જોવા મળી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક નહીં પણ કુલ 12 જેટલી અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ગુરુવારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ, ત્યારે કોર્ટે હાલ પૂરતી આ નવા નિયમોના અમલ પર રોક લગાવી દીધી છે.

વાત જાણે એમ છે કે, સુપ્રીમ કોર્ટે 23 જાન્યુઆરી 2026ના રોજ નોટિફાય થયેલા UGC ના નિયમો પર સ્ટે આપ્યો છે. આ નિયમોનું નામ ‘ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટેના વિનિમય' હતું. અરજદારોનું કહેવું છે કે આ નિયમો મનસ્વી અને કોઈ એક પક્ષને અન્યાય કરનારા છે. તેમનો આરોપ છે કે આ નિયમો બંધારણ અને UGC એક્ટ 1956નું ઉલ્લંઘન કરે છે.

વકીલ વિષ્ણુ શંકર જૈનની દલીલ કોર્ટમાં સુનાવણી દરમિયાન જાણીતા વકીલ વિષ્ણુ શંકર જૈને જોરદાર દલીલો કરી હતી. તેમણે કહ્યું હતું કે, "હું જાતિ આધારિત ભેદભાવની આ વ્યાખ્યા પર રોક લગાવવાની માંગ કરું છું. કાયદો એવું માની ન શકે કે ભેદભાવ માત્ર કોઈ ખાસ વર્ગ વિરુદ્ધ જ થાય છે."


તેમણે વધુમાં ઉમેર્યું કે ધારા 3C હેઠળ આપવામાં આવેલી વ્યાખ્યા અનુચ્છેદ 14 થી પ્રભાવિત છે. જ્યારે ભેદભાવ પહેલાથી જ પરિભાષિત છે, ત્યારે એવું ન માની શકાય કે અન્યાય માત્ર કોઈ એક જ વર્ગ સાથે થાય છે.

ચીફ જસ્ટિસનું અવલોકન

આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંતે પણ એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, "માની લો કે દક્ષિણ ભારતનો કોઈ વિદ્યાર્થી ઉત્તર ભારતમાં એડમિશન લે છે અથવા ઉત્તરનો વિદ્યાર્થી દક્ષિણમાં જાય છે. જો તેમની વિરુદ્ધ કોઈ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવે અને બંને પક્ષોની જાતિ ખબર ન હોય, તો કયો કાયદો તેમને સુરક્ષા આપશે?"

સેક્શન 3Cને કેમ અપાયો પડકાર?

સુનાવણી દરમિયાન વકીલ વિષ્ણુ શંકર જૈને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ UGC ના રેગ્યુલેશનના સેક્શન 3C ને એટલે ચેલેન્જ કરી રહ્યા છે કારણ કે તેમાં માત્ર જાતિ આધારિત ભેદભાવની વાત કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે રેગ્યુલેશનમાં ભેદભાવની જે વ્યાખ્યા આપવામાં આવી છે તે પૂરેપૂરી સાચી નથી અને તે તર્કસંગત પણ નથી.

બંધારણની ભાવના વિરુદ્ધ વકીલે કોર્ટનું ધ્યાન દોરતા કહ્યું કે આ નવો નિયમ ભારતીય બંધારણની 'સમાનતાની ભાવના' (Right to Equality) ની વિરુદ્ધ છે. બંધારણ મુજબ, ભેદભાવનો મુદ્દો દેશના તમામ નાગરિકો સાથે જોડાયેલો છે, કોઈ એક વર્ગ પૂરતો સીમિત નથી. જ્યારે UGC નો આ નવો કાયદો માત્ર કોઈ વિશેષ વર્ગ પ્રત્યે થતા ભેદભાવની જ વાત કરે છે, જે યોગ્ય નથી.

સમાજમાં વૈમનસ્ય વધવાનો ડર

દલીલ દરમિયાન એ પણ કહેવામાં આવ્યું કે આ નિયમો સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા આદેશોની ભાવનાની પણ વિરુદ્ધ છે. વકીલ જૈને ચિંતા વ્યક્ત કરી હતી કે જો આ પ્રકારના નિયમો લાગુ થશે, તો તેનાથી સમાજમાં વૈમનસ્ય (દુશ્મનાવટ) વધશે. આ નિયમ બંધારણમાં આપવામાં આવેલા સમાનતાના મૂળ સિદ્ધાંતો સાથે મેળ ખાતો નથી, તેથી તેના પર રોક લગાવી જરૂરી હતી.

આમ, ભેદભાવની વ્યાખ્યા માત્ર અમુક વર્ગો પૂરતી મર્યાદિત ન રાખતા, તે દરેક નાગરિક માટે સમાન હોવી જોઈએ, તેવો મુખ્ય મુદ્દો કોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં વકીલ જૈને કહ્યું કે ધારા 3Eમાં આ બધી બાબતોનો સમાવેશ થાય છે. હાલ તો કોર્ટે દલીલો સાંભળ્યા બાદ નવા નિયમો પર સ્ટે મૂકી દીધો છે અને હવે 19 માર્ચના રોજ આગળની કાર્યવાહી થશે.

આ પણ વાંચો - ભારત-EU વચ્ચેની ‘મેગા ડીલ'થી અમેરિકા લાલઘૂમ! કહ્યું - ‘યુરોપે યુક્રેન કરતા વેપારને વધુ મહત્વ આપ્યું'

MoneyControl News

MoneyControl News

First Published: Jan 29, 2026 1:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.