Supreme Court: શું બદલાઈ જશે ‘ઈન્ડસ્ટ્રી’ની કાયદાકીય વ્યાખ્યા? 9 જજોની બેંચ કરશે મોટી સમીક્ષા | Moneycontrol Gujarati
Get App

Supreme Court: શું બદલાઈ જશે ‘ઈન્ડસ્ટ્રી’ની કાયદાકીય વ્યાખ્યા? 9 જજોની બેંચ કરશે મોટી સમીક્ષા

Supreme Court of India: સુપ્રીમ કોર્ટની 9 જજોની બેંચ ‘ઈન્ડસ્ટ્રી’ શબ્દની વ્યાખ્યા અને તેના દાયરા પર ફરી વિચાર કરશે. 50 વર્ષ જૂના ચુકાદા અને શ્રમ કાયદામાં શું ફેરફાર થઈ શકે છે? જાણો આ મોટા સમાચારની સંપૂર્ણ વિગત.

અપડેટેડ 11:44:22 AM Feb 17, 2026 પર
Story continues below Advertisement
Supreme Court of India: સુપ્રીમ કોર્ટની 9 જજોની બેંચ ‘ઈન્ડસ્ટ્રી’ શબ્દની વ્યાખ્યા અને તેના દાયરા પર ફરી વિચાર કરશે.

Supreme Court of India: દેશના શ્રમ કાયદાઓમાં વપરાતા ‘ઈન્ડસ્ટ્રી’ (Industry) શબ્દને લઈને ફરી એકવાર મોટી કાયદાકીય હલચલ જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે ‘ઈન્ડસ્ટ્રી’ કોને કહેવાય અને તેના દાયરામાં કોણ આવે, તે નક્કી કરવા માટે 9 જજોની એક મોટી બંધારણીય બેંચ (Constitution Bench) બનાવવામાં આવશે. આ બેંચ 17 માર્ચથી આ મહત્વના મુદ્દા પર સુનાવણી શરૂ કરશે.

મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્ય કાંત (Surya Kant)ની અધ્યક્ષતાવાળી આ બેંચમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલી પણ સામેલ હતા. કોર્ટ ઈન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ 2020 અને 1947 ના જૂના ઔદ્યોગિક વિવાદ કાયદા હેઠળ ‘ઈન્ડસ્ટ્રી’ શબ્દનો સાચો અર્થ શું થાય તે સ્પષ્ટ કરશે.

50 વર્ષ જૂના ચુકાદાની ફરી થશે તપાસ

આ કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટ લગભગ પાંચ દાયકા એટલે કે 50 વર્ષ પહેલાં અપાયેલા એક ઐતિહાસિક ચુકાદાની ફરી સમીક્ષા કરશે. વર્ષ 1975 માં જસ્ટિસ વી.આર. કૃષ્ણ અય્યર (V R Krishna Iyer) એ ‘ઈન્ડસ્ટ્રી’ ની ઓળખ માટે જે નિયમો બનાવ્યા હતા, તેને હવે આજના સમય પ્રમાણે ફરીથી ચકાસવામાં આવશે. ખાસ કરીને એ જૂના ચુકાદાના પેરેગ્રાફ 140 થી 144 માં જે સિદ્ધાંતો નક્કી થયા હતા, તેના પર બંધારણીય બેંચ વિચાર કરશે.

શું છે ‘ટ્રિપલ ટેસ્ટ’ અને કેમ ઉઠ્યા સવાલો?


1975ના એ ચુકાદામાં કોર્ટે ‘ટ્રિપલ ટેસ્ટ’ (Triple Test) નો સિદ્ધાંત આપ્યો હતો. સરળ ભાષામાં કહીએ તો, કોઈ સંસ્થાને ‘ઈન્ડસ્ટ્રી’ ત્યારે જ માની શકાય જ્યારે ત્યાં નિયમિત અને વ્યવસ્થિત રીતે કામકાજ ચાલતું હોય. માલિક (Employer) અને કર્મચારી (Employee) વચ્ચે સંગઠિત સહયોગ હોય. લોકોની જરૂરિયાતો કે ઈચ્છાઓ પૂરી કરવા માટે વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન થતું હોય.

આ વ્યાખ્યા એટલી વ્યાપક હતી કે હોસ્પિટલો, શાળાઓ, ક્લબ અને અન્ય સેવા આપતી સંસ્થાઓ પણ શ્રમ કાયદાના દાયરામાં આવી ગઈ હતી. હવે કોર્ટ એ જોશે કે શું આજના બદલાયેલા સામાજિક અને કાયદાકીય માહોલમાં આ વ્યાખ્યા યોગ્ય છે કે તેમાં ફેરફારની જરૂર છે.

સરકારી યોજનાઓ અને નવા કાયદાની અસર

આ સુનાવણીમાં કોર્ટ એ પણ તપાસશે કે 1982 માં જે સુધારો પસાર થયો હતો પણ ક્યારેય લાગુ ન થયો, તેની શું અસર છે. સાથે જ, 2020 ના નવા કાયદાથી પરિસ્થિતિ કેટલી બદલાઈ છે તેની પણ ચર્ચા થશે. એક મોટો સવાલ એ પણ છે કે શું સરકાર દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજનાઓ અને સામાજિક સેવાઓને પણ ‘ઈન્ડસ્ટ્રી’ ગણવી જોઈએ? રાજ્ય સરકારના કયા કામોને ઔદ્યોગિક પ્રવૃત્તિ ગણવી અને કયા કામોને તેનાથી દૂર રાખવા, તે અંગે પણ કોર્ટ સ્પષ્ટતા કરશે.

28 ફેબ્રુઆરી સુધીમાં દલીલો રજૂ કરવા આદેશ

સુપ્રીમ કોર્ટે આ મામલે સમયબદ્ધ સુનાવણીની તૈયારી કરી લીધી છે. તમામ પક્ષકારોને 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં પોતાની દલીલો લેખિતમાં જમા કરાવવાની છૂટ આપી છે. બંને પક્ષના વકીલોને દલીલો રજૂ કરવા માટે 3 કલાકનો સમય મળશે, જ્યારે જવાબ આપવા માટે 1 કલાકનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે.

આ નિર્ણય આવનારા સમયમાં શ્રમ કાયદા, કામદારોના હકો અને સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે.

આ પણ વાંચો- NRIનો ભારત પર ભરોસો વધ્યો: હેલ્થ ઈન્શ્યોરન્સની ખરીદીમાં 126% નો રેકોર્ડબ્રેક ઉછાળો

MoneyControl News

MoneyControl News

First Published: Feb 17, 2026 11:44 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.