Trump Tariff: શું રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર લાગશે 500% ટેક્સ? ટ્રમ્પના મંત્રીના નિવેદનથી સામે આવ્યું સત્ય
Donald Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદનારા દેશો પર 500% ટેરિફ લગાવવાની તૈયારી કરી છે. શું આમાં ભારતનો પણ સમાવેશ થશે? અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટના નિવેદન પરથી જાણો ભારત માટે રાહતના સમાચાર છે કે મુશ્કેલી.
Donald Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદનારા દેશો પર 500% ટેરિફ લગાવવાની તૈયારી કરી છે. શું આમાં ભારતનો પણ સમાવેશ થશે?
Donald Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે. વર્ષ 2025માં અનેક ટેરિફ લગાવીને દુનિયાને હચમચાવી દીધા બાદ, હવે ટ્રમ્પ એક નવો 'ટેરિફ બોમ્બ' ફોડવાની તૈયારીમાં છે. આ વખતે નિશાન પર એ દેશો છે જે રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે.
ચર્ચા એવી છે કે ટ્રમ્પ પ્રશાસન એક એવો કાયદો લાવી રહ્યું છે જેના હેઠળ રશિયન તેલ ખરીદનારા દેશો પર સીધો 500% ટેરિફ એટલે કે જંગી ટેક્સ લગાવવામાં આવશે. આ સમાચાર સામે આવ્યા બાદ સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે શું ભારત પર પણ આ 500%નો ટેક્સ લાગશે? આ અંગે અમેરિકાના નાણામંત્રી (Finance Minister) સ્કોટ બેસેન્ટ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
શું છે ટ્રમ્પનો 'સેન્ક્શનિંગ રશિયા એક્ટ'?
સૌથી પહેલા એ સમજીએ કે આ મામલો શું છે. ટ્રમ્પે 'સેન્ક્શનિંગ રશિયા એક્ટ ઓફ 2025'ને મંજૂરી આપી છે. આ કાયદાનો મુખ્ય હેતુ રશિયાની પુતિન સરકાર પર દબાણ લાવવાનો છે, જે યુક્રેન સાથે શાંતિ સમજૂતી માટે તૈયાર નથી.
અમેરિકન સીનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળીને તૈયાર કરાયેલા આ પ્રસ્તાવમાં સ્પષ્ટ જોગવાઈ છે કે જે દેશો રશિયા પાસેથી તેલની આયાત ચાલુ રાખશે, તેમના પર 500% સુધીનો ભારે ટેરિફ લગાવવામાં આવશે. શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ કાયદાનું નિશાન ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો છે, જે રશિયન તેલના મોટા ખરીદદારો છે.
યુરોપિયન દેશો પર અમેરિકા લાલઘૂમ
દાવોસ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF Davos 2026)માં અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે યુરોપિયન દેશોનો ઉધડો લીધો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમેરિકન પ્રતિબંધોના 4 વર્ષ પછી પણ યુરોપ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. આવું કરીને તેઓ પોતાના જ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધને ફંડિંગ પૂરું પાડી રહ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકા તો સાચી દિશામાં આગળ વધી રહ્યું છે, પણ યુરોપની હાલત ખરાબ છે.
ભારત માટે શું છે સંકેત?
ભારતીય લોકો માટે સૌથી મહત્વની વાત એ છે કે સ્કોટ બેસેન્ટે ભારત વિશે શું કહ્યું? સ્કોટ બેસેન્ટના ઈન્ટરવ્યુ પરથી ભારત માટે રાહતના સંકેત મળી રહ્યા છે. તેમણે જે તર્ક આપ્યો તે મુજબ રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતે રશિયન તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પહેલાથી લાગુ 25% ટેરિફમાં બીજા 25%નો વધારો કર્યો હતો. આમ, ભારત પર કુલ 50% ટેરિફ લાગ્યા બાદ ભારતે રશિયન તેલની ખરીદી ઘટાડી દીધી અને લગભગ બંધ કરી દીધી છે (આ માહિતી સ્કોટ બેસેન્ટના નિવેદન મુજબ છે). તેથી, લિન્ડસે ગ્રેહામના પ્રસ્તાવમાં જે 500% ટેરિફની વાત છે, તે એવા દેશો માટે છે જે હજુ પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે. બેસેન્ટના નિવેદનનો અર્થ એ કાઢી શકાય કે ભારત હવે આ કેટેગરીમાં નથી આવતું, તેથી ભારત પર આ 500%નો જંગી ટેક્સ લાગવાની શક્યતા નહિવત છે.
ચીન માટે ખરાબ સમાચાર
બીજી તરફ, ચીન માટે મુશ્કેલીઓ વધી શકે છે. રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર ચીન રહ્યો છે. આ ઉપરાંત ચીન ઈરાન અને વેનેઝુએલા પાસેથી પણ તેલ ખરીદે છે. અમેરિકાના નાણામંત્રીએ કહ્યું કે વેનેઝુએલાના તેલ સેક્ટર પર હવે ટ્રમ્પનું નિયંત્રણ છે, તેથી ચીન ત્યાંથી સસ્તા ભાવે તેલ નહીં ખરીદી શકે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ચીન પર પણ કડક કાર્યવાહી થશે? ત્યારે તેમણે કહ્યું કે, "આ બાબત રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર નિર્ભર કરશે અને અમે જોઈશું કે નવા બિલનું શું થાય છે." ટૂંકમાં કહીએ તો, ટ્રમ્પની નવી ટેરિફ નીતિથી દુનિયાભરમાં ફફડાટ છે, પરંતુ હાલના તબક્કે અમેરિકન મંત્રીના નિવેદન પરથી ભારત માટે જોખમ ઓછું જણાઈ રહ્યું છે.