Donald Trump Canada Tariff: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને ચીન સાથેની ડીલ પર 100% ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે.
Donald Trump Canada Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના પાડોશી દેશ કેનેડા સામે લાલ આંખ કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કેનેડા ચીન સાથે કોઈ પણ પ્રકારની વ્યાપારી સમજૂતી (Trade Deal) કરશે, તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પે ચીમકી ઉચ્ચારી છે કે તેઓ કેનેડાથી અમેરિકા આવતા તમામ સામાન પર 100% ટેરિફ લગાવી દેશે.
ચીન ડીલથી ટ્રમ્પ નારાજ
ટ્રમ્પની આ નારાજગીનું મુખ્ય કારણ કેનેડા અને ચીન વચ્ચે વધી રહેલી નિકટતા છે. રિપોર્ટ મુજબ, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની હાલમાં જ ચીનના પ્રવાસે ગયા હતા. આ મુલાકાતના એક અઠવાડિયા પછી જ બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલની તૈયારીઓ ચાલી રહી છે, જે ટ્રમ્પને જરાય પસંદ નથી આવ્યું. તેમણે પોતાની સોશિયલ મીડિયા એપ 'ટ્રૂથ સોશિયલ' પર લખ્યું છે કે જો આવું થયું તો "ચીન કેનેડાને જીવતું ખાઈ જશે."
વડાપ્રધાનને ગણાવ્યા 'ગવર્નર'
પોતાની પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની મજાક ઉડાવતા તેમને જાણીજોઈને 'ગવર્નર' કહીને સંબોધ્યા છે. આ શબ્દપ્રયોગ એટલા માટે મહત્વનો છે કારણ કે ટ્રમ્પ પોતાના કાર્યકાળની શરૂઆતથી જ કેનેડાને એક અલગ દેશ ગણવાને બદલે અમેરિકાના '51મા રાજ્ય' તરીકે જોવા પર ભાર મૂકી રહ્યા છે. પીએમને ગવર્નર કહીને તેમણે આડકતરી રીતે કેનેડાને અમેરિકાનો જ એક ભાગ ગણાવવાનો પ્રયાસ કર્યો છે.
ટ્રૂથ સોશિયલ પર ટ્રમ્પે શું લખ્યું?
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં ખૂબ આકરા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમણે લખ્યું, "જો ગવર્નર કાર્નીને એવું લાગતું હોય કે તેઓ કેનેડાને ચીન માટે સામાન અમેરિકા મોકલવાનું 'ડ્રોપ ઓફ પોર્ટ' (માલ ઉતારવાનું સ્થળ) બનાવી દેશે, તો તેઓ બહુ મોટી ભૂલ કરી રહ્યા છે."
ટ્રમ્પે વધુમાં ચેતવણી આપતા કહ્યું કે, "ચીન કેનેડાને બરબાદ કરી નાખશે. તેમના બિઝનેસ, સામાજિક માળખું અને સામાન્ય જીવનશૈલી બધું જ ખતમ થઈ જશે. જો કેનેડા ચીન સાથે ડીલ કરશે, તો અમેરિકામાં પ્રવેશતા કેનેડાના દરેક સામાન અને પ્રોડક્ટ પર તાત્કાલિક અસરથી 100% ટેરિફ લગાવી દેવામાં આવશે."
ટ્રમ્પના આ નિવેદન બાદ અમેરિકા અને કેનેડા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં તણાવ વધવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે કેનેડા આ ધમકી બાદ ચીન સાથેની ડીલ પર આગળ વધે છે કે કેમ.