G20 ટ્રેડ મીટિંગમાં અમેરિકાની નારાજગી: ચીનનું ઓવરપ્રોડક્શન અને કેનેડા સાથેના ટ્રેડ વોર પર તણાવ યથાવત, કોઈ નક્કર ઉકેલ નહીં
G20 Trade Meeting: G20ની મિલ્વૌકીમાં યોજાયેલી વેપાર મંત્રણામાં ઓવરપ્રોડક્શન અને અમેરિકા-કેનેડા ટ્રેડ વોર મુદ્દે કોઈ ઉકેલ ન આવ્યો. જાણો ચીન અને કેનેડા પર અમેરિકા કેમ ગિન્નાયું છે.
અમેરિકાએ પોતાના વેપારી ભાગીદારો પર માંગ કરતા વધારે સામાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. આનાથી બજારમાં કિંમતો ઘટે છે અને સ્પર્ધાનું સંતુલન ખોરવાય છે.
G20 Trade Meeting: G20 દેશોના વેપાર મંત્રીઓની તાજેતરમાં મિલ્વૌકી ખાતે એક મહત્વની બેઠક યોજાઈ ગઈ. જોકે, આ બેઠકમાં બજારોમાં જરૂરિયાત કરતાં વધારે ઉત્પાદન અને સસ્તા સામાનના ભરાવાને રોકવા મુદ્દે કોઈ નક્કર સમજૂતી થઈ શકી નથી. અમેરિકન પ્રશાસનનું સ્પષ્ટ માનવું છે કે આનાથી તેમના સ્થાનિક મેન્યુફેક્ચરર્સને મોટું નુકસાન થઈ રહ્યું છે.
અમેરિકાના વેપાર પ્રતિનિધિ જૈમીસન ગ્રીરે મીટિંગ બાદ મીડિયાને જણાવ્યું કે, "ઓવરપ્રોડક્શનની સમસ્યા પર કોઈ સામાન્ય સહમતિ નથી બની શકી, તેમ છતાં અમારી વાતચીત સકારાત્મક રહી છે." તેમણે ઉમેર્યું કે લગભગ બધા દેશોએ સ્વીકાર્યું છે કે આ એક એવો મુદ્દો છે જેના પર તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. વર્તમાન વેપાર વ્યવસ્થા આ સમસ્યાનો સામનો કરવા માટે પૂરતી નથી.
ચીન અને અન્ય દેશો પર અમેરિકાના ગંભીર આરોપ
અમેરિકાએ પોતાના વેપારી ભાગીદારો પર માંગ કરતા વધારે સામાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. આનાથી બજારમાં કિંમતો ઘટે છે અને સ્પર્ધાનું સંતુલન ખોરવાય છે. ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન માંગ કરતાં વધારે ઉત્પાદન મામલે ચીનને સૌથી મોટું દોષિત માને છે. જોકે, અમેરિકાએ માત્ર ચીન જ નહીં પરંતુ નોર્વેથી લઈને બાંગ્લાદેશ જેવા દેશો સામે પણ તપાસ શરૂ કરી દીધી છે. અમેરિકન પ્રશાસનના જણાવ્યા અનુસાર, ચીનમાં બનતા સ્ટીલ ઉપરાંત ઓટોમોબાઈલ, બેટરી, પેપર અને સેમિકન્ડક્ટર જેવી ઈન્ડસ્ટ્રીમાં ઓવરપ્રોડક્શનની મોટી સમસ્યા ચાલી રહી છે. આ જ કારણસર અમેરિકા પોતાના વૈશ્વિક હરીફો સામે પાછળ પડી રહ્યું છે.
અમેરિકા અને કેનેડા વચ્ચે ભડક્યું ટ્રેડ વોર
G20 મીટિંગમાં અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલા અત્યાર સુધીના સૌથી મોટા ટ્રેડ વોરનો પણ કોઈ ઉકેલ દેખાયો નથી. ઉનાળા પછીથી બંને દેશો વચ્ચે વ્યાપારી તણાવ સતત વધી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આવતા આશરે 20 અબજ ડોલરના સામાન પર 50 ટકા ટેરિફ લગાવી દીધો છે. આના જવાબમાં કેનેડાએ પણ ચૂપ ન બેસતા અમેરિકા પર તાત્કાલિક ટેરિફ લાગુ કરી દીધા છે. આ અઠવાડિયે સ્થિતિ વધુ વણસી જ્યારે ટ્રમ્પે કેનેડાની લગભગ 1 અબજ ડોલરની આયાત પર સીધો પ્રતિબંધ મૂકી દીધો, જેમાં દારૂ, ડેરી પ્રોડક્ટ્સ અને મોટરસાયકલનો સમાવેશ થાય છે. આ મુદ્દે જૈમીસન ગ્રીરે કહ્યું કે, "હકીકત એ છે કે કેટલાક મુદ્દાઓ હજુ પણ પેન્ડિંગ છે, જેનો ઉકેલ લાવવો ઘણો મુશ્કેલ છે." સામે પક્ષે, કેનેડાના વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુએ સહયોગની અપીલ કરતા કહ્યું, "અમે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ, તેવા જ પડકારો તમારી સામે પણ છે. ચાલો એકબીજાની મદદ કરીએ અને સાથે મળીને આનો ઉકેલ લાવીએ."
બંધુઆ મજૂરીના મુદ્દે પણ નિરાશા
આ વેપાર બેઠકમાં બંધુઆ મજૂરીના મુદ્દે પણ કોઈ વાત બની શકી નથી. ગ્રીરે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, "વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ G20 માં એવા પણ કેટલાક દેશો છે જે બંધુઆ મજૂરીથી બનેલા સામાનની આયાત રોકવા માટે પ્રતિબદ્ધ થવા માંગતા નથી. આપણે સૌ જાણીએ છીએ કે બંધુઆ મજૂરી સદંતર ખોટી છે અને તેનાથી બજારની સ્થિતિ બગડશે. અમે અમેરિકન બજારમાં આવું ક્યારેય ચલાવી લઈશું નહીં." એકંદરે, G20 ની આ વેપાર મંત્રણામાં અમેરિકાએ તેના હિતોના રક્ષણ માટે કડક વલણ અપનાવ્યું છે. ઓવરપ્રોડક્શન અને ટ્રેડ વોર જેવા સળગતા પ્રશ્નોના ઉકેલ ન આવતા, આગામી દિવસોમાં વૈશ્વિક વેપાર જગતમાં વધુ ઉથલપાથલ જોવા મળી શકે છે.