સ્ક્રીન વગરનું Google Fitbit Air ભારતમાં લોન્ચ: એકવાર ચાર્જ કરો અને આખું અઠવાડિયું ભૂલી જાવ, જાણો કિંમત અને ફીચર્સ
Google Fitbit Air: Google એ ભારતમાં સ્ક્રીન વગરનું નવું 'Fitbit Air' ફિટનેસ બેન્ડ લોન્ચ કર્યું છે. સિંગલ ચાર્જમાં 7 દિવસની બેટરી અને શાનદાર હેલ્થ ફીચર્સ સાથે જાણો તેની કિંમત અને ઑફર્સ.
ભારતમાં Google Fitbit Air ની શરૂઆતી કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી છે.
Google Fitbit Air: જો તમે રોજ સ્માર્ટવોચ ચાર્જ કરીને કંટાળી ગયા છો, તો ગૂગલ તમારા માટે એક શાનદાર પ્રોડક્ટ લાવ્યું છે. Google એ ભારતમાં પોતાનું નવું અને સ્ક્રીન વગરનું ફિટનેસ બેન્ડ 'Fitbit Air' લોન્ચ કરી દીધું છે. આ બેન્ડને આજથી એટલે કે 2 ઓક્ટોબરથી સેલ માટે ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે. આ ફિટનેસ ટ્રેકરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને એકવાર ફૂલ ચાર્જ કર્યા પછી આખું અઠવાડિયું વાપરી શકાય છે. કંપની આ નવા બેન્ડ પર સારું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. નોંધનીય છે કે, કંપનીએ હાલમાં જ પોતાનું નવું GoogleBook અલ્ટ્રા સ્લિમ લેપટોપ પણ રજૂ કર્યું છે.
કેટલી છે કિંમત અને ક્યાંથી મળશે?
ભારતમાં Google Fitbit Air ની શરૂઆતી કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો પોતાની પસંદગી મુજબ આ ફિટનેસ બેન્ડને ચાર આકર્ષક કલર ઓપ્શનમાં ખરીદી શકે છે - Obsidian, Berry, Lavender અને Fog. તમે આ બેન્ડને કંપનીના સત્તાવાર સ્ટોર ઉપરાંત Flipkart, Croma, Reliance Digital અને Vijay Sales પરથી સરળતાથી ખરીદી શકો છો. ગ્રાહકોને આકર્ષવા માટે કંપની આની ખરીદી પર 1000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ અને 1000 રૂપિયાનું કેશબેક પણ આપી રહી છે. આટલું જ નહીં, આ બેન્ડની સાથે 3 મહિના માટે ગૂગલ હેલ્થ પ્રીમિયમનું સબસ્ક્રિપ્શન બિલકુલ ફ્રી આપવામાં આવી રહ્યું છે.
ડિસ્પ્લે વગરની અનોખી ડિઝાઇન
ગૂગલના આ ફિટનેસ બેન્ડની ડિઝાઇન બજારમાં મળતી સામાન્ય સ્માર્ટવોચ કે અન્ય ફિટનેસ બેન્ડ કરતા સાવ અલગ છે. આમાં કંપનીએ કોઈ જ ડિસ્પ્લે આપી નથી, અને આ જ કારણ છે કે તેની બેટરી આટલી લાંબી ચાલે છે. તેમાં એક કોમ્પેક્ટ સેન્સર મોડ્યુલ આપવામાં આવ્યું છે. તમે ઈચ્છો તો તમારા ડ્રેસિંગ અને મૂડ પ્રમાણે તેના બેન્ડને બદલી પણ શકો છો.
સ્ક્રીન ન હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ઈ-મેલ, ફોન કોલ્સ કે મેસેજના નોટિફિકેશન વારંવાર આવતા નથી, જેથી તમને કોઈ ખલેલ પહોંચતી નથી. આ બેન્ડ સંપૂર્ણપણે ફક્ત તમારા શરીરના સ્વાસ્થ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.
શાનદાર હેલ્થ ફીચર્સ અને બેટરી લાઈફ
કંપનીનો દાવો છે કે આ બેન્ડ વજનમાં એટલું હળવું છે કે પહેર્યા પછી તેનો અહેસાસ પણ થતો નથી, તેથી જ તેનું નામ 'Air' રાખવામાં આવ્યું છે. હેલ્થ ફીચર્સની વાત કરીએ તો તેમાં નીચે મુજબના સેન્સર્સ આપવામાં આવ્યા છે:
* સ્લીપ ટ્રેકિંગ સેન્સર (ઊંઘની ગુણવત્તા માપવા)
* હાર્ટ રેટ અને રેસ્ટિંગ હાર્ટ રેટ મોનિટર
* હાર્ટ રેટ વેરિએબિલિટી (HRV)
* બ્લડ ઓક્સિજન લેવલ (SpO2)
આ ઉપરાંત, જો તમારા હૃદયના ધબકારા અસામાન્ય જણાશે, તો આ બેન્ડ તરત જ તમને નોટિફિકેશન દ્વારા એલર્ટ કરશે. બેટરી બેકઅપની વાત કરીએ તો તેને સિંગલ ચાર્જમાં 7 દિવસ સુધી આરામથી વાપરી શકાય છે. જો તમારી પાસે સમય ન હોય તો માત્ર 5 મિનિટ ચાર્જ કરીને પણ તમે તેનો 24 કલાક સુધી ઉપયોગ કરી શકો છો. આ ડિવાઇસનો ઉપયોગ કરવા માટે તમારે તમારા સ્માર્ટફોનમાં ‘Google Health App' ઈન્સ્ટોલ કરીને તેને પેર કરવાનું રહેશે.