અમેરિકા-ઈરાન યુદ્ધ: તણાવ ચરમસીમાએ! ઈરાનનો અમેરિકન યુદ્ધ જહાજો પર મિસાઈલ હુમલો, અમેરિકાએ 3 ઈરાની ટેન્કરો ઉડાવ્યા | Moneycontrol Gujarati
Get App

અમેરિકા-ઈરાન યુદ્ધ: તણાવ ચરમસીમાએ! ઈરાનનો અમેરિકન યુદ્ધ જહાજો પર મિસાઈલ હુમલો, અમેરિકાએ 3 ઈરાની ટેન્કરો ઉડાવ્યા

US Iran War update: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ ભયાનક બન્યું છે. ઈરાને અમેરિકન યુદ્ધજહાજો પર મિસાઈલ હુમલા કર્યા, તો સામે અમેરિકાએ 3 ઈરાની ઓઈલ ટેન્કરોનો ખાતમો બોલાવ્યો. જાણો લેટેસ્ટ અપડેટ્સ અને પીએમ મોદીની શાંતિ અપીલ વિશે.

અપડેટેડ 11:54:18 AM Sep 06, 2026 પર
Story continues below Advertisement
US Iran War update: અમેરિકા અને ઈરાન વચ્ચે મહાયુદ્ધની આહટ

US Iran War update: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ખૂબ જ ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. ઈરાનની સેના ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) દ્વારા એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. ઈરાને અમેરિકાના એક એરક્રાફ્ટ કરિયર અને એક ડિસ્ટ્રોયર જહાજ પર અનેક બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો છે. આ ભયાનક હુમલાને કારણે તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે દરિયાઈ વિસ્તારોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.

શા માટે ઈરાને કર્યો હુમલો?

અલ જઝીરા અને તસ્નીમ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, IRGC એ જણાવ્યું છે કે તેમણે બે અમેરિકન યુદ્ધ જહાજોને એટલા માટે નિશાન બનાવ્યા કારણ કે તેઓ ઈરાની જહાજોને હેરાન કરી રહ્યા હતા અને દરિયાઈ નાકાબંધીમાં સામેલ હતા. ઈરાની સેનાનો દાવો છે કે તેમના મિસાઈલ હુમલાથી જહાજોને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના ડરથી બંને અમેરિકન યુદ્ધ જહાજો તે વિસ્તાર છોડીને ભાગવા મજબૂર થયા હતા.

અમેરિકાનો જડબાતોડ જવાબ: 3 ઈરાની ઓઈલ ટેન્કરોનો ખાતમો

ઈરાનના હુમલા સામે અમેરિકા ચૂપ બેઠું નથી. અમેરિકન સૈન્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, અમેરિકાએ વળતો પ્રહાર કરતા ઈરાનના 3 ઓઈલ ટેન્કરોને નષ્ટ કરી દીધા છે. રવિવારે સવારે US સેન્ટ્રલ કમાન્ડે એક વિડીયો જાહેર કર્યો હતો. આ વિડીયોમાં અમેરિકન ફાઈટર જેટ્સ ઓમાનના અખાતમાં ઈરાની ટેન્કર KYLO પર બોમ્બમારો કરતા જોવા મળે છે. આ હુમલા બાદ ટેન્કરમાં ભીષણ આગ લાગી અને તેને ભારે નુકસાન થયું હતું. અમેરિકન સેનાએ પુષ્ટિ કરી છે કે જ્યારે ક્રૂ મેમ્બર્સ જહાજ છોડીને જતા રહ્યા ત્યારે કોમોરોસના ઝંડાવાળા M/T કાઉલો (જેને નોક્સન તરીકે પણ ઓળખવામાં આવે છે) જહાજને નષ્ટ કરી દેવાયું. છેલ્લા અનેક દાયકાઓમાં ઈરાનના પેટ્રોલિયમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આ અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કાર્યવાહી માનવામાં આવી રહી છે.


US Iran War update

આમને-સામને ચેતવણીઓનો દોર અને અમેરિકાનો ખુલાસો

અમેરિકાની ચેતવણી: અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરે અગાઉ ચેતવણી આપી હતી કે, "જો તમે અમારા 2 જહાજો પર ગોળી ચલાવશો, તો અમે તમારા 3 જહાજો નષ્ટ કરીશું અને તેની ભારે આર્થિક કિંમત તમારે ચૂકવવી પડશે."

ઈરાનનો વળતો જવાબ: IRGC એ કહ્યું છે કે જો અમેરિકા તેની દુશ્મનાવટ ભરી હરકતો ચાલુ રાખશે, તો તેમને ઈરાની સેના તરફથી હજુ વધુ આકરા જવાબની અપેક્ષા રાખવી જોઈએ. ઈરાને એમ પણ કહ્યું કે તેમણે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા અન્ય 3 ટેન્કરોને પણ નિશાન બનાવ્યા છે જે અમેરિકા સાથે જોડાયેલા હતા. જોકે, અમેરિકન સૈન્યનું કહેવું છે કે તેમનું એરક્રાફ્ટ કરિયર અને ડિસ્ટ્રોયર ઈરાનના હુમલાઓથી બચીને સુરક્ષિત નીકળી ગયા છે. આ સમગ્ર ઘટનાક્રમમાં કોઈ પણ અમેરિકન સૈનિકને ઈજા પહોંચી નથી.

US Iran War update 2

PM મોદીની યુદ્ધ રોકવાની અપીલ

આ ગંભીર યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત પણ સક્રિય થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે મુલાકાત કરી હતી. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી શંઘાઈ સહયોગ સંગઠનની બેઠક દરમિયાન બંને નેતાઓ મળ્યા હતા. પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં યુદ્ધ ખતમ કરવાના તમામ પ્રયાસોને ભારતનું સમર્થન જાહેર કર્યું. તેમણે દરિયાઈ માર્ગે જહાજોની મુક્ત અવરજવર અને નાગરિકોની સુરક્ષા પર ભાર મૂક્યો હતો. ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયને પીએમ મોદીને અપીલ કરી કે ભારત પોતાના વૈશ્વિક સંપર્કો અને પ્રભાવનો ઉપયોગ કરીને તમામ પક્ષોને યુદ્ધ અને લોહી-ખરાબાથી દૂર કરી વાતચીતના ટેબલ પર લાવવામાં મદદ કરે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે તમામ મુદ્દાઓનો ઉકેલ કૂટનીતિ અને વાતચીત દ્વારા જ આવવો જોઈએ. સાથે જ, ભારતે આવનારા સમયમાં ઈરાન સાથે વેપાર વધારવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. પીએમ મોદીએ બ્રિક્સ સમિટ માટે રાષ્ટ્રપતિ પેજેશ્કિયનનું ભારતમાં સ્વાગત કરવા માટેની ઉત્સુકતા પણ દર્શાવી છે.

આ પણ વાંચો- શેરબજાર નિષ્ણાતની ચેતવણી: નવા સપ્તાહમાં નિફ્ટી 23500ની નીચે જઈ શકે છે, પરંતુ આ 2 મજબૂત શેર કરાવશે તગડી કમાણી!

અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ સંઘર્ષ હવે માત્ર બે દેશો પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ આખી દુનિયાના વેપાર અને સમુદ્રી સુરક્ષા માટે ખતરો બની ગયો છે. ભારત જેવા દેશો આ સમસ્યાનો કૂટનીતિક ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા બંને દેશો વચ્ચે તણાવ હજુ વધુ ભડકી શકે તેવી પૂરી શક્યતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ હુમલાઓની ઘેરી અસર વર્તાઈ રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 06, 2026 11:54 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.