US-Iran War: ઈરાન સામે નરમ પડ્યા ટ્રમ્પ? 2 અઠવાડિયાના સીઝફાયરનું કર્યું એલાન, યુદ્ધ ટળતા દુનિયાને મોટી રાહત | Moneycontrol Gujarati
Get App

US-Iran War: ઈરાન સામે નરમ પડ્યા ટ્રમ્પ? 2 અઠવાડિયાના સીઝફાયરનું કર્યું એલાન, યુદ્ધ ટળતા દુનિયાને મોટી રાહત

US-Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં મોટો વળાંક! ડોનાલ્ડ ટ્રમ્પે 2 અઠવાડિયાના સીઝફાયરની કરી જાહેરાત. જાણો શું છે ટ્રમ્પની શરતો અને યુદ્ધ ટળવા પાછળનું કારણ.

અપડેટેડ 08:29:23 AM Apr 08, 2026 પર
Story continues below Advertisement
US-Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં મોટો વળાંક!

US-Iran War: પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા અમેરિકા અને ઈરાન વચ્ચેના ગંભીર સંઘર્ષમાં એક મોટો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 2 અઠવાડિયા માટે યુદ્ધવિરામ (સીઝફાયર)ની જાહેરાત કરી છે. ટ્રમ્પના આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે, ખાસ કરીને ક્રૂડ ઓઈલના ભાવ અને અર્થતંત્રને લઈને મોટી રાહત મળી છે.

શું છે સીઝફાયરની પાછળનું કારણ?

અમેરિકા દ્વારા ઈરાનને મંગળવાર સુધીની ડેડલાઈન આપવામાં આવી હતી. ટ્રમ્પે સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો મંગળવાર સુધી કોઈ સમજૂતી નહીં થાય, તો ઈરાનના પાવર પ્લાન્ટ્સ, પુલ અને અન્ય મહત્વના નાગરિક ઠેકાણાઓને અમેરિકા અને ઈઝરાયેલનો સંયુક્ત હુમલો તબાહ કરી નાખશે. આ ડેડલાઈન પૂરી થવાના માત્ર 2 કલાક પહેલા જ ટ્રમ્પે સીઝફાયરની જાહેરાત કરી હતી. રિપોર્ટ્સ મુજબ, ઈરાન તરફથી 10-સૂત્રીય શાંતિ યોજના રજૂ કરવામાં આવી છે, જેના આધારે આ નિર્ણય લેવાયો છે.

ટ્રમ્પની મોટી ચેતવણી

સીઝફાયર પહેલા ટ્રમ્પના તેવર ખૂબ જ આકરા હતા. તેમણે ‘ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, "જો કોઈ સમજૂતી નહીં થાય તો આજે રાત્રે એક આખી સભ્યતા ભૂંસાઈ જશે જેને ફરી ક્યારેય પાછી લાવી શકાશે નહીં." તેમની આ ધમકી બાદ સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ હતો, પરંતુ આખરે શાંતિનો માર્ગ પસંદ કરવામાં આવ્યો છે.


સીઝફાયરની શરતો અને આગળ શું?

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ સીઝફાયર ત્યારે જ અમલમાં રહેશે જો:

* ઈરાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માર્ગને તાત્કાલિક અને સુરક્ષિત રીતે ખુલ્લો કરે.

* ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે આ સમજૂતીને મંજૂરી આપી દીધી છે.

* બંને દેશોના પ્રતિનિધિઓ શુક્રવારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટો માટે મળશે.

ઈરાનની માગણીઓ અને મૂંઝવણ

ઈરાન માત્ર યુદ્ધવિરામ જ નથી ઈચ્છતું, પરંતુ તે લાંબા ગાળાના બદલાવની માંગ કરી રહ્યું છે. ઈરાનની મુખ્ય માંગણીઓમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખવું, પ્રદેશમાંથી અમેરિકી સેનાની પીછેહઠ, પ્રતિબંધો હટાવવા અને જપ્ત કરાયેલી સંપત્તિ પાછી મેળવવાનો સમાવેશ થાય છે. જોકે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જળમાર્ગ પર ઈરાની સેનાનું જ નિયંત્રણ રહેશે તેમ જણાવીને થોડો સસ્પેન્સ પણ જાળવી રાખ્યો છે.

28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા બાદ શરૂ થયેલું આ યુદ્ધ હાલ તો બે અઠવાડિયા માટે થંભી ગયું છે. હવે આખી દુનિયાની નજર શુક્રવારે ઈસ્લામાબાદમાં યોજાનારી બેઠક પર છે. શું આ વાતચીતથી કાયમી શાંતિ સ્થપાશે કે પછી ફરીથી યુદ્ધના વાદળો ઘેરાશે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો- Market Outlook: શેરબજારમાં સળંગ ચોથા દિવસે શાનદાર તેજી, જાણો 8 એપ્રિલે કેવી રહેશે માર્કેટની ચાલ

MoneyControl News

MoneyControl News

First Published: Apr 08, 2026 8:29 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.