US Strike on Venezuela: માત્ર 30 મિનિટમાં ખેલ ખતમ! અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની કરી ધરપકડ, ટ્રમ્પે કર્યો મોટો ધડાકો | Moneycontrol Gujarati
Get App

US Strike on Venezuela: માત્ર 30 મિનિટમાં ખેલ ખતમ! અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની કરી ધરપકડ, ટ્રમ્પે કર્યો મોટો ધડાકો

US Strike on Venezuela: અમેરિકાએ 150 ફાઈટર જેટ સાથે વેનેઝુએલા પર ભીષણ હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી લીધી છે. જાણો કેવી રીતે અંધારામાં પાર પડાયું 'ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ'.

અપડેટેડ 11:26:51 AM Jan 04, 2026 પર
Story continues below Advertisement
US Strike on Venezuela: અમેરિકાએ 150 ફાઈટર જેટ સાથે વેનેઝુએલા પર ભીષણ હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી લીધી છે.

US Strike on Venezuela: આંતરરાષ્ટ્રીય સ્તરે એક અત્યંત ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ વેનેઝુએલા પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કરીને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની તેમના જ ઘરમાંથી ધરપકડ કરી લીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મિશનને લીલી ઝંડી આપી હતી, જેનું નામ 'ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ' રાખવામાં આવ્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, આ કાર્યવાહીમાં સૈનિકો અને નાગરિકો સહિત કુલ 40 લોકોના મોત થયા છે.

રાત્રે 10:46 વાગ્યે મળ્યો હુમલાનો આદેશ

આ સમગ્ર ઓપરેશન કોઈ હોલીવુડ ફિલ્મની જેમ પાર પાડવામાં આવ્યું હતું. અમેરિકન જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને આ મિશનની વિગતો આપી હતી. ઘટનાક્રમ 2 જાન્યુઆરીની રાત્રે શરૂ થયો હતો. રાત્રે બરાબર 10:46 વાગ્યે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હુમલાનો આદેશ આપ્યો હતો.

આ હુમલો સામાન્ય ન હતો. અમેરિકાએ પોતાના સૌથી ઘાતક હથિયારો મેદાનમાં ઉતાર્યા હતા. આ ઓપરેશનમાં F-22, F-35 ફાઈટર જેટ્સ અને B-1 બોમ્બર્સ સહિત 150થી વધુ વિમાનો અને ખતરનાક ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અંધારાનો લાભ લેવા આખા શહેરની લાઈટ કાપી નાખી


અમેરિકન સેનાએ આ પ્લાન બહુ સમજી વિચારીને બનાવ્યો હતો. હુમલો કરતા પહેલા વેનેઝુએલાની રાજધાની કારાકાસની વીજળી કાપી નાખવામાં આવી હતી. આખા શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો, જેથી અમેરિકન કમાન્ડો અંધારાનો ફાયદો ઉઠાવી શકે અને દુશ્મનને ખબર પણ ન પડે.

માત્ર 30 મિનિટમાં માદુરો ગિરફ્તાર

નિકોલસ માદુરો એક કિલ્લા જેવા મહેલમાં રહેતા હતા, જ્યાં સુરક્ષા વ્યવસ્થા ખુબ કડક હતી. જોકે, અમેરિકન સેનાએ આ રેડ માટે મહિનાઓ સુધી તૈયારી કરી હતી. તેમણે માદુરોનો મહેલ જેવો જ એક 'ડમી મહેલ' બનાવીને પ્રેક્ટિસ કરી હતી.

3 જાન્યુઆરીની વહેલી સવારે 2:01 વાગ્યે અમેરિકન સૈનિકો મહેલમાં ઘૂસ્યા હતા. તેમની સ્પીડ એટલી તેજ હતી કે માત્ર 30 મિનિટની અંદર જ માદુરો અને તેમના પત્ની સીલિયા ફ્લોર્સને પકડી લેવામાં આવ્યા. ત્યારપછી તરત જ તેમને એક યુદ્ધજહાજ મારફતે ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા. હવે તેમના પર નાર્કો-ટેરરિઝમ અને હથિયારોની તસ્કરી જેવા ગંભીર આરોપો હેઠળ કાર્યવાહી થશે.

હવે વેનેઝુએલાનો વહીવટ અમેરિકાના હાથમાં?

આ સફળ ઓપરેશન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, "જ્યાં સુધી વેનેઝુએલામાં સત્તાનું યોગ્ય હસ્તાંતરણ ન થાય, ત્યાં સુધી ત્યાંનું શાસન અમેરિકા સંભાળશે."

નિષ્ણાતોનું માનવું છે કે આ હુમલા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વેનેઝુએલાના વિશાળ તેલ ભંડારો પર કબજો મેળવવાનો છે. ટ્રમ્પે પણ ઈશારો કર્યો છે કે અમેરિકન ઓઈલ કંપનીઓ હવે ત્યાં રોકાણ કરશે. બીજી તરફ, માદુરોની ધરપકડ પહેલા વેનેઝુએલામાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. માદુરોના સમર્થકો આ ઘટનાને અમેરિકા દ્વારા કરાયેલું 'કિડનેપિંગ' ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો- "પેનને દોષ ના આપો, લખનાર જવાબદાર": અશ્લીલ AI કન્ટેન્ટ મુદ્દે ભારત સરકારની નોટિસ પર ઈલોન મસ્કનો વળતો જવાબ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 04, 2026 11:26 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.