'વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ નહીં થવા દઈએ', NDAની મંગલ મિલન બેઠકમાં NEET વિવાદ પર PM મોદીનું મોટું નિવેદન | Moneycontrol Gujarati
Get App

'વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ નહીં થવા દઈએ', NDAની મંગલ મિલન બેઠકમાં NEET વિવાદ પર PM મોદીનું મોટું નિવેદન

દિલ્હીમાં યોજાયેલી NDAની 'મંગલ મિલન' બેઠકમાં PM મોદીએ NEET પેપર લીક મામલે કડક વલણ અપનાવ્યું. 'વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત નહીં થવા દઈએ'. જાણો દોષિતો સામે કડક કાર્યવાહી અને ખેડૂતો માટે શું લેવાયા નિર્ણયો.

અપડેટેડ 12:16:19 PM Jul 21, 2026 પર
Story continues below Advertisement
પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સરકાર NEET પેપર લીકની ચિંતાઓ વચ્ચે સંપૂર્ણપણે "વિદ્યાર્થીઓની સાથે ઊભી છે" અને કોઈ પણ ભોગે તેમના ભવિષ્ય સાથે ખરાબ નહીં થવા દેવાય.

NDAs Mangal Milan meeting: દિલ્હીમાં આજે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના સંસદીય દળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેને 'મંગલ મિલન' નામ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ હાજરી આપી હતી અને દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી NEET પરીક્ષાના મામલે એક મોટું અને સ્પષ્ટ નિવેદન આપ્યું છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ આ બેઠકની માહિતી આપતા જણાવ્યું કે, પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સરકાર NEET પેપર લીકની ચિંતાઓ વચ્ચે સંપૂર્ણપણે "વિદ્યાર્થીઓની સાથે ઊભી છે" અને કોઈ પણ ભોગે તેમના ભવિષ્ય સાથે ખરાબ નહીં થવા દેવાય.

રી-એક્ઝામ અને સરકારની ત્વરિત કાર્યવાહી

બેઠક અંગે વધુ માહિતી આપતા કિરેન રિજિજૂએ કહ્યું કે, વડાપ્રધાને ખાતરી આપી છે કે પેપર લીકના સમાચાર મળતા જ સરકારે તાત્કાલિક એક્શન લીધા હતા. આ કૌભાંડમાં સામેલ 13 લોકોની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે NEET ની ફરીથી પરીક્ષાને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી. આ પરીક્ષા સફળતાપૂર્વક યોજવામાં આવી અને કોઈપણ પ્રકારના વિલંબ વિના તેના પરિણામો પણ જાહેર કરી દેવામાં આવ્યા.

આરોપીઓ સામે દાખલો બેસાડતી સજા થશે

ભવિષ્યમાં આવી પેપર લીકની ઘટનાઓ ન બને તે માટે સરકારે કડક પગલાં લીધા છે. પીએમ મોદીએ બેઠકમાં અપીલ કરી છે કે પેપર લીક રેકેટમાં સંડોવાયેલા આરોપીઓને સજા અપાવવા માટે દેશના સૌથી ટોચના અને દિગ્ગજ વકીલોની મદદ લેવામાં આવે. તેમને એવી કડકમાં કડક સજા મળવી જોઈએ જેથી સમાજમાં એક દાખલો બેસાડી શકાય અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવા ગંભીર ગુનાઓ કરતા પહેલા સો વાર વિચારે.


'પેપર લીક એ રાજકારણનો વિષય નથી'

પીએમ મોદીએ પેપર લીકના મુદ્દાને રાજકારણથી ઉપર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, "આ માત્ર કોઈ એક રાજ્ય કે માત્ર કેન્દ્ર સરકારનો મામલો નથી. જે-જે રાજ્યોમાં પેપર લીક થઈ રહ્યા છે અને જે લોકો આ ગોરખધંધામાં જોડાયેલા છે, તેમને સજા અપાવવા માટે સૌએ એકજૂટ થવું પડશે." તેમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ પક્ષની રાજનીતિનો વિષય નથી, પરંતુ આખા દેશનો અને યુવાનોના ભવિષ્યનો સવાલ છે. યુવાનોના ભવિષ્ય સાથે કોઈ રમત ન થાય તે માટે સૌએ સાથે મળીને કડક કાર્યવાહી કરવી પડશે.

FTA માં ખેડૂતોના હિતો રહેશે સર્વોપરી

'મંગલ મિલન' બેઠકમાં માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ ખેડૂતોના મુદ્દા પર પણ ગહન ચર્ચા થઈ. કિરેન રિજિજૂના જણાવ્યા મુજબ, પીએમ મોદીએ તાજેતરના મહિનાઓમાં અલગ-અલગ દેશો સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વિશે વાત કરી.

વડાપ્રધાને વિશ્વાસ અપાવ્યો છે કે કોઈપણ દેશ સાથે થતા FTA માં ભારતીય ખેડૂતોના હિતોને જ સૌથી પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે. ખેડૂતોને આ કરારોથી કોઈ જ નુકસાન નહીં થાય તેનું પૂરું ધ્યાન રખાશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ સરકાર માટે સૌથી અગત્યનું છે, જેથી આ કરારો દેશ અને ખેડૂતો બંને માટે લાભદાયી સાબિત થાય.

આ પણ વાંચો-દિલ્હી આંદોલનમાં નવો વળાંક: CJP પ્રવક્તાનો દાવો- 'સરકારે વાતચીત માટે બોલાવ્યા', અભિજીત દીપકેએ ભૂખ હડતાળ સમેટી

MoneyControl News

MoneyControl News

First Published: Jul 21, 2026 12:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.