ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઘાત: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે પણ માવઠાની આગાહી, ખેડૂતો ચિંતાતુર
Gujarat Weather Update: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી 12 કલાકમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જાણો કયા વિસ્તારોમાં પડશે વરસાદ અને ક્યારથી ઉઘડશે વાતાવરણ.
Gujarat Weather Update: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો આવ્યો છે.
Gujarat Weather Update: ગુજરાતમાં હાલ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યમાં એક સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. એક તરફ સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. હવામાન વિભાગની તાજેતરની માહિતી મુજબ, રાજ્યનું હવામાન હજુ આગામી 12 કલાક સુધી ડામાડોળ રહેવાની શક્યતા છે. શિયાળાની ઋતુમાં અચાનક આવેલા આ બદલાવને કારણે કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે પણ મેઘરાજા મહેરબાન થઈ શકે છે, જેના કારણે ઠંડીનું જોર પણ વધશે.
કયા વિસ્તારોમાં આજે વરસાદનું જોર રહેશે?
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પર નજર કરીએ તો, આજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. જેમાં મુખ્યત્વે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે જ્યાં કમોસમી વરસાદ પડવાની વકી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ વાતાવરણ પલટાયેલું રહેશે અને વરસાદી છાંટા કે ઝાપટાં પડી શકે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે તેવું અનુમાન છે. જોકે, આ સિવાયના બાકીના જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં અને કેટલો વરસાદ નોંધાયો?
સૌરાષ્ટ્રમાં ગત 31 ડિસેમ્બરની સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ ખાબક્યો હતો. રાજકોટમાં પણ બપોરે 3 વાગ્યા બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને સાંજે 5 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જે સાંજ સુધીમાં અડધો ઈંચ જેટલો નોંધાયો હતો. આ ઉપરાંત ધોરાજી પંથકમાં સાંજે 4 વાગ્યા પછી ગાજવીજ અને પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે જમનાવડ રોડ અને સ્ટેશન રોડ પર પાણી વહેતા થયા હતા. જામનગર શહેરમાં હળવા છાંટા પડ્યા હતા, પરંતુ ગ્રામ્ય વિસ્તારો જેવા કે સમાણા, નારણપુર, દડિયા, લાલપુર અને ખંભાળિયાની આસપાસ ભારે વરસાદ વરસ્યો હતો. ખેડૂતોના અંદાજ મુજબ આ વિસ્તારોમાં 1 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો છે. અમદાવાદમાં પણ 31 ડિસેમ્બરની રાત્રે અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું.
ખેડૂતો પર કુદરતનો બેવડો માર
ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. જૂનાગઢના માળીયા હાટીના પંથકમાં તથા દ્વારકાના કલ્યાણપુર અને જામખંભાળિયામાં પડેલા વરસાદથી રસ્તાઓ ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દિવાળી બાદ થયેલા માવઠાએ પહેલા જ ખરીફ પાકનો સોંથ વાળ્યો હતો, અને હવે જ્યારે ખેડૂતો રવિ પાકની આશા રાખીને બેઠા છે, ત્યારે ફરી કમોસમી વરસાદે રવિ પાક પર જોખમ ઊભું કર્યું છે. ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
ક્યારથી વાતાવરણ ચોખ્ખું થશે?
હવામાન વિભાગે રાહતના સમાચાર પણ આપ્યા છે. આગાહી મુજબ, આગામી શુક્રવારથી વાતાવરણ સામાન્ય થવાની શરૂઆત થશે. 2 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની શક્યતા છે. એટલે કે, આગામી બે-ત્રણ દિવસ બાદ આકાશી આફતમાંથી કામચલાઉ રાહત મળવાની પૂરી શક્યતા છે.