Stock Market Crash: ભારતીય શેરબજારમાં ભારે કડાકો. સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 359 પોઈન્ટ તૂટ્યો. માત્ર એક જ દિવસમાં રોકાણકારોને 5.17 લાખ કરોડનું નુકસાન. જાણો બજારમાં ઘટાડાના 5 મુખ્ય કારણો વિશે.
Stock Market Crash: શેરબજાર માટે સાબિત થયો ‘બ્લેક ફ્રાઈડે'
Stock Market Crash: ભારતીય શેરબજાર માટે શુક્રવારનો દિવસ અત્યંત નિરાશાજનક રહ્યો. સપ્તાહના અંતિમ કારોબારી દિવસે બજારમાં અચાનક આવેલી ભારે વેચવાલીને કારણે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty)માં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1000 થી વધુ પોઈન્ટ તૂટી ગયો હતો, જેના કારણે માત્ર થોડા જ કલાકોમાં શેરબજારના રોકાણકારોના 5.17 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે. આ સળંગ ત્રીજો એવો દિવસ છે જ્યારે બજાર લાલ નિશાનમાં બંધ થયું છે.
આંકડાઓની નજરે બજારની સ્થિતિ
શુક્રવારે બપોર પછી બજારમાં જોરદાર વેચવાલી (Selling) શરૂ થઈ હતી. કારોબારના અંતે BSE સેન્સેક્સ 1092.06 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 74,775.74 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 359.40 પોઈન્ટ ગગડીને 23,547.75 ના લેવલ પર સેટલ થયો હતો.
ગુરુવારે (28 મે) બકરીદની રજા હોવાથી બજાર બંધ હતું. અગાઉ બુધવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4,70,15,345.51 કરોડ રૂપિયા હતું. જે શુક્રવારે માર્કેટ બંધ થવા પર ઘટીને 4,64,97,814.78 કરોડ રૂપિયા થઈ ગયું. એટલે કે રોકાણકારોની સંપત્તિમાં સીધો 5,17,530.73 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
સવારની ખુશી બપોર સુધીમાં ગાયબ
શુક્રવારે સવારે માર્કેટ ખૂબ જ સારા મૂડમાં ખુલ્યું હતું. સેન્સેક્સ અગાઉના ક્લોઝિંગથી 352 પોઈન્ટ ઉછળીને 76,220.02 ની ટોચે પહોંચ્યો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ ખુલતાની સાથે જ 95 પોઈન્ટ વધીને 24,002.80 ના લેવલ પર ગયો હતો. ગ્લોબલ માર્કેટના સારા સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે શરૂઆતમાં બજારને સારો સપોર્ટ મળ્યો હતો. પરંતુ બપોર પછી ટ્રેન્ડ બદલાયો અને છેલ્લા એક કલાકમાં ભારે પેનિક સેલિંગ જોવા મળ્યું. સેન્સેક્સ ગગડીને 74,589.11 અને નિફ્ટી 23,484.75 ના લો (Low) લેવલ સુધી જતો રહ્યો હતો.
બજારમાં કડાકા પાછળના 5 મુખ્ય કારણો:
શેરબજારમાં આવેલા આ ભૂકંપ પાછળ મુખ્યત્વે નીચે મુજબના કારણો જવાબદાર છે:
1) અમેરિકા-ઈરાન ટેન્શન: ભૌગોલિક રાજકીય મોરચે તણાવ યથાવત છે. અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામ અંગેની ડીલ હજુ ફાઈનલ થઈ નથી. જો આ સમજૂતી ન થાય અને હોર્મુઝ સ્ટ્રેટ નામનો મહત્વનો દરિયાઈ માર્ગ ન ખુલે, તો ક્રૂડ ઓઈલના ભાવ વધવાની અને વૈશ્વિક મોંઘવારી વધવાની દહેશત છે.
2) પ્રોફિટ બુકિંગ (નફાવસૂલી): છેલ્લા કેટલાક દિવસોથી બજાર ઊંચા લેવલ પર ટ્રેડ કરી રહ્યું હતું. આથી બે દિવસની સારી તેજી બાદ રોકાણકારોએ ઉંચા મથાળે નફો બુક કરવાનું શરૂ કર્યું, જેનાથી બજાર પર ભારે દબાણ આવ્યું.
FIIની સતત વેચવાલી: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ભારતીય બજારમાંથી સતત પૈસા ખેંચી રહ્યા છે. આંકડા મુજબ, અગાઉના ટ્રેડિંગ સેશનમાં તેમણે 1,042.70 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
3) ચોમાસા અંગે ચિંતા: હવામાન વિભાગ (IMD) તરફથી એવા સંકેત મળ્યા છે કે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. આ સમાચારે પણ બજારનું સેન્ટિમેન્ટ બગાડ્યું છે.
4) MSCI રિબેલેન્સિંગ: ઈન્ડેક્સ પ્રોવાઈડર MSCI ના મે મહિનાના ફેરફારો લાગુ થઈ ગયા છે. IIFL કેપિટલના રિપોર્ટ મુજબ, તાજેતરના રિબેલેન્સિંગ પછી MSCI EM ઈન્ડેક્સમાં ભારતનું વેઈટેજ ઘટીને 11.2% પર આવી જવાનો અંદાજ છે. આ ફેરફારમાં Federal Bank, MCX જેવી કંપનીઓ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં સામેલ થઈ છે, જ્યારે Hyundai Motor India, RVNL જેવા શેર બહાર થયા છે.
ગ્લોબલ માર્કેટની સ્થિતિ
અન્ય એશિયન બજારોની વાત કરીએ તો ત્યાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કેઈ 225 અને તાઈવાન વેઈટેડ 2% થી વધુ વધ્યા હતા. કોસ્પી (KOSPI) માં 3% થી વધુનો ઉછાળો હતો અને હેંગસેંગ 0.7% પ્લસ હતો. જોકે, શંઘાઈ અને જકાર્તા કમ્પોઝિટ લાલ નિશાનમાં રહ્યા હતા. બીજી તરફ, અમેરિકન અને યુરોપિયન બજારો પણ તેજી સાથે કારોબાર કરી રહ્યા હતા.
ગ્લોબલ માર્કેટમાં ભલે તેજીનો માહોલ હોય, પરંતુ સ્થાનિક કારણો, વિદેશી રોકાણકારોની વેચવાલી અને ભૌગોલિક અનિશ્ચિતતાએ ભારતીય શેરબજારને મોટો ઝટકો આપ્યો છે. હાલના તબક્કે રોકાણકારોએ બજારમાં કોઈ પણ નવી પોઝિશન બનાવતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.
Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.