દિગ્ગજ બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગનએ ચેતવણી આપી છે કે જો આ યુદ્ધ 3 અઠવાડિયાથી વધુ ચાલશે, તો ખાડી દેશો સ્ટોરેજ ફૂલ થયા બાદ ક્રૂડનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી શકે છે.
Crude Oil Impact : કાચા તેલની કિંમતોમાં અચાનક આવેલા જંગી ઉછાળાએ ભારતીય શેરબજારમાં હાહાકાર મચાવી દીધો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડના ભાવમાં 25 ટકાના સીધા ઉછાળાને કારણે શેરબજારમાં રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહા થઈ ગયા છે. આવો જાણીએ આજના માર્કેટ ક્રેશ અને ક્રૂડ ઓઈલની સ્થિતિ અંગેની સંપૂર્ણ માહિતી.
સેન્સેક્સ અને નિફ્ટી કડડભૂસ
બજારમાં આવેલી વેચવાલીની સુનામીમાં નિફ્ટી લગભગ 700 પોઈન્ટ તૂટીને 23800 ની નીચે સરકી ગયો છે. સેન્સેક્સ અને બેન્ક નિફ્ટીમાં પણ 2200 પોઈન્ટથી વધુનો મોટો કડાકો બોલી ગયો છે. આ પડતીમાં મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ 3 ટકાથી વધુ ગગડ્યા છે. બજારમાં ડરનો માહોલ બતાવતો ઇન્ડેક્સ INDIA VIX 21 ટકા ઉછળીને 21 મહિનાની ટોચે પહોંચી ગયો છે.
ઓટો અને ફર્ટિલાઈઝર શેરોમાં ભારે નુકસાન
ક્રૂડના ભાવ વધતાં ખાસ કરીને ઓટો અને ફર્ટિલાઈઝર શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી છે:
ઓટો શેર્સ: ટાટા મોટર્સ પેસેન્જર, ઊનો મિન્ડા અને સંવર્ધન મધરસન 5 ટકાથી વધુ તૂટ્યા છે. મારુતિ, અશોક લેલેન્ડ અને TVS પણ 3 થી 4 ટકા ઘટ્યા છે.
ફર્ટિલાઈઝર શેર્સ: GNFC, દીપક ફર્ટિલાઈઝર્સ અને GSFC ના શેરમાં 5 ટકાથી મોટું ગાબડું પડ્યું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે સળંગ 10માં દિવસે પણ જંગ ચાલુ છે. ઈરાનના Alborz માં આવેલી ઓઈલ રિફાઈનરી પર હુમલો થતાં ત્યાં ભીષણ આગ લાગી છે. દુનિયાના સૌથી મોટા ઓઈલ રૂટ પૈકીના એક 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) માંથી ક્રૂડનો સપ્લાય બંધ થઈ ગયો છે. બીજી તરફ UAE અને કુવૈતે પણ ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે.
પરિણામે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 120 ડોલરની નજીક પહોંચી ગયો છે. આ 1990 ના ખાડી યુદ્ધ પછીનો સૌથી મોટો ઉછાળો છે. છેલ્લા 3 મહિનામાં ક્રૂડના ભાવ બમણા થઈ ગયા છે (91% નો વધારો). માત્ર 1 અઠવાડિયામાં 40%, 1 મહિનામાં 60% અને આ વર્ષે અત્યાર સુધીમાં 80% નો ઉછાળો નોંધાયો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી રોજના 2 કરોડ બેરલ સપ્લાયની અછત ઊભી થઈ છે, જે ઇતિહાસનો સૌથી મોટો સપ્લાય શૉક છે.
જેપી મોર્ગનની મોટી ચેતવણી
દિગ્ગજ બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગન (JP Morgan) એ ચેતવણી આપી છે કે જો આ યુદ્ધ 3 અઠવાડિયાથી વધુ ચાલશે, તો ખાડી દેશો સ્ટોરેજ ફૂલ થયા બાદ ક્રૂડનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી શકે છે. આવતા અઠવાડિયા સુધીમાં જ ક્રૂડના ઉત્પાદનમાં 4 MBPD થી વધુનો કાપ મૂકવામાં આવી શકે તેવી શક્યતા છે.
કયા શેરોને ફાયદો અને ક્યાં નુકસાન?
આમને થશે ફાયદો: ONGC, OIL India, Reliance, Vedanta અને HOEC જેવી ઓઈલ કંપનીઓને મોંઘા ક્રૂડનો સીધો ફાયદો થશે.
આમને થશે નુકસાન: OMCs (HPCL, BPCL, IOC), પેઇન્ટ કંપનીઓ (Asian Paints, Berger Paints), એવિએશન સેક્ટર (Indigo, SpiceJet) અને ટાયર કંપનીઓ (Balkrishna Ind, Apollo Tyres) ના માર્જિન પર મોંઘા ક્રૂડને કારણે મોટો ફટકો પડશે.
ભારતની અર્થવ્યવસ્થા પર કેવી પડશે અસર?
ભારત પોતાની જરૂરિયાતના 80 ટકા ક્રૂડ ઓઈલ અને 80 થી 85 ટકા LPG આયાત કરે છે. 2025 માં દેશમાં લગભગ 2.5 કરોડ ટન LNG ઈમ્પોર્ટ થયું હતું.
ક્રૂડ મોંઘુ થવાથી દેશનું ઈમ્પોર્ટ બિલ રેકોર્ડ બ્રેક વધશે, જેના કારણે ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચલી સપાટીએ જઈ રહ્યો છે. કાચો માલ મોંઘો થતાં કંપનીઓના નફા પર દબાણ આવશે અને દેશમાં મોંઘવારીનો ગ્રાફ ફરી ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જો મોંઘવારી વધશે તો રિઝર્વ બેંક (RBI) દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની આશા ધૂંધળી થઈ જશે, જે આખરે ભારતની આર્થિક ગ્રોથને ધીમી પાડી શકે છે. અર્થતંત્ર અને બજાર માટે આવનારા દિવસો ખૂબ જ સાવચેતીભર્યા રહેશે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી બ્રોકરેજ ફર્મના રિપોર્ટ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા, કૃપા કરીને સર્ટિફાઇડ નિષ્ણાત અથવા તમારા નાણાકીય સલાહકારની મદદ લો. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.