આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ એ છે કે બજારના એક્સપર્ટ્સને કંપની પાસેથી વધુ અપેક્ષા હતી. તેની હરીફ કંપની ટાઇટનની સરખામણીમાં કલ્યાણ જ્વેલર્સનો ગ્રોથ બજારને ધીમો લાગ્યો છે.
Kalyan Jewellers stock: શેર બજારમાં 7 જુલાઈના રોજ શરૂઆતના ટ્રેડિંગમાં જ જાણીતી જ્વેલરી બ્રાન્ડ કલ્યાણ જ્વેલર્સના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. કંપનીએ જૂન ક્વાર્ટરના બિઝનેસ અપડેટ્સ જાહેર કર્યા છે, જેમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે. આમ છતાં બજારની અપેક્ષાઓ પર ખરા ન ઉતરવાના કારણે રોકાણકારો નિરાશ થયા છે અને શેરમાં મોટો કડાકો બોલી ગયો છે.
શેરની આજની સ્થિતિ અને ઘટાડાનું કારણ
શરૂઆતના કારોબારમાં કલ્યાણ જ્વેલર્સનો શેર 7.8 ટકા જેટલો તૂટીને 351.55 રૂપિયાના સ્તર પર આવી ગયો હતો. જોકે, થોડા સમય પછી શેરમાં સામાન્ય રિકવરી જોવા મળી હતી અને સવારે 11:30 વાગ્યાની આસપાસ આ શેર 5.91 ટકાના ઘટાડા સાથે 357 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ એ છે કે બજારના એક્સપર્ટ્સને કંપની પાસેથી વધુ અપેક્ષા હતી. તેની હરીફ કંપની ટાઇટન (Titan) ની સરખામણીમાં કલ્યાણ જ્વેલર્સનો ગ્રોથ બજારને ધીમો લાગ્યો છે. નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં કલ્યાણ જ્વેલર્સનો શેર 39 ટકાથી વધુ ગગડી ચૂક્યો છે.
જૂન ક્વાર્ટરમાં કેવું રહ્યું કંપનીનું પ્રદર્શન?
ભલે શેરમાં ઘટાડો થયો હોય, પરંતુ કંપનીના આંકડા પોઝિટિવ રહ્યા છે.
ભારતમાં ધૂમ કમાણી: ભારતીય બજારમાં કંપનીની રેવન્યુ વાર્ષિક ધોરણે 38 ટકા જેટલી વધી છે.
સેમ-સ્ટોર સેલ્સ: કંપનીના સેમ-સ્ટોર સેલ્સ ગ્રોથમાં 28 ટકાનો વધારો નોંધાયો છે.
વિદેશી બજારમાં પણ ડંકો: આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં કંપનીની રેવન્યુ 35 ટકા વધી છે, જેમાં પશ્ચિમ એશિયાના માર્કેટનો 30 ટકા ગ્રોથ સાથે મોટો ફાળો રહ્યો છે.કુલ આવકમાં ઇન્ટરનેશનલ બિઝનેસનો હિસ્સો હવે 14 ટકા સુધી પહોંચી ગયો છે.કંપનીના ડિજિટલ પ્લેટફોર્મ Candereનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે.
સ્ટોર નેટવર્ક વધારવા પર ભાર
કંપની પોતાના બિઝનેસનો સતત વિસ્તાર કરી રહી છે. જૂન ક્વાર્ટરમાં કલ્યાણ જ્વેલર્સે નવા 12 શોરૂમ અને 5 Candere સ્ટોર્સ ખોલ્યા છે. આ સાથે 30 જૂન સુધીમાં કંપનીનું કુલ નેટવર્ક વધીને 524 સ્ટોર્સનું થઈ ગયું છે. મેનેજમેન્ટનું કહેવું છે કે આગામી સમયમાં તહેવારો અને લગ્નસરાની સિઝન આવતી હોવાથી જ્વેલરીની ડિમાન્ડ મજબૂત રહેવાની પૂરી આશા છે.
શેરબજારમાં ઓવરઓલ તેજીનો માહોલ
એક તરફ કલ્યાણ જ્વેલર્સનો શેર તૂટ્યો છે, તો બીજી તરફ ભારતીય શેરબજારમાં ઓવરઓલ તેજીનો માહોલ છે. 7 જુલાઈએ સતત પાંચમા દિવસે બજાર ગ્રીન ઝોનમાં જોવા મળ્યું હતું.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.