FII Selling: શેરબજારમાં વિદેશી રોકાણકારોએ કરી 2 લાખ કરોડની ભારે વેચવાલી, પણ આ 4 સેક્ટરમાં કર્યો પૈસાનો વરસાદ!
FII Selling: ભારતીય શેરબજારમાં એપ્રિલ મહિનામાં વિદેશી રોકાણકારોએ (FIIs) બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટરમાંથી મોટાપાયે નાણાં પાછા ખેંચ્યા છે. જોકે, પાવર અને કેપિટલ ગુડ્સ જેવા સેક્ટર્સ પર તેમનો ભરોસો અકબંધ છે. જાણો શું છે આ વેચવાલીનું કારણ.
FII Selling: ભારતીય શેરબજારમાં એપ્રિલ મહિનામાં વિદેશી રોકાણકારોએ (FIIs) બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટરમાંથી મોટાપાયે નાણાં પાછા ખેંચ્યા છે.
Indian Share Market News: ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs) દ્વારા વેચવાલીનો સિલસિલો યથાવત છે. એપ્રિલ 2026ના બીજા પખવાડિયામાં (16 થી 30 એપ્રિલ દરમિયાન) વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી મોટાપાયે નાણાં પાછા ખેંચ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, વર્ષ 2026માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી કુલ 2 લાખ કરોડની નિકાસ કરી ચૂક્યા છે. જોકે, આ ચોંકાવનારી વેચવાલી વચ્ચે પણ કેટલાક એવા સેક્ટર્સ છે જેમાં રોકાણકારોએ દિલ ખોલીને રોકાણ કર્યું છે.
બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટર પર સૌથી વધુ દબાણ
બજારમાં સૌથી વધુ વેચવાલી ફાઈનાન્સિયલ અને બેન્કિંગ શેરોમાં જોવા મળી છે. માત્ર એપ્રિલના છેલ્લા 15 દિવસમાં જ FIIs એ આ સેક્ટરમાંથી 11,700 કરોડથી વધુના શેર વેચી દીધા છે. આ વેચવાલી પાછળનું મુખ્ય કારણ ‘માર્ક-ટુ-માર્કેટ' (MTM) નુકસાનનો ડર હોવાનું મનાય છે.
માર્ચ અને એપ્રિલ દરમિયાન સરકારી બોન્ડ યીલ્ડ 7% ની ઉપર રહેતા બેંકોના સરકારી સિક્યોરિટીઝ પોર્ટફોલિયો પર નુકસાનની શક્યતા વધી ગઈ છે. આ સિવાય, ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રૂપિયાને ગગડતો બચાવવા માટે કરન્સી માર્કેટમાં જે દરમિયાનગીરી કરવામાં આવી રહી છે, તેનાથી માર્કેટમાં લિક્વિડિટી (રોકડ પ્રવાહ) ઘટી છે અને સ્થિતિ કડક બની છે.
કયા સેક્ટરમાંથી કેટલા પૈસા પાછા ખેંચાયા?
બેન્કિંગ સિવાય પણ અનેક મહત્વના ક્ષેત્રોમાં વિદેશી રોકાણકારોએ વેચવાલી કરી છે:
* તેલ અને ગેસ: 3,351 કરોડની વેચવાલી.
* IT સેક્ટર: 2,887 કરોડ પાછા ખેંચ્યા.
* હેલ્થકેર: 2,445 કરોડના શેર વેચ્યા.
* કન્ઝ્યુમર સર્વિસીસ: 2,434 કરોડની નિકાસ.
* ટેલિકોમ અને ઓટો: ટેલિકોમમાંથી 1,908 કરોડ અને ઓટો સેક્ટરમાંથી 1,775 કરોડ કાઢવામાં આવ્યા.
આ સેક્ટર્સ પર રોકાણકારોએ જતાવ્યો ભરોસો
ભારે વેચવાલીના માહોલ વચ્ચે પણ કેટલાક સેક્ટરમાં નવું રોકાણ (Fresh Money) આવ્યું છે:
* પાવર (Power): આ સેક્ટરમાં સૌથી વધુ 4,956 કરોડનું રોકાણ આવ્યું.
* કેપિટલ ગુડ્સ (Capital Goods): અહીં 4,667 કરોડની ખરીદી નોંધાઈ.
નિષ્ણાતોના મતે FIIs ની આ વેચવાલી પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે:
1) ભૌગોલિક રાજકીય તણાવ: અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાનો માહોલ છે.
2) ક્રૂડ ઓઈલના વધતા ભાવ: કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી જતાં મોંઘવારી અને રાજકોષીય ખાધ વધવાનો ડર સતાવી રહ્યો છે.
3) AI તકોનો અભાવ: ભારત પાસે અત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે મોટા રોકાણની મર્યાદિત તકો છે, જેના કારણે રોકાણકારો અન્ય વિકલ્પો તરફ વળી રહ્યા છે.
ભારતીય બજારમાં અત્યારે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એકતરફ બેન્કિંગ અને IT જેવા હેવીવેઈટ સેક્ટરમાંથી પૈસા નીકળી રહ્યા છે, તો બીજી તરફ પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. રોકાણકારોએ અત્યારે સાવચેતીપૂર્વક સેક્ટરની પસંદગી કરવી જરૂરી છે.
Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.