સ્વિગી ઇન્સ્ટામાર્ટ દ્વારા એક્સપાયર અને સડેલું ફૂડ વેચવા મામલે FSSAI એ 9 નોટિસ ફટકારી છે. આ મોટા એક્શનના સમાચાર આવતા જ સ્વિગીનો શેર 2.6% તૂટ્યો. જાણો પૂરો મામલો.
શનિવારે FSSAI ની નોટિસના સમાચાર બજારમાં આવતા જ, 13 જુલાઈના રોજ સ્વિગીના શેરમાં 2.6 ટકાનો મોટો કડાકો જોવા મળ્યો. BSE પર કંપનીનો શેર ગગડીને 266 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
Swiggy Instamart: ઓનલાઇન ફૂડ અને ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી હાલમાં મોટી મુશ્કેલીમાં મુકાયું છે. ગ્રાહકોને ખરાબ ગુણવત્તાવાળો ખોરાક પહોંચાડવાના ગંભીર આરોપો બાદ, સરકારી એજન્સી FSSAI એ સ્વિગીના ક્વિક કોમર્સ પ્લેટફોર્મ 'ઇન્સ્ટામાર્ટ' સામે કડક કાર્યવાહી કરી છે. આ નકારાત્મક સમાચારની સીધી અસર શેરબજારમાં જોવા મળી, જ્યાં સ્વિગીના રોકાણકારોને મોટું નુકસાન વેઠવું પડ્યું.
શેરબજારમાં સ્વિગીનો રકાસ
શનિવારે FSSAI ની નોટિસના સમાચાર બજારમાં આવતા જ, 13 જુલાઈના રોજ સ્વિગીના શેરમાં 2.6 ટકાનો મોટો કડાકો જોવા મળ્યો. BSE પર કંપનીનો શેર ગગડીને 266 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આ ભારે વેચવાલીને કારણે સ્વિગીનું માર્કેટ કેપ ઘટીને 74000 કરોડ રૂપિયા થઈ ગયું છે.
FSSAI એ કેમ ફટકારી 9 નોટિસ?
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ કાર્યવાહીની સત્તાવાર જાણકારી આપી. FSS એક્ટ 2006 ના નિયમોના ઉલ્લંઘન બદલ ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ આપવામાં આવી છે. ગ્રાહકોની ફરિયાદો હતી કે સ્વિગી ઇન્સ્ટામાર્ટ પરથી એક્સપાયર થયેલું, સડેલું, દૂષિત અને સ્વાસ્થ્ય માટે હાનિકારક ફૂડ સપ્લાય કરવામાં આવી રહ્યું છે.
ગ્રાહકોની ચોંકાવનારી ફરિયાદો
FSSAI દ્વારા જણાવવામાં આવેલી વિગતો ખૂબ જ ગંભીર છે. સ્વિગીની બેદરકારીના કેટલાક કિસ્સા નીચે મુજબ છે.
બાળકોના ખોરાકમાં બેદરકારી: એક શિશુ આહાર (Infant Food) ખૂબ જ ખરાબ અને અસુરક્ષિત હાલતમાં મળ્યો. ચોંકાવનારી વાત એ છે કે, ગ્રાહકે આ પ્રોડક્ટ રિટર્ન કરી હોવા છતાં, કંપનીએ ફરીથી તે જ ખરાબ પ્રોડક્ટની ડિલિવરી કરી દીધી.
એક્સપાયરી ડેટ પછી વેચાણ: 'Healthify 100% Whey Protein (1 kg)' અને 'Noice હોમસ્ટાઇલ મદ્રાસ મિક્સચર વિથ પીનટ્સ' જેવી પ્રોડક્ટ્સ તેમની એક્સપાયરી ડેટ વીતી ગયા પછી વેચવામાં આવી રહી હતી.
સડેલા ઈંડા અને પરાઠા: ગ્રાહકોને 'Akshayakalpa Organic Egg' સડેલા અને ભારે દુર્ગંધ મારતા મળ્યા. આવી જ રીતે 'કાકે દા પરાઠા' પણ ખરાબ અને વાસ મારતા હોવાની ફરિયાદ ઉઠી.
ખોટા લાયસન્સ નંબર: FSSAI ના ધ્યાનમાં આવ્યું કે પ્લેટફોર્મ પર એવા ફૂડ લાયસન્સ નંબર મૂકાયા છે જે અસ્તિત્વમાં જ નથી.
FSSAI has issued 9 notices to Swiggy Instamart following multiple consumer complaints alleging violations under the FSS Act 2006. The FBO has been directed to submit a detailed explanation & compliance report failing which appropriate legal action will be initiated #FSSAINoticepic.twitter.com/wxejz38L7T
રેગ્યુલેટરે પ્લેટફોર્મ પાસે આ તમામ ફરિયાદો પર વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. જો યોગ્ય ખુલાસો નહીં થાય તો કાયદાકીય કાર્યવાહીની ચીમકી અપાઈ છે. આ મામલે સ્વિગી ઇન્સ્ટામાર્ટના પ્રવક્તાએ જણાવ્યું છે કે કંપની FSSAI ની નોટિસનો ઝીણવટભર્યો અભ્યાસ કરી રહી છે અને સમસ્યાના ઉકેલ માટે સરકારી અધિકારીઓના સતત સંપર્કમાં છે.
'ટોઇંગ' પ્લેટફોર્મનો મામલો પણ ઉકેલાયો
આ ઘટનાઓ વચ્ચે સ્વિગીએ 10 જુલાઈએ એક અન્ય સ્પષ્ટતા પણ કરી હતી. કંપનીએ જણાવ્યું કે, 'ટોઇંગ' પ્લેટફોર્મને લઈને FSSAI નો જે પ્રતિબંધનો આદેશ હતો, તે માત્ર લાયસન્સ અપડેટ કરવા પૂરતો સીમિત હતો. તેનો ફૂડ સેફ્ટી સાથે કોઈ સંબંધ ન હતો. 6 જુલાઈ 2026 ના રોજ અધિકારીઓએ લાયસન્સ અંગે સ્પષ્ટતા માંગી હતી, જેનું નિરાકરણ લાવીને કંપનીએ 9 જુલાઈ 2026 ના રોજ નવું અને સુધારેલું FSSAI લાયસન્સ મેળવી લીધું છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.