Market outlook :શેરબજારમાં સેન્સેક્સ 1690 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી 22850ની નીચે સરક્યો.
Market outlook : ભારતીય શેરબજારમાં 27 માર્ચે રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. સળંગ બે દિવસની તેજી બાદ બજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો અને માર્કેટ લાલ નિશાનમાં બંધ થયું હતું. આ ભારે ઘટાડાને કારણે રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે, ત્યારે સૌની નજર 30 માર્ચના બજાર પર ટકેલી છે.
બજાર બંધ થવા સમયે સેન્સેક્સ 1690.23 પોઈન્ટ (2.25 ટકા) ના જંગી ઘટાડા સાથે 73583.22 ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ 486.85 પોઈન્ટ (2.09 ટકા) તૂટીને 22819.60 ની સપાટીએ આવી ગયો હતો. નિફ્ટી 22850 ના મહત્વના સ્તરની નીચે સરકી જવો એ બજાર માટે નબળાઈનો સંકેત છે. બજારની આ ખરાબ સ્થિતિમાં માત્ર 765 શેરોમાં જ તેજી જોવા મળી હતી, જ્યારે 3420 શેરો લાલ નિશાનમાં અને 123 શેરોમાં કોઈ ફેરફાર નોંધાયો ન હતો.
તમામ સેક્ટર્સમાં જોવા મળી ભારે વેચવાલી
બજારમાં એવો માહોલ હતો કે તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાન સાથે જ બંધ થયા હતા. ખાસ કરીને PSU બેન્ક અને રિયલ્ટી સેક્ટરમાં રોકાણકારોએ સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ બંને સેક્ટરમાં 3 ટકાથી વધુનો તોતિંગ ઘટાડો નોંધાયો હતો. આ સિવાય ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ અને પ્રાઇવેટ બેન્કોના શેરોમાં પણ 2 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં પણ ભારે નબળાઈ જોવા મળી હતી, જેમાં નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 2.2 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.7 ટકા ગગડ્યો હતો.
નિફ્ટીના ટોપ લુઝર્સ અને ગેઇનર્સ
સૌથી વધુ નુકસાન કરનારા શેરો (Top Losers): શ્રીરામ ફાઇનાન્સ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ ફાઇનાન્સ.
નફામાં રહેલા શેરો (Top Gainers): ONGC, TCS, વિપ્રો, ભારતી એરટેલ અને કોલ ઇન્ડિયા જેવા ચુનંદા શેરોમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો.
નિફ્ટી માટે આગામી સમયનો ટ્રેન્ડ અને નિષ્ણાતોનો મત
માર્કેટ એક્સપર્ટ્સ માની રહ્યા છે કે હાલની અનિશ્ચિતતાઓને જોતા બજારમાં સાવચેતી રાખવી જરૂરી છે.
રૂપક ડે (LKP સિક્યોરિટીઝ): તેમના જણાવ્યા અનુસાર, રૂપિયામાં નબળાઈ, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને વિદેશી રોકાણકારો (FII) દ્વારા સતત થતી વેચવાલીને કારણે બજારમાં મંદીનો માહોલ છવાયો છે. નિફ્ટી તેના 21-કલાકના EMAની નીચે ટ્રેડ કરી રહ્યો છે, જે શોર્ટ ટર્મમાં મંદીનો જ સંકેત આપે છે. જો બજાર 23500 ની આસપાસ ઉછાળો મારે, તો ત્યાં વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. જો 22800 નું લેવલ તૂટશે તો બજાર વધુ નીચે જઈ શકે છે. તેથી હાલમાં ઉછાળે વેચવાલી (Sell on rise) ની રણનીતિ જ કામ કરશે.
અજિત મિશ્રા (રેલિગેર બ્રોકિંગ): તેઓ માને છે કે નિફ્ટી ઓવરસોલ્ડ ઝોનમાં હોવા છતાં વેચવાલીનું દબાણ યથાવત છે. હાલમાં 22500 નું લેવલ એક મહત્વનો સપોર્ટ છે. જો આ સ્તર તૂટશે તો નિફ્ટી 22000 સુધી સરકી શકે છે. બીજી તરફ જો કોઈ રિકવરી આવે તો 23000 થી 23500 નો ઝોન મજબૂત રેઝિસ્ટન્સ (અવરોધ) તરીકે કામ કરશે.
નાગરાજ શેટ્ટી (HDFC સિક્યોરિટીઝ): શુક્રવારના ભારે ઘટાડા બાદ ડેઇલી ચાર્ટ પર એક લાંબી બેર કેન્ડલ (Bear Candle) બની છે. આ ઉપરાંત ચાર્ટ પર 23465 ના સ્તરે એક નવો લોઅર ટોપ રિવર્સલ પેટર્ન જોવા મળ્યો છે. આવનારા સમયમાં નિફ્ટી 22450 ના સ્તર સુધી જઈ શકે છે. બજાર માટે પોઝિશનલ સપોર્ટ 22000 પર અને તાત્કાલિક રેઝિસ્ટન્સ 23200 પર રહેલો છે.
બેન્ક નિફ્ટી આઉટલૂક: શું છે નિષ્ણાતોની સલાહ?
એલકેપી સિક્યોરિટીઝના ટેકનિકલ એનાલિસ્ટ વત્સલ ભુવા જણાવે છે કે બેન્ક નિફ્ટીએ ડેઇલી ચાર્ટ પર એક મજબૂત બેરિશ કેન્ડલસ્ટિક સાથે બંધ આપ્યું છે, જે દર્શાવે છે કે વેચવાલીનું દબાણ હજુ ચાલુ છે. ચાર્ટ પર લોઅર હાઈ અને લોઅર લો ની પેટર્ન જોવા મળી રહી છે, જ્યારે RSI પર બેરિશ ટ્રેન્ડ યથાવત રહેવાના સંકેતો છે. બેન્ક નિફ્ટીમાં પણ રોકાણકારોએ નજીકના ભવિષ્યમાં ઉછાળે વેચવાલી (Sell on rise) નો જ અભિગમ અપનાવવો જોઈએ. આ માટે 51500 નું લેવલ મુખ્ય સપોર્ટ રહેશે, જ્યારે 53000થી 53200ની રેન્જ એક મજબૂત અવરોધ સાબિત થશે, જે કોઈ પણ શોર્ટ ટર્મ રિકવરીને અટકાવી શકે છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી અને બજારના મંતવ્યો નિષ્ણાતોના પોતાના અંગત છે. તેના માટે મનીકંટ્રોલ વેબસાઈટ કે મેનેજમેન્ટ જવાબદાર નથી. યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા સર્ટિફાઇડ એક્સપર્ટ કે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસથી લેવી.