મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો સાવચેત: મે મહિનામાં ઇક્વિટી રોકાણ 40% ઘટ્યું, પણ SIP પર ભરોસો અકબંધ
પશ્ચિમ એશિયાના સંકટને કારણે શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે મે મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી રોકાણમાં 40% નો મોટો ઘટાડો નોંધાયો છે, જોકે રોકાણકારોનો SIP પર વિશ્વાસ યથાવત છે. જાણો લેટેસ્ટ AMFI ડેટા.
AMFI ના લેટેસ્ટ ડેટા અનુસાર, જાન્યુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો કુલ આંકડો 24,013 કરોડ રૂપિયા હતો.
Mutual Fund : પશ્ચિમ એશિયા માં ચાલી રહેલા સંકટ અને શેરબજારના ભારે ઉતાર-ચઢાવને કારણે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો હવે સાવચેત થઈ ગયા છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા મે મહિનાના આંકડા મુજબ, મંથ-ઓન-મંથ ધોરણે નેટ ઇક્વિટી ઇનફ્લોમાં 40% નો મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગોલ્ડ ETF માં પણ રોકાણકારોનો ક્રેઝ ઘટ્યો છે, પરંતુ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પર તેમનો ભરોસો હજુ પણ મજબૂત છે.
AMFI ના લેટેસ્ટ ડેટા અનુસાર, જાન્યુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો કુલ આંકડો 24,013 કરોડ રૂપિયા હતો. ફેબ્રુઆરીમાં તે 25,965 કરોડ, માર્ચમાં 40,366 કરોડ અને એપ્રિલમાં 38,426 કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે મે મહિનામાં આ આંકડો ઘટીને સીધો 22,897 કરોડ રૂપિયા પર આવી ગયો છે.
વિવિધ કેટેગરીમાં રોકાણની સ્થિતિ
Flexi Cap: એપ્રિલમાં 10,147 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું, જે મે મહિનામાં 49% ના મોટા ઘટાડા સાથે 5,175 કરોડ રૂપિયા થઈ ગયું છે.
Large Cap: એપ્રિલના 2,524 કરોડ રૂપિયાના રોકાણ સામે મે મહિનામાં 37% ના ઘટાડા સાથે માત્ર 1,592 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે.
Mid Cap: એપ્રિલમાં 6,551 કરોડ રૂપિયાનું ભંડોળ આવ્યું હતું, જે મે મહિનામાં 28% ઘટીને 4,945 કરોડ રૂપિયા પર આવી ગયું.
SIP પર રોકાણકારોનો ભરોસો અકબંધ
ઇક્વિટીમાં ઘટાડા છતાં SIP દ્વારા થતા રોકાણમાં સ્થિરતા જોવા મળી છે. જાન્યુઆરીમાં SIP રોકાણ 31,002 કરોડ રૂપિયા હતું. ત્યારબાદ ફેબ્રુઆરીમાં 29,845 કરોડ, માર્ચમાં 32,087 કરોડ, એપ્રિલમાં 31,115 કરોડ અને મે મહિનામાં આ આંકડો 30,954 કરોડ રૂપિયા નોંધાયો છે.
ગોલ્ડ અને સિલ્વર ETF ના હાલચાલ
ગોલ્ડ ETF: જાન્યુઆરીમાં 24,039 કરોડ, ફેબ્રુઆરીમાં 5,255 કરોડ, માર્ચમાં 2,265 કરોડ અને એપ્રિલમાં 3,040 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું. પરંતુ મે મહિનામાં ટ્રેન્ડ બદલાયો અને રોકાણકારોએ 725 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.
સિલ્વર ETF: નાણાકીય વર્ષ 2026 ના ડેટા પર નજર કરીએ તો, ડિસેમ્બર 2025 માં 3,962 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું, જે જાન્યુઆરી 2026 માં વધીને 9,463 કરોડ રૂપિયા થઈ ગયું. જોકે, ત્યારબાદ સતત વેચવાલી જોવા મળી છે. ફેબ્રુઆરી 2026 માં 826 કરોડ, માર્ચમાં 684 કરોડ, એપ્રિલમાં 127 કરોડ અને મે 2026 માં 2,133 કરોડ રૂપિયાનો ભારે ઉપાડ થયો છે.
મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ સંપત્તિ
AMFI ના ડેટા પ્રમાણે, જાન્યુઆરી 2026 માં મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ AUM (એસેટ અંડર મેનેજમેન્ટ) 81.01 લાખ કરોડ રૂપિયા હતી. જે ફેબ્રુઆરી 2026 માં વધીને 82.02 લાખ કરોડ થઈ. માર્ચ 2026 માં બજારના દબાણને લીધે તે ઘટીને 73.73 લાખ કરોડ થઈ. એપ્રિલ 2026 માં તે ફરી બાઉન્સ બેક થઈને 81.92 લાખ કરોડ રૂપિયા પર પહોંચી અને મે 2026 માં સામાન્ય ઘટાડા સાથે 81.58 લાખ કરોડ રૂપિયા પર સ્થિર રહી છે.
વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ભૌગોલિક-રાજકીય તણાવને કારણે રોકાણકારો લમ્પ-સમ રોકાણ કરવાનું ટાળી રહ્યા છે અને પ્રોફિટ બુકિંગ પર ફોકસ કરી રહ્યા છે. જોકે, SIP મારફતે આવતો નિયમિત રોકાણનો પ્રવાહ દર્શાવે છે કે નાના રોકાણકારો લાંબા ગાળાના લક્ષ્યો માટે હજુ પણ ભારતીય બજાર અને મ્યુચ્યુઅલ ફંડ પર મજબૂત વિશ્વાસ ધરાવે છે.