ચાલુ વર્ષની વાત કરીએ તો રાજેશ એક્સપોર્ટ્સનો શેર આ વર્ષે અત્યાર સુધીમાં 45 ટકા કરતા વધુ તૂટી ચૂક્યો છે
Rajesh Exports Share Price: શુક્રવાર, 19 જૂનના રોજ શેરબજારમાં ઓવરઓલ ઘટાડા વચ્ચે રાજેશ એક્સપોર્ટ્સના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. માર્કેટ ખુલતાની સાથે જ આ શેરમાં 5 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તે પછી તરત જ અપર સર્કિટ લાગી ગઈ હતી. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનથી આ સ્ટોકમાં સતત ખરીદી જોવા મળી રહી છે અને તે આટલા ટૂંકા ગાળામાં આશરે 28 ટકા જેટલો વધી ચૂક્યો છે. સેબીના આકરા આદેશ બાદ સખત ધોવાઈ ગયેલો આ શેર હવે રિકવરીના ટ્રેક પર છે.
સેબીના આદેશ બાદ શેર 52 અઠવાડિયાની નીચી સપાટીએ ગયો હતો
બજાર નિયામક સેબીએ ગત 3 જૂનના રોજ રાજેશ એક્સપોર્ટ્સ અને તેના ફાઉન્ડર ચેરમેન રાજેશ મહેતા વિરૂદ્ધ એક વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો. આ નકારાત્મક સમાચારને લીધે કંપનીના શેર સતત 7 સેશન સુધી ગગડ્યા હતા. ભારે વેચવાલીના કારણે આ શેર તૂટીને તેના 52 અઠવાડિયાના સૌથી નીચલા સ્તરે એટલે કે 77.05 રૂપિયા પર આવી ગયો હતો. જોકે, હાલની તેજી છતાં આ શેર હજી પણ સેબીના આદેશ વખતની ક્લોઝિંગ પ્રાઇસ કરતા લગભગ 11 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે.
કંપની પર શું છે ગંભીર આરોપો?
સેબીએ આ મામલાની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રાજેશ એક્સપોર્ટ્સ અને રાજેશ મહેતા પર સિક્યોરિટીઝ માર્કેટમાં કોઈ પણ પ્રકારના ટ્રેડિંગ કે ટ્રાન્ઝેક્શન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કંપની પર આરોપ છે કે તેમણે નાણાકીય વર્ષ 2021 થી 2025 ની વચ્ચે પોતાના રેવન્યુ (આવક) માં આશરે 15.15 લાખ કરોડ રૂપિયા વધારીને દર્શાવ્યા હતા. સેબીના મતે કંપનીની વિદેશમાં આવેલી સબસિડિયરીઝનો મોટો હિસ્સો ખોટી રીતે ફૂલાવીને બતાવાયો હતો, જે કન્સોલિડેટેડ રેવન્યુમાં 97-99 ટકા હિસ્સો ધરાવે છે.
કંપનીએ તમામ આરોપો નકારી કાઢ્યા
રાજેશ એક્સપોર્ટ્સ મેનેજમેન્ટે સેબીના આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કંપનીએ ગત અઠવાડિયે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સેબીનો આ આદેશ માત્ર શરૂઆતનું ઓબ્ઝર્વેશન છે અને કંપનીના તમામ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર્સ એકદમ સાચા છે. અલગ-અલગ એક્સચેન્જ પર દેખાતા ડેટામાં જે તફાવત છે, તે માત્ર રિપોર્ટિંગની અલગ પદ્ધતિના કારણે છે. આમાં કોઈ નાણાકીય ગેરરીતિ થઈ નથી. કંપની હાલમાં જરૂરી દસ્તાવેજો સાથે સેબીના આરોપોનો જવાબ તૈયાર કરી રહી છે.
આ વર્ષે શેરનું પ્રદર્શન અને ઓવરઓલ બજાર
ચાલુ વર્ષની વાત કરીએ તો રાજેશ એક્સપોર્ટ્સનો શેર આ વર્ષે અત્યાર સુધીમાં 45 ટકા કરતા વધુ તૂટી ચૂક્યો છે. બીજી તરફ, 19 જૂને સમગ્ર શેરબજારમાં છેલ્લા 5 દિવસથી ચાલી આવતી તેજી અટકી ગઈ છે. બપોરે 11:20 વાગ્યે નિફ્ટી 0.88 ટકા અથવા 212 પોઈન્ટ ઘટીને 23956 પર અને સેન્સેક્સ 1 ટકા અથવા 783 પોઈન્ટ તૂટીને 76624 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અગાઉ અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારના અહેવાલોને કારણે બજારમાં સતત ઉછાળો જોવા મળ્યો હતો, જે આજે વેચવાલીમાં ફેરવાયો છે.