RBI MPC Meeting 2026: રેપો રેટ 5.25% પર યથાવત, FY27 માં દેશનો GDP ગ્રોથ 6.6% રહેવાનું RBIનું અનુમાન
ઓગસ્ટ 2026ની RBI બેઠકમાં મોટો નિર્ણય! રેપો રેટ 5.25% પર સ્થિર રખાયો છે અને FY27 માટે ભારતનો GDP ગ્રોથ 6.6% રહેવાનું અનુમાન છે. જાણો તમારી EMI પર શું અસર થશે.
ગવર્નરના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2026-27ના પહેલા ક્વાર્ટરમાં મોંઘવારીનો દર અંદાજ કરતા થોડો ઓછો રહ્યો છે. જોકે, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં મોંઘવારી તેના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે, પરંતુ ત્યારબાદ તેમાં ધીમે ધીમે ઘટાડો આવવાની પૂરી સંભાવના છે.
RBI MPC Meeting 2026: ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની ઓગસ્ટ 2026 ની સમીક્ષા બેઠકના પરિણામો જાહેર થઈ ગયા છે. દેશના કરોડો લોકોને રાહત આપતા મધ્યસ્થ બેંકે વ્યાજદરમાં કોઈ જ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ભારતના આર્થિક વિકાસને લઈને એક મોટો અને સકારાત્મક અંદાજ પણ રજૂ કર્યો છે.
FY27 માં 6.6% રહેશે GDP ગ્રોથ
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશની મજબૂત અર્થવ્યવસ્થા પર ભરોસો વ્યક્ત કરતા જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2026-27 (FY27) માટે ભારતનો રિયલ જીડીપી ગ્રોથ 6.6% રહેવાનું અનુમાન છે. આ આંકડો દર્શાવે છે કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારતનો આર્થિક પાયો એકદમ મજબૂત છે. આ ઉપરાંત રિટેલ મોંઘવારી દર 5.1% રહેવાનો અંદાજ છે.
રેપો રેટ 5.25% પર સ્થિર, EMI નહીં વધે
RBI એ પોતાનો રેપો રેટ 5.25% પર જાળવી રાખ્યો છે. આ સાથે જ બેંકે ભવિષ્યની નીતિ માટે પોતાનું વલણ 'ન્યુટ્રલ' રાખ્યું છે. આનો સીધો અર્થ એ છે કે, આર્થિક પરિસ્થિતિઓને જોતા ભવિષ્યમાં વ્યાજદરમાં ફેરફાર કરવાના વિકલ્પો ખુલ્લા રખાયા છે.
સામાન્ય જનતા માટે આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો એ છે કે હાલમાં તમારી હોમ લોન, ઓટો લોન કે પર્સનલ લોનની EMI માં કોઈ જ વધારો નહીં થાય. તમારા ખિસ્સા પર વધારાનો કોઈ બોજ પડવાનો નથી.
અલ નીનો અને ક્રૂડ ઓઇલ વધારી શકે છે મોંઘવારી
જૂન મહિનામાં મોંઘવારીમાં જે ઉછાળો આવ્યો હતો, તે મુખ્યત્વે ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને ઈંધણના વધતા ભાવને કારણે હતો. જો ખાદ્યપદાર્થો અને ઈંધણને બાકાત રાખીએ, તો મે અને જૂનમાં કોર ઈન્ફ્લેશન 3.9% પર એકદમ સ્થિર રહ્યું છે. ચોમાસા પર અલ નીનોની ખરાબ અસર અને વૈશ્વિક સ્તરે જિયો-પોલિટિકલ ટેન્શનના કારણે કાચા તેલના ભાવમાં થતી વધઘટ ભવિષ્યમાં મોંઘવારી વધારી શકે છે. જોકે, હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે.
ત્રીજા ક્વાર્ટરમાં (Q3) મોંઘવારી પહોંચશે ટોચ પર
ગવર્નરના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2026-27ના પહેલા ક્વાર્ટરમાં મોંઘવારીનો દર અંદાજ કરતા થોડો ઓછો રહ્યો છે. જોકે, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં મોંઘવારી તેના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે, પરંતુ ત્યારબાદ તેમાં ધીમે ધીમે ઘટાડો આવવાની પૂરી સંભાવના છે.
જૂન 2026 ની બેઠકમાં શું લેવાયા હતા નિર્ણયો?
તમને જણાવી દઈએ કે અગાઉ 3 થી 5 જૂન 2026 ના રોજ મળેલી બેઠકમાં પણ RBI એ આ જ નીતિ અપનાવી હતી. રેપો રેટ 5.25% અને વલણ 'ન્યુટ્રલ' રખાયું હતું. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી 5% અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) 5.5% પર જાળવી રખાઈ હતી.