નિફ્ટીમાં સૌથી વધુ નુકસાન સહન કરનારા શેરોમાં વિપ્રો, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ, એટરનલ, ઇન્ટરગ્લોબ એવિએશન અને શ્રીરામ ફાઇનાન્સનો સમાવેશ થાય છે.
Market Outlook: શેરબજારમાં 8 જૂનના રોજ ભારે વેચવાલી જોવા મળી છે. રોકાણકારોના સેન્ટિમેન્ટ પર દબાણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું જેના કારણે બંને મુખ્ય ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. તમામ સેક્ટરમાં નફાવસૂલીનું દબાણ હોવાથી નિફ્ટી 23,200 ના મહત્વના સ્તરની નીચે સરકી ગયો છે, જે બજારની એકંદર નબળાઈ દર્શાવે છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો
આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 719.08 પોઈન્ટ એટલે કે 0.97 ટકા તૂટીને 73,524.26 ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 243.70 પોઈન્ટનો ઘટાડો નોંધાયો અને તે 1.04 ટકાના નુકસાન સાથે 23,123.00 પર સેટલ થયો છે.
બજારની એકંદર સ્થિતિ જોઈએ તો માત્ર 1172 શેરમાં તેજી હતી, જ્યારે 3007 શેર નુકસાનમાં રહ્યા અને 154 શેરમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો ન હતો. બ્રોડર માર્કેટમાં પણ રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 1.3 ટકા અને સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 1.7 ટકા તૂટ્યા છે.
ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ: કયા શેરોએ બતાવ્યો દમ?
નિફ્ટીમાં સૌથી વધુ નુકસાન સહન કરનારા શેરોમાં વિપ્રો, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ, એટરનલ, ઇન્ટરગ્લોબ એવિએશન અને શ્રીરામ ફાઇનાન્સનો સમાવેશ થાય છે. જોકે આ ખરાબ માહોલ વચ્ચે પણ કેટલાક શેરોએ મજબૂતી બતાવી હતી.
મેક્સ હેલ્થકેર, પાવર ગ્રીડ કોર્પોરેશન, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટેક મહિન્દ્રા અને નેસ્લે ઇન્ડિયાના શેર ટ્રેન્ડથી વિપરીત લીલા નિશાનમાં બંધ થયા હતા. સેક્ટરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો રિયલ્ટી અને મેટલ ઇન્ડેક્સમાં સૌથી વધુ એટલે કે 2 ટકાથી વધુનો કડાકો બોલી ગયો હતો.
9 જૂનનું માર્કેટ આઉટલૂક: ગ્લોબલ સેન્ટિમેન્ટની અસર
જીયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયર માને છે કે મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે ગ્લોબલ સેન્ટિમેન્ટ ખરડાયું છે. કાચું તેલ બેરલ દીઠ 100 ડોલરની નજીક પહોંચી ગયું છે જે એક મોટું પરિબળ છે. અમેરિકાના મજબૂત લેબર ડેટા અને ઊંચા ફુગાવાને કારણે વ્યાજદરમાં ઘટાડાની આશા પણ ધૂંધળી બની છે.
નિફ્ટી અને બેન્ક નિફ્ટીના મહત્વના ટેકનિકલ લેવલ
ટેકનિકલ એનાલિસિસની વાત કરીએ તો નિફ્ટી માટે હવે 22,980 થી 22,950 નો ઝોન તાત્કાલિક સપોર્ટ તરીકે કામ કરશે.
SBI સિક્યોરિટીઝના રિસર્ચ હેડ સુદીપ શાહના મતે જો બજાર આ સ્તરની નીચે ટકી રહેશે તો શોર્ટ ટર્મમાં 22,650 અને 22,500 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઉપરની તરફ નિફ્ટીને 23,270 થી 23,300 ના ઝોનમાં અવરોધનો સામનો કરવો પડશે.
બેન્ક નિફ્ટી વિશે નિષ્ણાતોનું કહેવું છે કે આજે તે ગેપ ડાઉન ખુલ્યો હતો અને આખો દિવસ ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. ચાર્ટ પર 54,420 થી 54,470 નો ઝોન મજબૂત રેઝિસ્ટન્સ બન્યો છે. બેન્ક નિફ્ટી માટે નીચે 53,600 અને 53,500 નો સપોર્ટ મહત્વનો છે. જો તે તૂટશે તો 53,100 અને ત્યારબાદ 52,700 સુધીનો ઘટાડો આવી શકે છે.
નિષ્ણાતો અત્યારે લેવલ-બેઝ્ડ ટ્રેડિંગ અપ્રોચ રાખવાની સલાહ આપી રહ્યા છે. જીઓપોલિટિકલ ઘટનાઓ અને ગ્લોબલ માર્કેટના સંકેતો જ આગામી દિવસોમાં બજારની નવી દિશા નક્કી કરશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.