શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો, સેન્સેક્સ 554 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 2.14 લાખ કરોડ રૂપિયા સ્વાહા | Moneycontrol Gujarati
Get App

શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો, સેન્સેક્સ 554 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 2.14 લાખ કરોડ રૂપિયા સ્વાહા

શેરબજારમાં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 554 પોઈન્ટ તૂટતા રોકાણકારોના 2.14 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. જાણો બજારમાં આવેલા આ ભૂકંપ પાછળના મુખ્ય કારણો.

અપડેટેડ 09:55:32 AM Apr 24, 2026 પર
Story continues below Advertisement
માત્ર થોડીક જ ક્ષણોમાં રોકાણકારોના આશરે 2,13,819.02 કરોડ રૂપિયા સાફ થઈ ગયા હતા.

ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે શુક્રવારનો દિવસ અત્યંત નિરાશાજનક સાબિત થયો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજારમાં સતત ત્રીજા દિવસે ગાબડું જોવા મળ્યું છે. વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ટ્રેડ કરવા લાગ્યા હતા. આ ઘટાડાને પગલે માત્ર ગણતરીની મિનિટોમાં જ રોકાણકારોની અબજો રૂપિયાની સંપત્તિ ધોવાઈ ગઈ છે.

ગણતરીની મિનિટોમાં 2.14 લાખ કરોડ સાફ

બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ તેના અગાઉના બંધથી 554 પોઈન્ટથી વધુ તૂટીને 77,110.22 ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ નબળાઈ સાથે 24,100.55 પર ખુલ્યો અને જોતજોતામાં 24,100.25 ના સ્તર સુધી નીચે ઉતરી આવ્યો હતો.

આ કડાકાની સીધી અસર રોકાણકારોની મૂડી પર પડી છે. ગુરુવારે 23 April ના રોજ જ્યારે બજાર બંધ થયું ત્યારે લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4,66,39,864.88 કરોડ રૂપિયા હતું. જે શુક્રવારે બજાર ખુલતાની સાથે જ ઘટીને 4,64,26,045.86 કરોડ રૂપિયાની નીચે આવી ગયું હતું. આમ, માત્ર થોડીક જ ક્ષણોમાં રોકાણકારોના આશરે 2,13,819.02 કરોડ રૂપિયા સાફ થઈ ગયા હતા.

બજારમાં ઘટાડા પાછળના મુખ્ય કારણો


બજારમાં જોવા મળી રહેલા આ મોટા ઘટાડા પાછળ કેટલાક વૈશ્વિક પરિબળો જવાબદાર છે.

ક્રૂડ ઓઈલનો ભડકો: આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ફરી એકવાર 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે, જે હાલ 103.8 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે.

યુદ્ધવિરામ પર અટકળ: અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) ને લઈને ચાલી રહેલી વાટાઘાટો અટકી પડતા બજારમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે.

FII ની વેચવાલી: વિદેશી રોકાણકારો (FII) દ્વારા ભારતીય બજારમાંથી સતત મૂડી પાછી ખેંચવામાં આવી રહી છે.

એશિયાઈ બજારોમાં નબળાઈ: જાપાનનો નિક્કેઈ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ પણ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે, જેની નકારાત્મક અસર ભારતીય બજાર પર પડી છે.

ગુરુવારે પણ બજારમાં હતું દબાણ

ઉલ્લેખનીય છે કે ગઈકાલે એટલે કે ગુરુવારે પણ બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 852.49 પોઈન્ટ (1.09%) ઘટીને 77,664 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 205.05 પોઈન્ટ (0.84%) તૂટીને 24,173.05 ના સ્તરે બંધ થયો હતો.

ડિસ્ક્લેમર: આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 24, 2026 9:55 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.