ટાયર બનાવતી કંપની એમઆરએફ (MRF)નો શેર ભારતમાં સૌથી મોંઘો છે, આજે તેમાં ભારે ઉછાળો જોવા મળ્યો. આ શેર સપ્તાહના છેલ્લા દિવસે વેપાર દરમિયાન 4 ટકાથી વધુ ઉછાળા સાથે 1,11,939.95 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ તેનું 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર છે. આખરે તે બીએસઈ પર 3.66 ટકા એટલે કે 3916.70 રૂપિયાના વધારા સાથે 1,10,839.80 રૂપિયા પર બંધ થયો. જોકે, દુનિયાનો સૌથી મોંઘો શેર જાણીતા ઈન્વેસ્ટર વોરેન બફેની કંપની બર્કશાયર હેથવેનો છે. ગુરુવારે તે 1.35 ટકા એટલે કે, 7,200 ડોલરની તેજી સાથે 5,41,000 ડોલર પર બંધ થયો. રૂપિયામાં ગણતરી કરીએ તો, આ વધારો લગભગ 5,96,488 રૂપિયા થાય છે. જ્યારે આ શેરનો હાલનો ભાવ રૂપિયામાં ગણીએ તો લગભગ 4,48,16,710 રૂપિયા થાય. જો કોઈની પાસે આ કંપનીનો એક શેર પણ છે, તો તે હાલમાં લગભગ સાડા ચાર કરોડ રૂપિયાનો માલિક છે.

