જિયો ફાઇનાન્શિયલ, ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો), શ્રીરામ ફાઇનાન્સ, મારુતિ સુઝુકી અને HUL ના શેરોમાં સૌથી વધુ નુકસાન થયું છે.
Closing Bell: અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર ભૌગોલિક-રાજકીય તણાવ વધતા ભારતીય શેરબજારમાં ભારે ગભરાટ ફેલાયો છે. 8 જુલાઈના રોજ બજારમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી, જેના કારણે મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા. નિફ્ટી 23,900 ના મહત્વના સપોર્ટ લેવલથી નીચે જઈને બંધ થયો, જ્યારે સેન્સેક્સમાં 1,677 પોઈન્ટનો તોતિંગ કડાકો બોલી ગયો.
રોકાણકારોના 8 લાખ કરોડ રૂપિયા સ્વાહા
આજના આ કડાકાએ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા છે. BSE ના લેટેસ્ટ ડેટા અનુસાર, દલાલ સ્ટ્રીટ પર થયેલી આ ભારે વેચવાલીને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 8 લાખ કરોડ રૂપિયાનું મોટું ધોવાણ થયું છે. મંગળવારે BSE માં લિસ્ટેડ શેરોનું કુલ માર્કેટ વેલ્યુએશન 480 લાખ કરોડ રૂપિયા (4,80,20,223 કરોડ) હતું, જે આજના ઘટાડા બાદ ઘટીને 472 લાખ કરોડ રૂપિયા (4,72,02,439 કરોડ) રહી ગયું છે.
ટોપ લુઝર્સ અને ગેનર્સ
Top Losers
જિયો ફાઇનાન્શિયલ, ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો), શ્રીરામ ફાઇનાન્સ, મારુતિ સુઝુકી અને HUL ના શેરોમાં સૌથી વધુ નુકસાન થયું છે.
Top Gainers
આ ઘટાડા વચ્ચે પણ ONGC અને બજાજ ઓટોના શેરમાં સારી એવી બઢત જોવા મળી હતી.
સેક્ટરલ ઇન્ડેક્સની ખરાબ હાલત: સરકારી બેન્કો પીટાઈ
9 જુલાઈના રોજ મોટાભાગના સેક્ટરનું પરફોર્મન્સ એકદમ નબળું રહ્યું હતું. બજારના 16 મુખ્ય સેક્ટરમાંથી 13 સેક્ટર નુકસાની સાથે બંધ થયા હતા.
બેન્કિંગ અને અન્ય સેક્ટર: સૌથી વધુ નુકસાન PSU બેન્ક શેરોમાં થયું છે. નિફ્ટી PSU બેન્ક ઇન્ડેક્સ 2.56% તૂટ્યો. આ ઉપરાંત નિફ્ટી બેન્ક (-2.40%), પ્રાઇવેટ બેન્ક (-2.42%), FMCG (-2.39%) અને મીડિયા ઇન્ડેક્સ (-2.33%) ગગડ્યા હતા.
અન્ય ઘટાડો: નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ (-2.13%), ઓટો (-2.06%) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં (-2.06%) પણ ભારે વેચવાલી જોવા મળી. નિફ્ટી ફાર્મા 0.87% અને મેટલ 0.68% ઘટ્યો હતો.
મિડકેપ અને સ્મોલકેપ: નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1.7% અને સ્મોલકેપ ઇન્ડેક્સ 2.3% તૂટ્યો હતો.
ક્રૂડ ઓઇલના ભાવ અને 'ઇન્ડિયા VIX' માં મોટો ઉછાળો
બજારમાં અસ્થિરતા અને ડર દર્શાવતો ઇન્ડેક્સ 'ઇન્ડિયા VIX' લગભગ 25% જેટલો ઉછળી ગયો છે, જે ભવિષ્યમાં વધુ ઉતાર-ચઢાવનો સંકેત આપે છે.ગ્લોબલ માર્કેટમાં કાચા તેલના ભાવ વધતા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે BPCL, HPCL અને ઇન્ડિયન ઓઇલ પર દબાણ આવ્યું છે.
ક્રૂડ મોંઘુ થવાથી માર્જિન ઘટવાની ચિંતાએ એશિયન પેઇન્ટ્સ, એરલાઇન ઓપરેટર ઇન્ડિગો અને ટાયર બનાવતી કંપનીઓના શેર ગગડ્યા છે. જોકે, ક્રૂડના વધતા ભાવનો સીધો ફાયદો તેલનું ઉત્પાદન કરતી કંપનીઓને થાય છે, જેથી ONGC અને ઓઇલ ઇન્ડિયાના શેરમાં લગભગ 0.5% નો વધારો જોવા મળ્યો હતો.