તમે જે ચૂકવણી કરો છો તે પ્રાઈસ છે અને સામે જે મેળવો છે તે વેલ્યુ (મૂલ્ય) છે, એમ અગ્રણી રોકાણકાર વોરેન બફેટનું કહેવુ છે. વોરન બફેટ હંમેશા વેલ્યુ ઈનવેસ્ટિંગને પ્રાધાન્ય આપે છે. પરિણામે જ શૅરબજારમાં વોરન બફેટને ‘વેલ્યુ ઈનવેસ્ટર’ તરીકે ઓળખાય છે. વર્ષો સુધી વેલ્યુ ઈનવેસ્ટિંગનાં માધ્યમે સારા પ્રમાણમાં સંપત્તિનું સર્જન થઈ શકે છે. જે શૅર્સ અંડરવેલ્યુ હોય તેમાં રોકાણ કરીને ભવિષ્યમાં સારી કમાણી કરી શકાય છે.
પરંતુ વેલ્યુ ફંડ્સની ઓળખ કરવી સરળ નથી. જ્યારે શૅરબજારમાં કડાકો આવે ત્યારે જ વેલ્યુ ફંડ્સની ક્ષમતા દેખાય છે. તેજીના બજારમાં મોટા ભાગનાં ક્ષેત્રોમાં વૃદ્ધિ થતી હોવાથી આવા માહોલમાં વેલ્યુ ફંડ્સને શોધવા મુશ્કેલ છે. લાંબા ગાળાની દૃષ્ટિએ વેલ્યુ ઈનવેસ્ટિંગ ફાયદાકારક છે. પાંચ વર્ષથી અધિક સમય સુધી રોકાણ કરવામાં આવે તો ટ્રેડર્સને ફાયદો થઈ શકે છે.
જોકે, વૈશ્વિક ધોરણે ગ્રોથ કરતા વેલ્યુ ઈનવેસ્ટિંગને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. વોરેન બફેટને ટેકનોલોજી શૅર્સ પસંદ નથી, તેમ છતાં તેમનું સૌથી વધુ રોકાણ લાંબા સમયથી એપલમાં છે. જ્યારે પણ અર્થતંત્રની રિકવરી થતી હોય ત્યારે વેલ્યુ શૅર્સની વૃદ્ધિ થતી હોય છે પરંતુ તેજીના બજારમાં પણ તેની અધિક વૃદ્ધિ થતી નથી, ફક્ત સ્થિર વૃદ્ધિ થાય છે.
ગ્રોથ શૅર્સ સામે વેલ્યુ શૅર્સની કામગીરી જોતા રોકાણકારોના મનમાં જે ગૂંચવણ છે તે દૂર થઈ શકે છે. વૈશ્વિક શૅરબજારની વાત કરીએ તો ઘણા સૂચકાંકોમાં ઘટાડો થયો છે અને આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં રિટર્ન નેગેટિવ રહ્યું છે. વોલ સ્ટ્રીટ પણ રેડ ઝોનમાં છે. ગયુ વર્ષ શૅરબજાર માટે સારો સમય રહ્યો નથી એમ કહી શકાય. ભૂરાજકીય તણાવ, કોમોડિટીના ભાવમાં વધઘટ, ક્રૂડ તેલ-નેચરલ ગૅસમાં વોલેટિલિટી, સપ્લાય ચેઈન ખોરવાતા અને વ્યાજ દરો વધતા સેન્ટિમેન્ટ ખોરવાયુ છે. ફેડરલ રિઝર્વે આવતા વર્ષે પણ વ્યાજ દરમાં વધારો કરવાનો સંકેત આપતા ફુગાવો યથાવત્ રહેવાની ચિંતા છે અને મંદીની શક્યતા પણ હજી છે.