Consumption Funds: 3 મહિનામાં 12.7%નો મોટો ઘટાડો, શું આ રોકાણની સાચી તક છે કે ચેતવણી?
Consumption Funds: છેલ્લા 3 મહિનામાં Consumption Fundsમાં 12.7%નો મોટો ઘટાડો નોંધાયો છે. શું આ ઘટાડો રોકાણકારો માટે નવી તક છે કે પછી મોટું જોખમ? જાણો એક્સપર્ટ્સ શું સલાહ આપે છે અને આ ફંડ્સના ફાયદા-નુકસાન વિશે.
Consumption Funds: છેલ્લા 3 મહિનામાં કન્ઝમ્પશન ફંડ્સ (Consumption Funds)ના રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. આ ફંડ્સમાં 12.7 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે તે આ સમયગાળામાં બીજું સૌથી ખરાબ પ્રદર્શન કરતું સેક્ટર બની ગયું છે. હાલમાં આ કેટેગરીમાં 37 ફંડ્સ છે, જે રોકાણકારોના કુલ 40,739 કરોડ રૂપિયા મેનેજ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આ ઘટાડામાં રોકાણ કરવું જોઈએ કે હજુ સાવચેત રહેવાની જરૂર છે?
કન્ઝમ્પશન ફંડ્સમાં કેમ આવ્યો આટલો મોટો ઘટાડો?
નિષ્ણાતોના મતે આ ઘટાડા પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે:
કાચા તેલના ભાવમાં વધારો: ક્રૂડ ઓઈલ મોંઘુ થવાથી ટ્રાન્સપોર્ટેશન અને પેકેજિંગનો ખર્ચ વધી ગયો છે, જેનાથી ગ્રાહક-કેન્દ્રિત કંપનીઓના નફા પર સીધી અસર પડી છે.
ભૌગોલિક તણાવ અને સપ્લાય ચેઈન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવના કારણે ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ છે. કંપનીઓને હવે અન્ય બજારોમાંથી મોંઘા ભાવે કાચો માલ આયાત કરવો પડે છે.
મોંઘવારી અને ઘટતી માંગ: મોંઘવારી વધવાના ડરથી લોકોએ પોતાના બિનજરૂરી ખર્ચા પર કાપ મૂક્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં માંગ હજુ પણ અસ્થિર છે, જ્યારે શહેરોમાં માંગ છે પણ તે કંપનીઓના ઊંચા વેલ્યુએશનને પહોંચી વળે તેવી નથી.
ઊંચું વેલ્યુએશન: મજબૂત બ્રાન્ડ વેલ્યુના કારણે આ કંપનીઓના શેરના ભાવ પહેલેથી જ ખૂબ ઊંચા હતા. જે વર્તમાન આર્થિક પડકારો સામે ટકી શક્યા નહીં.
કયા પરિબળો આ ફંડ્સને ફરીથી દોડાવી શકે?
જો કાચા તેલના ભાવ સ્થિર થશે અને યુદ્ધની સ્થિતિ સુધરશે તો આ ફંડ્સમાં ફરીથી શાનદાર રિકવરી આવી શકે છે. ભારતની આંતરિક ગ્રોથ સ્ટોરી (Domestic Growth) હજુ પણ ખૂબ જ મજબૂત છે. લોકોની વધતી આવક, યુવા વસ્તી, તહેવારોની માંગ અને ઝડપી શહેરીકરણ આ સેક્ટર માટે સંજીવની સમાન છે. આ ઉપરાંત ડિજિટલ પહોંચ વધવાથી અને પ્રીમિયમ પ્રોડક્ટ્સ તરફ લોકોનો ઝુકાવ વધવાથી લાંબા ગાળે આ સેક્ટરને મોટો ફાયદો થશે.
આ ફંડ્સમાં રોકાણ કરવાના ફાયદા અને નુકસાન
ફાયદા: આ ફંડ્સ ભારતની ડોમેસ્ટિક ગ્રોથ સ્ટોરીમાં સીધું રોકાણ કરવાની તક આપે છે. ગ્લોબલ માર્કેટ કે નિકાસ પર આવતા ટેરિફની આના પર બહુ ઓછી અસર થાય છે. માત્ર એક જ ફંડ દ્વારા તમને FMCG, રિટેલ અને ઓટોમોબાઈલ જેવા અલગ-અલગ સેક્ટરમાં રોકાણનો લાભ મળી જાય છે.
નુકસાન: આ થિમેટિક ફંડ્સ (Thematic Funds) હોવાથી તેમાં જોખમ વધારે રહેલું છે. તેમાં માંગ અને વ્યાજ દરોની સીધી અસર થાય છે. જો સરકારી નિયમો બદલાય કે લોકોની પસંદગી અચાનક બદલાય તો કંપનીઓને નુકસાન થઈ શકે છે. આ ફંડ્સનું પ્રદર્શન સાયકલિકલ (Cyclical) હોય છે, એટલે કે સારા રિટર્ન પછી તેમાં ધીમાશ આવે તે સ્વાભાવિક છે.
રોકાણકારોએ અત્યારે શું કરવું જોઈએ?
એક્સપર્ટ્સની સલાહ મુજબ, રોકાણકારોએ તેમની જરૂરિયાત મુજબ નિર્ણય લેવો જોઈએ:
જૂના રોકાણકારો માટે: જો તમારું લક્ષ્ય 5 વર્ષ કે તેથી વધુ છે, તો અત્યારે ગભરાઈને પૈસા ઉપાડવા ન જોઈએ. હાલનો ઘટાડો હંગામી છે. જો અત્યારે બહાર નીકળી જશો તો ભવિષ્યમાં આવનારી રિકવરીનો લાભ ચૂકી જશો.
પોર્ટફોલિયો બેલેન્સ: જો તમે તમારા પોર્ટફોલિયોનો ખૂબ મોટો હિસ્સો આ એક જ થીમમાં રોક્યો હોય, તો માર્કેટ રિકવર થાય ત્યારે થોડો નફો બુક કરી લેવો હિતાવહ છે.
નવા રોકાણકારો માટે: નવા રોકાણકારોએ અત્યારે સીધા સેક્ટરલ કે થિમેટિક ફંડ્સમાં મોટું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. તેના બદલે ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફંડ્સ પર ધ્યાન આપો.
SIPનો રસ્તો અપનાવો: જો તમે આ સેક્ટરમાં રોકાણ કરવા માંગો છો, તો એકસાથે પૈસા લગાવવાને બદલે SIP (Systematic Investment Plan)નો રસ્તો અપનાવો. અને હા, એવી જ કંપનીઓના ફંડ્સ પસંદ કરો જેની બ્રાન્ડ વેલ્યુ ખૂબ જ મજબૂત હોય.
ડિસ્ક્લેમર: મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આ આર્ટિકલ ફક્ત જાણકારી માટે છે અને તેને કોઈપણ રીતે રોકાણની સલાહ તરીકે ગણવો જોઈએ નહીં. moneycontrol તેના વાચકોને નાણાં સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેમના નાણાકીય સલાહકારો સાથે અવશ્ય સલાહ લેવાની ભલામણ કરે છે.