ટ્રમ્પના 'ટેરિફ વોર' વચ્ચે ભારતીય રોકાણકારો બન્યા ઢાલ: ડિસેમ્બરમાં SIP રોકાણે તોડ્યા તમામ રેકોર્ડ, FIIના વેચાણ સામે બજારને બચાવી લીધું
Mutual Fund SIP Record: ડિસેમ્બર 2025માં મ્યુચ્યુઅલ ફંડ SIP રોકાણ ઇતિહાસમાં પહેલીવાર 31,000 કરોડને પાર થયું છે. જાણો કેવી રીતે નાના ભારતીય રોકાણકારોએ વિદેશી ફંડના જંગી વેચાણ સામે શેરબજારને મોટી મુસીબતમાંથી બચાવ્યું.
રસપ્રદ વાત એ છે કે, ડિસેમ્બરમાં 60.46 લાખ નવા SIP એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. હવે દેશમાં કુલ SIP ખાતાઓની સંખ્યા વધીને 9.79 કરોડ થઈ ગઈ છે.
Mutual Fund SIP Record: જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો તમારા માટે ગર્વ લેવા જેવી બાબત છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને ટેરિફના ડર વચ્ચે વિદેશી રોકાણકારો ભલે ભારતીય બજારમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા હોય, પરંતુ ભારતીય રોકાણકારોએ બજારને પડતું બચાવી લીધું છે.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો એક નવો ઇતિહાસ રચાયો છે. ડિસેમ્બર 2025માં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા આવતું રોકાણ પહેલીવાર 31,000 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. આ આંકડો સાબિત કરે છે કે હવે ભારતીય રોકાણકારો બજારની વધઘટથી ગભરાવાને બદલે શિસ્તબદ્ધ રોકાણ પર ભરોસો કરી રહ્યા છે.
SIP રોકાણમાં ઐતિહાસિક ઉછાળો
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ (AMFI)ના તાજેતરના ડેટા મુજબ, ડિસેમ્બર 2025માં SIP દ્વારા કુલ 31,002 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે. આ આંકડો નવેમ્બર મહિના કરતા 5% વધારે છે અને ગયા વર્ષની સરખામણીએ 17% વધુ છે. નવેમ્બરમાં આ આંકડો 29,445 કરોડ રૂપિયા હતો.
રસપ્રદ વાત એ છે કે, ડિસેમ્બરમાં 60.46 લાખ નવા SIP એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. હવે દેશમાં કુલ SIP ખાતાઓની સંખ્યા વધીને 9.79 કરોડ થઈ ગઈ છે.
નાના રોકાણકારો બન્યા બજારની 'ઢાલ'
એક તરફ અમેરિકન ટેરિફ વધવાની ચિંતા અને ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતીમાં વિલંબને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત વેચવાલી કરી રહ્યા છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલના રિપોર્ટ મુજબ, 2025માં FII એ ભારતીય શેરોમાંથી રેકોર્ડ 18.8 અબજ ડોલર (લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા) પાછા ખેંચી લીધા છે. જુલાઈ 2025 થી ડિસેમ્બર સુધીમાં જ તેમણે 1.85 લાખ કરોડના શેર વેચી દીધા હતા.
જો આ સમયે ભારતીય રિટેલ રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પૈસા ઠાલવ્યા ન હોત, તો શેરબજારમાં મોટો ભૂકંપ આવી શક્યો હોત. પરંતુ ઘરેલુ રોકાણકારોએ બજારની આડશ બનીને આ તોફાનને રોકી લીધું છે.
કુલ સંપત્તિમાં સામાન્ય ઘટાડો
ભલે SIPનો પ્રવાહ જોરદાર રહ્યો હોય, પરંતુ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થોડું ઘટ્યું છે 28,054 કરોડ રૂપિયા. જેના કારણે અને બજારના કરેક્શનને લીધે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ સંપત્તિ (AUM) 80.80 ટ્રિલિયન રૂપિયાથી ઘટીને 80.23 ટ્રિલિયન રૂપિયા થઈ છે. ડિસેમ્બરમાં કુલ મળીને 66,571 કરોડ રૂપિયાનો આઉટફ્લો પણ જોવા મળ્યો હતો.
ગોલ્ડ ETFમાં પણ ચમક
માત્ર શેરબજાર જ નહીં, રોકાણકારો સોનામાં પણ સુરક્ષિત રોકાણ શોધી રહ્યા છે. ડિસેમ્બરમાં ગોલ્ડ ETFમાં 11,647 કરોડ રૂપિયાનું જંગી રોકાણ આવ્યું છે. જે નવેમ્બરના 3,742 કરોડ રૂપિયા કરતા 200% થી પણ વધારે છે. છેલ્લા 5 મહિનામાં આ સૌથી મોટું માસિક રોકાણ છે.
નિષ્ણાતો શું કહે છે?
આનંદ રાઠી વેલ્થ લિમિટેડના જોઈન્ટ સીઈઓ ફિરોઝ અઝીઝના જણાવ્યા મુજબ, "31,000 કરોડથી વધુનો SIP રેકોર્ડ એ બતાવે છે કે રોકાણકારો હવે શિસ્તબદ્ધ થઈ ગયા છે. બજારમાં જ્યારે ઘટાડો આવ્યો ત્યારે લોકોએ ગભરાવાને બદલે તેને રોકાણ વધારવાની તક તરીકે જોયું."
બીજી તરફ, કોટક મહિન્દ્રા AMC ના હેડ ઓવાસ બક્ષીએ કહ્યું કે, "રોકાણકારોને હવે SIP દ્વારા વેલ્થ ક્રિએશન (સંપત્તિ સર્જન) ના ફાયદા સમજાઈ રહ્યા છે. દેશમાં બચતને નાણાકીય સ્વરૂપ આપવાનો ટ્રેન્ડ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને ભવિષ્યમાં આ રફ્તાર હજુ વધશે."
આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતીય શેરબજાર હવે માત્ર વિદેશી રોકાણકારો પર નિર્ભર નથી. નાના અને મધ્યમ વર્ગના રોકાણકારોની બચત હવે બજારને સ્થિરતા આપવા માટે એક મજબૂત પિલર બની ગઈ છે.