અમદાવાદમાં મસમોટું કૌભાંડ! કાગળ પર પોલિટિકલ પાર્ટી બનાવી 250 કરોડનો ટેક્સ ચોર્યો, 7 લોકો સામે IT ની ફરિયાદ
Ahmedabad fake donation scam: અમદાવાદમાં 'આમ જનમત પાર્ટી' ના નામે 250 કરોડ રૂપિયાનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું છે. ઈન્કમ ટેક્સ વિભાગે ખોટી રીતે ટેક્સ બચાવવાના આ ખેલમાં 7 લોકો સામે ફરિયાદ નોંધી છે. જાણો સમગ્ર મામલો.
આ છેતરપિંડીની કામ કરવાની રીત ખૂબ જ ચોંકાવનારી હતી. આ ટોળકી દેશના મોટા અને અમીર કરદાતાઓનો સંપર્ક કરતી હતી અને તેમની પાસેથી પાર્ટીના બેંક ખાતામાં ચેક અથવા ઓનલાઈન માધ્યમથી મોટું ડોનેશન લેતી હતી.
Ahmedabad fake donation scam: અમદાવાદમાં ફરી એકવાર એક બહુ મોટું આર્થિક કૌભાંડ પકડાયું છે. રાજકીય પાર્ટીના નામે લોકો પાસેથી ફંડ ઉઘરાવીને ટેક્સ બચાવવાનો એક ગોરખધંધો સામે આવ્યો છે. 'આમ જનમત પાર્ટી' નામની એક એવી પાર્ટી જે માત્ર કાગળ પર જ ચાલતી હતી, તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) અને પોતાના હોદ્દેદારો સાથે મળીને 250 કરોડ રૂપિયાથી વધુની ટેક્સ ચોરી કરી છે. આ મામલે ઈન્કમ ટેક્સ (IT) વિભાગે કડક કાર્યવાહી કરતા 7 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે.
માત્ર કાગળ પર ચાલતી હતી પાર્ટી
તપાસમાં સામે આવ્યું છે કે 'આમ જનમત પાર્ટી' જેનો રજિસ્ટ્રેશન નંબર 56/246/2019/PPS-1 છે, જમીન પર કોઈ જ કામ કરતી ન હતી. આ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ વાય. મિશ્રા, ખજાનચી ધર્મેન્દ્ર વૈષ્ણવ અને મેનેજર દિનેશકુમાર જૈને કેટલાક CA (મયૂરસિંહ રાઠોડ, પ્રણવ શાહ અને આકાશ સોની) સાથે મળીને આ મોટું કાવતરું રચ્યું હતું. આ લોકોએ કોઈ પણ સાચા બિલ કે વાઉચર વગર જ ખોટા ઓડિટ રિપોર્ટ બનાવીને સરકારી વેબસાઈટ પર અપલોડ કરી દીધા હતા.
કેવી રીતે ચાલતો હતો આ ગોરખધંધો?
આ છેતરપિંડીની કામ કરવાની રીત ખૂબ જ ચોંકાવનારી હતી. આ ટોળકી દેશના મોટા અને અમીર કરદાતાઓનો સંપર્ક કરતી હતી અને તેમની પાસેથી પાર્ટીના બેંક ખાતામાં ચેક અથવા ઓનલાઈન માધ્યમથી મોટું ડોનેશન લેતી હતી. આ ડોનેશનના આધારે પૈસા આપનાર વ્યક્તિ ઈન્કમ ટેક્સમાં 100% છૂટ (ટેક્સ બેનિફિટ) મેળવી લેતો હતો. ત્યારબાદ આ પાર્ટીના ખાતામાંથી ચૂંટણી પ્રચાર, રેલી કે જાહેરાતના નામે ખોટા ખર્ચા બતાવીને તે પૈસા કેટલીક બોગસ કંપનીઓમાં મોકલી દેવામાં આવતા. આ બોગસ કંપનીઓમાં પ્રેનિત કોર્પોરેશન, હેશાઝ કોર્પોરેશન, આયાન એન્ટરપ્રાઇઝ અને શ્રી રામદેવ એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે. છેલ્લે, આ પૈસા આંગડિયા પેઢી દ્વારા રોકડા ઉપાડી લેવાતા અને પોતાનું નક્કી કરેલું કમિશન કાપીને બાકીના રોકડા રૂપિયા મૂળ ડોનરને પાછા આપી દેવામાં આવતા હતા.
સરકારને 250 કરોડનો ચૂનો લાગ્યો
ઈન્કમ ટેક્સ વિભાગની ઝીણવટભરી તપાસમાં ખૂલ્યું છે કે વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન આ પાર્ટીના બેંક ખાતાઓમાં કુલ 843,97,43,793 રૂપિયા (843 કરોડથી વધુ) ના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. ખોટા ડોનેશન અને બોગસ ખર્ચાઓ બતાવીને આ ટોળકીએ સરકારી તિજોરીને આશરે 250 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.
સરકારની આંખમાં ધૂળ નાખવાના આ કેસમાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ દ્વારા કડક પગલાં લેવાયા છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકો સામે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે.