અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ: 'સરકારો આવશે અને જશે, પણ લોકશાહી રહેવી જોઈએ' - જાણો પૂર્વ PMના 5 ઐતિહાસિક ભાષણો
Atal Bihari Vajpayee: 25 ડિસેમ્બર 2025ના રોજ અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. કવિ હૃદય નેતા અને પૂર્વ વડાપ્રધાનના પોખરણથી લઈને સંયુક્ત રાષ્ટ્ર સુધીના 5 સૌથી યાદગાર ભાષણો વિશે અહીં જાણો.
Atal Bihari Vajpayee: 25 ડિસેમ્બર 2025ના રોજ અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે.
Atal Bihari Vajpayee 101st Birth Anniversary: ભારતીય રાજકારણના અજાતશત્રુ ગણાતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા તથા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 25 ડિસેમ્બર 2025ના રોજ 101મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. અટલજી માત્ર એક કુશળ રાજનેતા જ નહીં પરંતુ એક સંવેદનશીલ કવિ અને પ્રખર વક્તા પણ હતા. તેઓ ભારતના સૌથી સન્માનિત નેતાઓમાં સ્થાન ધરાવે છે. અટલ બિહારી વાજપેયી કુલ 3 વખત ભારતના વડાપ્રધાન પદ પર રહ્યા હતા. તેઓ સૌપ્રથમ 1996માં ટૂંકા ગાળા માટે અને ત્યારબાદ 1998થી 2004 સુધી સતત બે કાર્યકાળ પૂરા કરીને દેશનું નેતૃત્વ કર્યું હતું.
તેમની અદભૂત ભાષણ કળા, સાહિત્યિક પ્રતિભા અને વિરોધ પક્ષો સાથે પણ સહમતી સાધવાની ક્ષમતા તેમને અન્ય નેતાઓથી અલગ તારવતી હતી. દેશ પ્રત્યેની તેમની સેવાઓને બિરદાવતા વર્ષ 2015માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન'થી નવાજવામાં આવ્યા હતા. અટલજીના શબ્દોમાં એક જાદુ હતો જે આજે પણ દેશવાસીઓને પ્રેરણા આપે છે.
આવો, અટલ બિહારી વાજપેયીજીની 101મી જન્મજયંતિના અવસરે તેમના 5 સૌથી પ્રમુખ અને યાદગાર ભાષણો વિશે જાણીએ:
1. પોખરણ-II પરમાણુ પરીક્ષણ (1998)
ભારતના ઇતિહાસમાં મે 1998નો સમય સુવર્ણ અક્ષરે લખાયેલો છે. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં પોખરણ-II સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ પહેલાં 1974માં ઇન્દિરા ગાંધીના સમયમાં પ્રથમ પરીક્ષણ થયું હતું. 11 મે 1998ના રોજ રાષ્ટ્રને સંબોધતા અટલજીએ ગર્વભેર જાહેરાત કરી હતી કે, "આજે બપોરે 3:45 વાગ્યે ભારતે પોખરણ રેન્જમાં ત્રણ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણો કર્યા છે." તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ વિસ્ફોટો નિયંત્રિત હતા અને તેનાથી વાતાવરણમાં કોઈ રેડિયોએક્ટિવ અસર થઈ નથી. આ સાહસિક પગલાએ ભારતની પરમાણુ ક્ષમતા અને વ્યૂહાત્મક શક્તિનું વિશ્વને દર્શન કરાવ્યું હતું. તેમણે આ સફળતા માટે વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા હતા.
2. ઐતિહાસિક ત્યાગપત્ર ભાષણ (1996)
લોકશાહીના ઇતિહાસમાં 28 મે 1996નું ભાષણ અવિસ્મરણીય છે. કેન્દ્રમાં તેમની 13 દિવસની સરકારના વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન લોકસભામાં તેમણે એક એવું ભાષણ આપ્યું જે આજે પણ ગુંજે છે. સ્પીકર પી.એ. સંગમાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, "હું 40 વર્ષથી સંસદમાં છું... મેં સરકારોને બનતી અને બગડતી જોઈ છે." તેમનું પ્રખ્યાત વાક્ય હતું, "સત્તાનો ખેલ ચાલશે, સરકારો આવશે અને જશે, પક્ષો બનશે અને બગડશે, પરંતુ આ દેશ રહેવો જોઈએ, આ દેશની લોકશાહી અમર રહેવી જોઈએ." રાષ્ટ્રીય હિતમાં શરૂ કરેલા કાર્યો પૂરા કરવાની ખાતરી સાથે તેમણે રાષ્ટ્રપતિને રાજીનામું સોંપવાની જાહેરાત કરી હતી.
3. સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં ગુંજ (1977)
જ્યારે અટલજી વિદેશ મંત્રી હતા, ત્યારે તેમણે વિશ્વ ફલક પર ભારતની ભાષાનું ગૌરવ વધાર્યું હતું. 1977માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં હિન્દીમાં ભાષણ આપનારા તેઓ પ્રથમ વ્યક્તિ હતા. 4 ઓક્ટોબર 1977ના રોજ તેમણે 'વસુધૈવ કુટુંબકમ' એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે, તેવો ભારતનો પ્રાચીન સંદેશ વિશ્વને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત શાંતિ અને મિત્રતા માટે મક્કમ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રને માત્ર સરકારી પ્રતિનિધિઓના સંમેલન સુધી સીમિત ન રહેતા, માનવતાની સામૂહિક ચેતનાનું પ્રતિનિધિત્વ કરતી 'માનવ સંસદ' બનવા આહ્વાન કર્યું હતું.
4. સ્વતંત્રતા દિવસનું સંબોધન (2002)
વર્ષ 2002માં લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપેલું ભાષણ દેશમાં એકતાનો સંચાર કરનારું હતું. તેમણે દેશવાસીઓને સંદેશ આપ્યો કે, "આપણે એક થઈએ અને દેશના સપના સાકાર કરવા મળીને મહેનત કરીએ." તેમણે કહ્યું હતું કે ભલે આપણું લક્ષ્ય આકાશ જેટલું ઊંચું હોય, પરંતુ આપણે ખભે ખભા મિલાવીને આગળ વધવાનો સંકલ્પ લેવો પડશે. વિજય આપણો જ થશે તેવા આત્મવિશ્વાસ સાથે તેમણે સૌને "જય હિન્દ" ના નારા સાથે સંકલ્પબદ્ધ થવા હાકલ કરી હતી.
5. અમેરિકન કોંગ્રેસને સંબોધન (2000)
14 સપ્ટેમ્બર 2000ના રોજ પોતાની અમેરિકા યાત્રા દરમિયાન અટલ બિહારી વાજપેયીએ અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. આ ઐતિહાસિક ભાષણમાં તેમણે ભારત અને અમેરિકાને "સ્વાભાવિક ભાગીદાર" (Natural Partners) ગણાવ્યા હતા. તેમણે લોકશાહી મૂલ્યો, આતંકવાદ સામેની લડાઈ, ઉર્જા, પર્યાવરણ અને વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બંને દેશોના સમાન હિતો અને મૂલ્યો તેમને એક નવી ભાગીદારી તરફ લઈ જઈ રહ્યા છે, જે વિશ્વ શાંતિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.