કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલતી નેતૃત્વની અનિશ્ચિતતા હવે ખતમ થઈ છે
Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલતી નેતૃત્વની અનિશ્ચિતતા હવે ખતમ થઈ છે. પાર્ટી હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના પ્રમુખ તરીકે અમિત ચાવડાની ફરી નિમણૂક કરી છે. સાથે જ વિધાનસભામાં કોંગ્રેસ લેજિસ્લેટિવ પાર્ટી (CLP)ના લીડર તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને આદિવાસી નેતા ડૉ. તુષાર ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે.
અમિત ચાવડાની બીજી ઇનિંગ્સ
અમિત ચાવડા જેઓ 2018થી 2021 દરમિયાન GPCC પ્રમુખ રહી ચૂક્યા છે, તેમનો અનુભવ પાર્ટીને ગુજરાતના રાજકીય પડકારોનો સામનો કરવામાં મદદ કરશે. આંણદના અંકલાવ બેઠકના પાંચ વખતના MLA, ચાવડા તેમના શાંત નેતૃત્વ અને ગ્રાસરૂટ કનેક્શન માટે જાણીતા છે. તેમની નિમણૂકથી કોંગ્રેસ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં પોતાનું સંગઠન મજબૂત કરવા માંગે છે.
તુષાર ચૌધરીની નવી ભૂમિકા
ડૉ. તુષાર ચૌધરી ખેડબ્રહ્માના ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી, આદિવાસી સમાજનો મજબૂત ચહેરો છે. વિધાનસભામાં CLP લીડર તરીકે તેમની નિમણૂકથી કોંગ્રેસનો અવાજ વધુ તાકાત મેળવશે. આદિવાસી મુદ્દાઓને હવે વિધાનસભામાં વધુ મહત્વ મળશે તેવી આશા છે.
નેતૃત્વમાં ફેરફારનું કારણ
આ નિમણૂકો શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ થઈ છે, જેમણે જૂન 2023માં પ્રમુખપદ સંભાળ્યું હતું. કડી અને વિસાવદરની ગત પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગોહિલે નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપ્યું હતું. તેમના સ્થાને શૈલેષ પરમારને કાર્યકારી પ્રમુખ બનાવાયા હતા.
રાજકીય વારસો
અમિત ચાવડા રાજકીય વારસો ધરાવે છે. તેમના દાદા ઈશ્વરભાઈ ચાવડા પૂર્વ સાંસદ હતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા. આ રીતે, ચાવડા ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે, જેઓ પણ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે.
શું હશે અસર?
આ નવા નેતૃત્વથી કોંગ્રેસ OBC અને આદિવાસી સમુદાયોનું સમર્થન મેળવવા માંગે છે. 10 જુલાઈએ દિલ્હીમાં રાહુલ ગાંધી અને ગુજરાત ઈન્ચાર્જ મુકુલ વાસનિક સાથે થયેલી બેઠકમાં આ નિમણૂકો માટે ચર્ચા થઈ હતી. કોંગ્રેસ હવે ગુજરાતમાં 30 વર્ષથી ચાલતી સત્તાની લડાઈમાં નવો જોશ લાવવા તૈયાર છે.