તમિલનાડુમાં સીએમ વિજયની મોટી ભેટ: 2 ઓક્ટોબરથી મહિલાઓ માટે બસ મુસાફરી ફ્રી, 14 જાન્યુઆરીથી મળશે મફત ગેસ સિલિન્ડર
તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે 2 ઓક્ટોબરથી મહિલાઓ માટે ફ્રી બસ મુસાફરી અને 14 જાન્યુઆરીથી દર વર્ષે 3 મફત ગેસ સિલિન્ડર આપવાની મોટી જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીએ મહિલાઓ માટે ફ્રી બસ મુસાફરી યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે. આ યોજનાનું નામ 'વેત્રી પયનમ' રાખવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની જન્મજયંતિ એટલે કે 2 ઓક્ટોબરથી આ નિયમ લાગુ થશે.
તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે રાજ્યની જનતા, ખાસ કરીને મહિલાઓ અને ગરીબ પરિવારો માટે અનેક મોટી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. વિધાનસભામાં સંબોધન કરતા સીએમ વિજયે તમિલગા વેત્રી કષગમ પાર્ટીના મુખ્ય ચૂંટણી વચનો પૂરા કરવાની દિશામાં મહત્વના નિર્ણયો લીધા છે.
મુખ્યમંત્રીએ મહિલાઓ માટે ફ્રી બસ મુસાફરી યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે. આ યોજનાનું નામ 'વેત્રી પયનમ' રાખવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની જન્મજયંતિ એટલે કે 2 ઓક્ટોબરથી આ નિયમ લાગુ થશે.
હવે મહિલાઓ સરકારી એક્સપ્રેસ, ડીલક્સ અને એલએસએસ બસોમાં પણ મફત મુસાફરી કરી શકશે. આ ઉપરાંત, જિલ્લાઓ વચ્ચે દોડતી સામાન્ય ભાડાવાળી અને પહાડી વિસ્તારોની બસોમાં પણ આ સુવિધા મળશે. સૌથી ખાસ વાત એ છે કે, આ યોજના માટે કોઈ આવક મર્યાદા નક્કી કરવામાં આવી નથી અને મુસાફરીની કોઈ લિમિટ પણ નથી. ટ્રાન્સજેન્ડર સમુદાયને પણ આ યોજનાનો પૂરો લાભ મળશે.
14 જાન્યુઆરીથી દર વર્ષે 3 મફત ગેસ સિલિન્ડર
'અન્નપૂર્ણા સુપર સિક્સ' યોજના હેઠળ રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મોટી રાહત આપવામાં આવી છે. પુંગલના તહેવાર એટલે કે 14 જાન્યુઆરીથી દરેક લાયક પરિવારને મફત ગેસ સિલિન્ડરનો લાભ મળશે. સરકાર એક વર્ષમાં 3 ગેસ સિલિન્ડર માટેના પૈસા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરશે. આ યોજનાથી તમિલનાડુના આશરે 1.30 કરોડ પરિવારોને ફાયદો થશે, જેના માટે સરકાર દર વર્ષે 4000 કરોડ રૂપિયાનો ખર્ચ ભોગવશે. લાભ કોને મળશે? જેમની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે તેવા પરિવારો, નાના ખેડૂતો, દિવ્યાંગો અને નબળા વર્ગના લોકોને આ યોજનામાં આવરી લેવાશે.
ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય: એરપોર્ટ પ્રોજેક્ટ રદ
પરંદૂર ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટનો સ્થાનિક ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યા હતા. ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર ન હોવાથી મુખ્યમંત્રી વિજયે ખેડૂતોના પક્ષમાં નિર્ણય લેતા આ સમગ્ર એરપોર્ટ પ્રોજેક્ટને રદ કરવાની મોટી જાહેરાત પણ કરી છે.
સ્વાસ્થ્ય વીમો 5 લાખથી વધારીને 25 લાખ કરાયો
આ અગાઉ 19 ઓગસ્ટના રોજ પણ સીએમ વિજયે આરોગ્ય ક્ષેત્રે મોટા નિર્ણયો લીધા હતા. 'મુખ્યમંત્રી વ્યાપક સ્વાસ્થ્ય વીમા યોજના' હેઠળ મળતું 5 લાખ રૂપિયાનું હેલ્થ કવર વધારીને હવે 25 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.
આ સાથે ઉત્તર ચેન્નઈના પેરમ્બુરમાં 300 કરોડ રૂપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની 400 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરાઈ હતી. મેડિકલ સ્ટાફની અછત દૂર કરવા માટે સરકાર 351 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, જેના દ્વારા નર્સિંગ અને ફાર્મસીમાં સીટો વધારવામાં આવશે અને 7 નવી નર્સિંગ કોલેજો પણ શરૂ કરવામાં આવશે.